Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

SANATAN FEST – Nasik, Maharastra 2023

કચ્છ કડવા પાટીદાર સમાજ ભારતવર્ષમાં ફેલાયેલો છે અને સક્રિય રીતે ધાર્મિક સંસ્કારોનું જતન કરવામાં પ્રયત્નશીલ છે.

કચ્છ કડવા પાટીદાર સમાજના મહારાષ્ટ્ર યુવા સંઘ (MMR) દ્વારા સનાતન ધર્મને અનુલક્ષીને નાસિક (મહારાષ્ટ્ર) ખાતે તા. ૮-૯-૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ દરમ્યાન સનાતન ફેસ્ટ – ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો યુવાન ભાઈ-બહેનોએ તથા ભાવિક ભક્તજનોએ ભાગ લીધો હતો.

ગુરુવર્ય સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી તથા નાસિક ગુરુકુલના અધ્યક્ષ પુરાણી સ્વામી જ્ઞાનજીવનદાસજી તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનોએ વેદમંત્રોના ગાન સાથે સનાતન ફેસ્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

આ સનાતન ફેસ્ટમાં મુખ્ય વક્તા સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી હતા. સ્વામીશ્રીના બપોર પછીના સેશન દરમ્યાન યુવાન ભાઈ-બહેનોએ સનાતન ધર્મ એટલે શું? સનાતન ધર્મનો ઉદય ક્યારે થયો? સનાતન ધર્મની સ્થાપના કોણે કરી? સનાતન ધર્મના મુખ્ય ગ્રંથો અને સિદ્ધાંતો કયા છે? વગેરે અનેકવિધ પ્રશ્નો પૂછ્યા હતા. સ્વામીજીએ એમની જિજ્ઞાસાઓ સંતોષી હતી. સ્વામીજીના ઉત્તરો સાંભળીને શ્રોતાવર્ગ અત્યંત રાજી થતો હતો અને એક-એક ઉત્તરને તાલીઓના નાદથી વધાવતો હતો.

આ પ્રશ્નોત્તરીને લીધે સભામાં ઉપસ્થિત યુવાન ભાઈ-બહેનોના હૃદયમાં સનાતન ધર્મની સાચી સમજ પ્રાપ્ત થઈ હતી. યુ-ટ્યુબના માધ્યમથી પ્રસારિત થઈ રહેલા આ કાર્યક્રમને આશરે બબ્બે હજાર માણસો ઓનલાઈન સાંભળતા હતા અને પ્રતિભાવો વ્યક્ત કરતા હતા.

પોતાના પ્રવચન દરમ્યાન પૂજ્ય સ્વામીજીએ ટકોર કરતાં કહ્યું હતું કે, હિન્દુ ધર્મને ક્ષતિ પહોંચાડવા માટે યુક્તિ- પ્રયુક્તિપૂર્વક અનેક પ્રયાસો થયા છે. ભારત આઝાદ થયા પછી પણ સવાયા અંગ્રેજો જેવા કહેવાતા બૌદ્ધિકોએ સેક્યુલારિઝમ – બિનસામ્પ્રદાયિક્તાના નામે શિક્ષણમાંથી હિન્દુ ધર્મને બાકાત કર્યો, પરિણામે આપણી નવી પેઢી હિન્દુઇઝમના જ્ઞાનથી વંચિત રહી, બીજીબાજુ લઘુમતી ગણાતા સમાજોને એમના ધર્મગ્રંથ ભણાવવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી.

સરકારોએ સેક્યુલરવાદને નામે ઘડેલી ભેદભાવ ભરેલી નીતિથી હિન્દુ ધર્મને ઘોર અન્યાય થયેલો છે. આ અન્યાય દૂર થવો જોઈએ. અન્ય ધર્મીઓને પોતાના ધર્મગ્રંથ ભણાવવાનો જે અધિકાર પ્રાપ્ત છે, એવો જ અધિકાર હિન્દુઓને પણ મળવો જોઈએ.

સ્વામીજીએ બીજી એક ટકોર કરી હતી કે, આજે સનાતન વૈદિક ધર્મ અથવા તો હિન્દુઇઝમને નામે પણ જાતજાતની સાચી-ખોટી માહિતીઓ આપવામાં આવે છે, માટે યુવા પેઢીએ સનાતન વૈદિક ધર્મ કે હિન્દુઇઝમને જાણવા માટે વિવેકદૃષ્ટિ અપનાવવી પડશે, પ્રામાણિક સ્રોત શોધવા પડશે.

આ પ્રસંગે સવારના સત્રમાં નમિતાબેન માધાણી, ગીતાબેન લીંબાણી, પારૂલબેન દિવાણી, ભાવનાબેન ભાવાણી, હેમાબેન પદ્માણી વગેરે બહેનોએ મેન્ટોર(માર્ગદર્શક) તરીકે ભાગ લીધો હતો અને યુવાન ભાઈ-બહેનોને વેદ અને વિજ્ઞાન વિષે ખૂબ સારી માહિતી આપી હતી.

આ પ્રસંગે અંગ્રેજી અને ગુજરાતીમાં વેદ અને પુરાણોના પરિચયની સુંદર પ્રદર્શની યોજવામાં આવી હતી, જેનું લખાણ એસજીવીપી-દર્શનમ્‌ મહાવિદ્યાલય, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શની ઘણી જ માહિતીપ્રદ હતી.

MMR ના યુવા ભાઈ-બહેનો દ્વારા યોજાયેલ આ સનાતન ફેસ્ટ ધાર્યા કરતા અનેકગણો સફળ રહ્યો હતો અને વારંવાર આવા આયોજનો કરતા રહેવાની માગણી ઉઠી હતી. અનેક નાના-મોટા સેવાભાવી યજમાનોએ આ સનાતન ફેસ્ટનો બધો જ ખર્ચ ઉપાડી લીધો હતો.

020103

Achieved

Category

Tags