Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Vandu Sahajanand Dwishtabdi, Gadhapur

વંદુ સહજાનંદ રસરુપ’ દ્વિશતાબ્દિ વર્ષ અનુષ્ઠાન

સંવત ૧૮૮૦ ના મહાવદિ ચૌદશની દિને ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓંસરીએ બિરાજમાન હતા. તે સમયે પ્રેમાનંદ સ્વામી ‘વંદુ સહજાનંદ રસરુપ’ એ કિર્તન બોલ્યા.

તે સાંભળીને મહારાજ પ્રેમાનંદ સ્વામી ઉપર ખૂબજ રાજી થયા ને મહારાજ બોલ્યા કે એવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે માટે એ સાધુને ધન્ય છે. એ સાધુને ઉઠીને દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિતંવન થતુ હોય અને એવી રીતે વાસનાએ યુકત દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. અને જેવા શ્વેતદ્વિપમાં નિરન્નમુકત છે તેવો જ એ પણ નિરન્નમુકત થઇ રહ્યો છે. અને જેને ભગવાનના સ્વરુપનું એવી રીતે ચિંતવન થાય છે, તેતો કૃતાર્થ થયો છે અને એને કાંઇ બાકી રહ્યુ નથી.

આ ‘વંદુ સહજાનંદ રસરુપ’ કિર્તન પ્રસંગને મહા વદિ ચૌદશ (તા.૩૧-૦૧-૨૪)ની દિને આજે બસો વર્ષ પૂર્ણ થતા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની પ્રેરણાથી ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજની સમક્ષ, તેમજ દાદા ખાચરના દરબારમાં, ઉગમણા બારના ઓરડાની ઓંસરીમા ‘વંદુ સહજાનંદ રસરુપ’ કિર્તનના ૧૧ પાઠ કરી દ્વિશતાબ્દિ વર્ષ પ્રસંગે, સર્વ મનોકામના પૂર્ણ કરતાં અને ચિંતામણીરૂપ શ્રીજી મહારાજની મૂર્તિનું અલૌકિક વર્ણન કરતાં ‘વંદુ સહજાનંદ રસરૂપ’ એ પદોના ભક્તો દ્વારા વધુમાં વધુ પાઠ થાય તેવા આયોજનોનો પ્રારંભ કરાવ્યો હતો.

ગઢડા મંદિર ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે હરિસ્વરુપદાસજી સ્વામીના ‘વંદુ સહજાનંદ રસરુપ’ પ્રવચનના આધારે હજારો યુવાનો નિર્વ્યસની, સદાચારી બની સત્સંગના માર્ગે વળ્યા છે. તેમ કહી સભામાં હરિસ્વરુપદાસજી સ્વામીને હાર પહેરાવી સન્માન કર્યું હતું. પૂજ્ય સ્વામીજીએ ‘વંદુ સહજાનંદ રસરુપ’ કિર્તનનો મહિમા સમજાવી વર્ષ દરમ્યાન વધુમાં વધુ ભક્તો આ આયોજનમાં જોડાય તેવી ભલામણ કરી હતી.

કાર્યક્રમને અંતે અમદાવાદથી આવેલ હરિભકતો અને ગુરુકુલના સંતો સમૂહ રાસમાં જોડાય હતા. ઉત્સવમાં યજમાન તરીકે સેવા કરનાર પ્રકાશભાઇ ગજ્જરને પૂજ્ય સ્વામીજીએ હાર પહેરાવી સભામાં સન્માન કર્યુ હતુ.

આ પ્રસંગે, પૂજ્ય શ્રી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી (બોટાદ), પૂજ્ય શ્રી ધર્મવિહારીદાસજી સ્વામી (ઢસા), પૂજ્ય શ્રી ભગવતચરણદાસજી સ્વામી (ગઢડા), પૂજ્ય શ્રી ભાનુ સ્વામી (ગઢડા) વગેરે વડીલ સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags