Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Worship for WASH, Rishikesh

UNICEF and Global Interfaith WASH Alliance organised for an event of ‘Water to WASH Summit’ for the awareness towards the preservation and purification of water, health and Hygiene systems under the guidance of HH Pujya Chidatmanand MAharaj (Pujya Muniji) at Parmarth Niketan, Rishikesh during 28-29-30 November 2014.
 
વર્શીપ ફોર વોશ –  પરમાર્થ નિકેતન, ઋષિકેશ ૨૮-૨૯-૩૦ નવેમ્બર ૨૦૧૪

ઋષિકેશ ગંગાના કિનારે વિશ્વભરના ધર્માચાર્યો દ્વારા પાણી અને શુદ્ધ હવાની જાળવણી માટે ઉદ્‌ઘોષ ઋષિકેશ તા.૨ યુનાઇટેડ નેશન સાથે સંકળાયેલ યુનિસેફ તેમજ ગ્લોબલ વોશ એલાયન્સના અધ્યક્ષ શ્રી ચિદાનંદજી સરસ્વતીજી મહારાજ (મુનિજી)ના સાનિધ્યમાં વર્શીપ ફોર વોશ- વોટર સેનિટેશન અને હાઇજીનનો ભવ્ય કાર્યક્રમ ઋષિકેશ ગંગાના પવિત્ર કિનારે યોજાયો હતો.
 
આ પ્રસંગે વિશ્વભરમાંથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, યહુદી, બૌદ્ધ, મુસ્લિમ, જૈન, બરાઇ વગેરે ધર્મના અગ્રણી ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક ધર્મગુરુઓએ એક સાથે બેસીને ભારત સહિત વિશ્વના દેશોને  વિશુદ્ધ પર્યાવરણ, નિર્મળ જળ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો સંકલ્પ કર્યો હતો. વિશ્વના વિવિધ ધર્મના ધર્માચાર્યોને એક મંચ ઉપર જોવા, એ પણ મંદિર-મસ્જિદ મુદ્દાઓને એક બાજુ રાખી સમાજલક્ષી પાણી અને પર્યાવરણ વિષે ચર્ચા કરતા જોવા એ એક લહાવો હતો. આ ભવ્ય પ્રસંગે ઋષિકેશ પરમાર્થ નિકેતનના અધ્યક્ષ શ્રી ચિદાનંદજી સ્વામી મહારાજ (પૂ. મુનિજી)એ સર્વ અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે આપણે નવી પેઢીને સુંદર અને સ્વચ્છ વિશ્વનો વારસો દેવાનો છે. આપણે આ સુંદર ધરતીને સ્વચ્છ અને હરિયાળી રાખવાની છે. ગંદા પાણીના વપરાશથી હજારો બાળકોના મૃત્યુ થઇ રહ્યા છે. પર્યાવરણના પ્રદુષણથી હવા પણ શુદ્ધ મળતી નથી. જો વિશ્વના તમામ ધર્મગુરુઓ આ અંગે એક અવાજે વિશ્વને જાગૃત કરે તો બહુ મોટી ક્રાંતિ સર્જી શકાય તેમ છે. આપણે આપણાં વિચારોમાં પરિવર્તન લાવવાની જરુર છે. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ સુંદર વિશ્વ વિવિધતાથી ભરાયેલું છે. આપણે વિવિધતાનો સ્વીકાર કરી, વિવિધતાનો આદર અને પ્યાર કરવો જોઇએ. વિવિધતામાં પણ કેટલીય સમાનતા હોય છે. ‘વર્શીપ ફોર વોશ’ એવી જ સમાનતા છે. કોઇપણ ધર્મ માટે વોટર, સેનિટેશન અને હાઇજીન આવશ્યક છે. ધર્મમાં જબ્બર શક્તિ છે. એ શક્તિ સર્જન અને વિનાશ બંન્ને કરી શકે છે. ધર્મ શાંતિ પણ આપી શકે છે અને તેનો દુરુપયોગ અશાંતિ પણ આપી શકે છે. આવો આપણે વિશ્વના વિવિધ ધર્મના ધર્મગુરુઓ સાથે મળીને ધર્મનો સકારાત્મક ઉપયોગ કરીએ.
 
