Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Pujya Rameshbhai Oza : Blessings to SGVP Hospital

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP)ના પ્રાંગણમાં તૈયાર થયેલ યોગ, આયુર્વેદ અને એલોપથીના પવિત્ર સમન્વય સ્વરૂપ શ્રી જોગીસ્વામી હોલિસ્ટિક હોસ્પિટલનું ટૂંક સમયમાં જ ઉદ્‌ઘાટન થવા જઇ રહ્યું છે, ત્યારે તારીખ ૪, નવેમ્બર ૨૦૧૭ અને દેવદિવાળીના શુભ દિવસે સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રી રમેશભાઇ ઓઝા (પૂજ્ય ભાઇશ્રી)એ આ હોલિસ્ટિક હોસ્પિટલમાં પધરામણી કરી શુભાશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે આયોજિત સત્સંગ સભામાં સદ્ગુરુવર્ય પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ‘આજના પવિત્ર દિવસે હોલિસ્ટિક હોસ્પિટલમાં પૂજ્ય ભાઇશ્રીની પધરામણી થવાથી અમારા હૃદયમાં આનંદ થાય છે. પૂજ્ય ભાઇશ્રીએ આપેલા આશીર્વાદથી અહીં આવનાર હરકોઇ દર્દીનારાયણને હૂંફ મળશે અને કાર્યકર્તાઓને જોમ મળશે.’
અત્યાધુનિક અને યોગ-આયુર્વેદ-એલોપથીના સમન્વય સ્વરૂપ હોલિસ્ટિક હોસ્પીટલની મુલાકાત લઇ પ્રસન્નતા વ્યક્ત કરતા પૂજ્ય ભાઇશ્રીએ જણાવ્યું હતું કે, ‘વૃક્ષમાંથી નવી નવી શાખાઓ ફૂટતી રહે એ જ રીતે આ SGVP કેમ્પસમાં નવા નવા સેવાના સોપાનો ચાલું થતા રહે છે. અહીં વિદ્યા મંદિર છે, ભોજન મંદિર છે, ગૌમંદિર છે અને હવે આરોગ્યમંદિર ખુલ્લુ મૂકાશે. વાલ્મિકીજીના આશ્રમમાં સિંહ અને હરણ સાથે રમતા એ જ રીતે પૂજ્ય માધવપ્રિય સ્વામીએ અનેક પ્રકારની સેવાઓની સાથે અહીં આયુર્વેદ અને એલોપથીનો સમન્વય કરીને આશ્રમ જેવું વાતાવરણ ઊભુ કર્યું છે. અહીં આવનાર દર્દીઓને દવાની સાથે સાથે સંતોના આશીર્વાદ-હુંફ અને ભગવાનની કૃપા મળતી રહેશે, જેથી દવાની અસર બે-ત્રણ ગણી વધી જશે.’
‘પૂજ્ય માધવપ્રિયસ્વામી તથા સંતોના પરિશ્રમ અને હરિભક્તોના યોગદાનથી તૈયાર થયેલ આ આરોગ્યમંદિરમાં સૌના નિરામય સ્વાસ્થ્ય માટે સાધના અને આરાધના થશે. જેમ મંદિરમાં પૂજારી હોય છે એમ ડૉક્ટર્સ અહીંના પૂજારી છે અને દર્દી-ભગવાન આરાધ્ય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ યુક્ત અને યોગ-આયુર્વેદ અને એલોપથી એમ ત્રણે વિદ્યાઓને સાથે લઇ આગળ વધવાનો આ પ્રયાસ ખૂબ આવકાર્ય છે. પ્રભુને આ પ્રકલ્પની સર્વાંગીણ સફળતા માટે પ્રાર્થના અને સંતોના આ સંકલ્પ અને પરિશ્રમને પ્રણામ.’
આ પ્રસંગે પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ ભાઇશ્રીનું શાલ તથા હાર પહેરાવી ભાવપૂજન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં દેશ-વિદેશના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
 

 

Achieved

Category

Tags