Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shakotsav – Savannah USA

અમદાવાદ સ્થિત SGVPના સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની અધ્યક્ષતામાં ચાલી રહેલા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાના, જ્યોર્જીયા (અમેરીકા) ખાતે ૧૮ ફેબ્રુઆરી, શનિવારના રોજ ભવ્ય શાકોત્સવનું આયોજન થયું હતું.
શાકોત્સવના શુભારંભમાં વૈદિક મંત્રો દ્વારા શાસ્ત્રી સ્વામી શ્રી કુંજવિહારીદાસજીએ મંદિરમાં બિરાજમાન દેવોનું વૈદિક પૂજન કરાવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય લીલાનું સ્મરણ કરતાં ભગવાનના સાનિધ્યમાં જ ભક્તજનો માટે શાકનો વઘાર લેવામાં આવ્યો હતો.
શાકોત્સવના ભવ્ય ઈતિહાસની સુંદર કથા વર્ણવતા સ્વામી ભક્તિવેદાંતદાસજીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય ભક્તરાજ સુરાખાચરના જીવનની કથા વર્ણવી હતી.
“ભક્તરાજ સુરાખાચરની ધર્મનિષ્ઠા, ભગવાનમાં અનન્ય સખાભક્તિ, નિષ્કામીપણું, નીતિમત્તા અને પ્રામાણિકતાનું વર્ણન કરતાં અનેક પ્રસંગો રજૂ કર્યા હતા.
સુરાખાચરના ઘરમાંથી ચોરાયેલી બધી જ સંપત્તિ સુરક્ષિત રીતે પરત મળી જતાં તેમણે તે બધી જ સંપત્તિ ભગવાન માટે વાપરવાનો સંકલ્પ કર્યો. ભગવાન સ્વામિનારાયણ અને સંતોને પોતાના ઘરે બોલાવ્યા અને દિવસો સુધી રાખ્યા.
આ દરમિયાન ભગવાન સ્વામિનારાયણને એક ગરીબ ખેડૂત ભક્તે થોડા રીંગણા અર્પણ કર્યા. ભગવાનને ખેડૂત પાસેથી ખેતી અંગે પુછતાં ખ્યાલ આવ્યો કે, આ બધા જ ખેડૂતો મહિનાઓ સુધી રીંગણા વાવીને તૈયાર કરે છે અને જ્યારે રીંગણાને વેચીને કમાવાનો સમય આવે ત્યારે તેના ભાવ ઓછા મળતા હોવાથી ખેડૂતો વધારેને વધારે ગરીબ થતાં જાય છે.
ભગવાને મનોમન આ ખેડૂતોના પ્રશ્નનું સમાધાન કરવાનો સંકલ્પ કર્યો. એમણે સુરાખાચરને બોલાવીને કહ્યું કે, ‘તમે આ ખેડૂતોને પૂર્ણ વળતર આપીને એમના ખેતરમાં ઉગેલા રીંગણા અહીં લાવો આપણે એ રીંગણાનો ઉત્સવ કરીએ.’
સુરાખાચરે ભગવાનની આજ્ઞા પ્રમાણે ખેડૂતોને પુરૂં વળતર આપીને રીંગણાના ઢગલા કર્યા. ભગવાને પોતે જ પોતાના હાથે રીંગણાનું શાક બનાવીને સંતો, ભક્તોને જમાડ્યા. કહેવાય છે કે, શાકોત્સવના છેલ્લા દિવસોમાં ભગવાને ૬૦ મણ રીંગણાનો ૨૦મણ ઘીમાં વઘાર લઈને શાક બનાવી સૌને ભોજન કરાવ્યું હતું.
આ પ્રસંગના અનુસંધાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઠેર ઠેર ઉત્સવો ઉજવાય છે. આપણે પણ આ જ દિવ્ય પ્રસંગને યાદ કરીને ભવ્ય શાકોત્સવ ઉજવી રહ્યા છીએ.”
આ મંગલ પ્રસંગે ટેલીફોનિક આશીર્વાદ પાઠવતા સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ ભક્તજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘સુરાખાચરની ભક્તિ અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય કરૂણામાંથી પ્રગટેલો આ શાકોત્સવ છે. નાનકડું રીંગણ ભગવાનના હાથમાં આવતા તે શાકનો રાજા બની ગયું તે જ રીતે જે વ્યક્તિ ભગવાનના સત્કાર્યો કરે છે તે પણ પોતાના જીવનમાં મહાન બને છે.’
‘ભગવાન, સત્કાર્યો અને સત્પુરુષ માટે વાપરેલી સંપત્તિ ક્યારેય વ્યર્થ જતી નથી એ જ રીતે નિરાધારને સહાય કરનારા વ્યક્તિના જીવનમાં પણ ક્યારેય કોઈ પણ પ્રકારની ઉણપ રહેતી નથી.’
આ પ્રસંગે પધારેલો વિશાળ ભક્ત સમુદાય શાકોત્સવનું દર્શન, સત્સંગ અને શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કરીને ખૂબ જ પ્રસન્ન થયો હતો.
સૌ ભક્તજનો માટે સનાતન મંદિરમાં નિયમિત સેવા કરનારા ઉત્સાહી સ્વયંસેવકોએ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી હતી.

Achieved

Category

Tags