યુનિસેફ ગ્લોબલ વોશ એલાયન્સ તથા ગંગા એકશન પરિવારે પોઝીટીવ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. અમો મુનિજી મહારાજની પ્રેરણાથી ૧૦૮ ગામડાઓમાં વર્શીપ ફોર વોશનો પ્રચાર કરીશું.
 
યુનો સાથે જોડાયેલ પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રીલિઝિયનના વડા અબ્દુલ મલીકે જણાવ્યું હતું કે મારા જીવનમાં મેં પહેલી વાર ગંગાજીના કિનારે આશ્રમમાં સમય વિતાવ્યો છે. મારો અનુભવ અત્યંત દિવ્ય છે. ‘વર્શીપ ફોર વોશ’ નો સંદેશ અમે પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રીલિઝીયનના સ્તરે વિશ્વમાં પ્રસરાવીશું. શિયા ધર્મગુરુ મૌલાના સાદિક સાહેબે કહ્યું હતું કે ધર્મ કોઇને પીડા પહોંચાડવા માટે નથી. શાંતિ આપવા માટે છે. દરેક ધર્મ પ્રેમની જાળી છે. ગંગાજીને આપણે ભારતની માતા માનીએ છીએ. ગંગામૈયાની પૂજા થાય છે. આવી પવિત્ર ગંગા નદીને પ્રદુષિત કરવી એ પાપ છે. ભારતના ઇમામ સંગઠનના વડા ઉમર ઇડીયાસીએ જણાવ્યું હતું કે અમે હર મસ્જિદમાંથી ‘વર્શીપ ફોર વોશ’ નો સંદેશો પ્રસારિત કરીશું. હરિદ્વારના મહામંડલેશ્વર શ્રી હરિચૈતન્યાનંદજી મહારાજ તથા  જૈન, શીખ, બૌદ્ધ, ઇસાઇ, બ્રહ્મકુમારી પંથના વડા, શરીફના દિવાન સાહેબ, ભારતના ડીઆરજીઓ વિભાગના વડા અધિકારીઓ, રોટરી ક્લબ ઇન્ટરનેશનલના વડા એસ.કે.ગુપ્તાજી, આનંદપુર ગુરુદ્વારના ભૂ.પૂ.પ્રમુખ જથ્થેદાર સરદાર મનજીતસિંહજી, યહુદી રબાઇ માલેકર, યુનાઇટેડ રિલીઝીયસ લીડર શ્રી કિરણ બાલી, યુનિસેફ ભારતના પ્રતિનિધિ લુઈસ જ્યોર્જ, મૌલાના લુક્માન તારાપુરી વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી ‘વર્શીપ ફોર વોશ’ના કાર્યક્રમ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.આ પ્રસંગે ઉત્તરાંચલના માનનીય મુખ્યમંત્રી શ્રી હરીશ રાવત પોતાના કેટલાય મંત્રીઓ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે યુનિસેફ તેમજ ગંગા એક્શન પરિવાર તથા ગ્લોબલ વોશ એલાયન્સના પ્રેરણાદાતા મુનિજી મહારાજને હાર્દિક અભિનંદન આપ્યા હતા. અને હિમાલયની નદીઓ, પર્વતો અને વૃક્ષોનું પર્યાવરણ અને સ્વચ્છતા જાળવી રાખવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આ પ્રસંગે વિવિધ વર્કશોપ પ્રસંગોમાં નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું. સાધ્વી શ્રી ભગવતીજીએ અને એમની ટીમે આ પ્રસંગને સફળ બનાવવા ખૂબજ ભગીરથ પ્રયત્ન કર્યો હતો.

Picture Gallery

Achieved

Category

Tags