Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shreemad Bhawad Geeta Katha – Oldham, UK

ઓલ્ડહામ, યુ.કે. ખાતે ભવ્ય શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ  30 May – 05 June 2016

યુ.કે. સ્થિત ઓલ્ડહામ ખાતે આવેલ ઈન્ડિયન એસોસીએશન દ્વારા સંચાલિત શ્રી રાધા-કૃષ્ણ મંદિર ખાતે સ્વામીશ્રી માધવપ્રિયદાસજીના વ્યાસાસને શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જ્ઞાનયજ્ઞમાં સ્વામીશ્રીએ શ્રીમદ્‌ ભાગવત તેમજ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાજીને આધારે કર્મયોગ, જ્ઞાનયોગ ભક્તિયોગની વર્તમાન જીવનને અનુરૂપ રસપ્રદ મીમાંસા કરી હતી. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘આ મંદિરમાં હિંદુ ધર્મમાં પૂજનીય ગણાતા સર્વ દેવો બિરાજે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની પણ અહીં પ્રતિષ્ઠા થયેલી છે. એટલે અમે આ મંદિરને ‘ટેમ્પલ ઓફ હાર્મની’ કહીએ છીએ. મંદિરમાં બધા જ દેવો સંપીને રહે છે એ જ રીતે અનુયાયીઓએ પણ પરસ્પર સંપ અને સુહૃદભાવથી રહેવું જોઈએ. આપણે મારા-તારાની ભાવનાથી મુક્ત થવું જોઈએ. દેડકા જેવી કુપમંડુકતામાંથી બહાર આવી ધર્મના સાગર જેવા વિશાળ સ્વરૂપ તરફ ગતિ કરવી જોઈએ.’
‘કુદરતનો નિયમ છે. જેવું કરો તેવું ભરો. મનુષ્યનો સ્વભાવ પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને કરૂણાભર્યો હોવો જોઈએ. સામાન્ય રીતે કર્મો બંધન કરનારા છે પરંતુ નિઃસ્વાર્થભાવે સત્કર્મો કરવામાં આવે તો એ કર્મ મુક્તિનો રાજમાર્ગ બની જાય છે.’ ‘જેમને ભગવાને સાનુકૂળતા આપી હોય તેમણે સતત નાના ગરીબ માણસોને વિવિધ પ્રકારે મદદ કરતું રહેવું જોઈએ. તેમજ માતા-પિતા અને ગાયોની સેવા કરવી જોઈએ.’
સ્વામીશ્રીના મુખેથી જ્ઞાનયજ્ઞનું પાન કરવા માટે ઓલ્ડહામ, બોલ્ટન, લંડન અને અન્ય વિસ્તારોમાંથી ભક્તજનોનો સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતો હતો.
આ કથા દરમિયાન શ્રીમદ્‌ ભાગવતજીના દશમ સ્કંધને આધારે ભગવાન શ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સવ, ગોવર્ધન લીલા – અન્નકૂટોત્સવ તથા રૂક્મિણી વિવાહ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. કથા પૂર્ણાહુતિની રાત્રે યુ.કે. સ્થિત ગુરુકુલના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક દિકરા-દિકરીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ભક્તજનોના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે રાસોત્સવ-ઠાકરથાળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરિણામે શનિવારની રાત રસભરી બની હતી. કથા દરમિયાન પાર્ષદ ઘનશ્યામ ભગતના મુખેથી કીર્તનો સાંભળવા એ પણ એક અનેરો લ્હાવો હતો.
ઈન્ડિયન એસોસીયેશનના પ્રમુખ શ્રી ભરતભાઈ સીસોદિયાએ જણાવ્યું હતું કે, આ મંદિરના વિકાસમાં વર્ષોથી સ્વામીશ્રીની પ્રેરણા અને સહયોગ રહ્યા છે. જેને અમે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. મંદિરવતી કમિટીના સર્વ સભ્યોએ સ્વામીશ્રીની ભાવવંદના કરી આભાર માન્યો હતો.
આ પ્રસંગે સાધુ સંતોના ઉતારા માટે તૈયાર થયેલ સંત આશ્રમનું સ્વામીશ્રીના હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ કથાના યજમાન તરીકે અ.નિ. પિતાશ્રી શામજીભાઈ માવજીભાઈ પાંચાણી, અ.નિ. માતુશ્રી ધનબાઈ શામજીભાઈ પાંચાણી તથા અ.નિ. સુપુત્રી રોશની હરિશભાઈ પાંચાણીની પવિત્ર સ્મૃતિમાં સુપુત્ર મનજીભાઈ, ભીમજીભાઈ, હરિશભાઈ તથા બહેન કાંતાબેન વગેરે સમસ્ત પાંચાણી પરિવારે લાભ લીધો હતો. ઈન્ડિયન એસોસીયેશનના ટ્રસ્ટીમિત્રો, કમિટિના સભ્યો, સ્વયંસેવકો તથા ભાવિક ભાઈ-બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કથાની તૈયારીઓ કરી હતી.

 

Achieved

Category

Tags