Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Pran Pratishtha Mahotsav – Virpur

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, વિરપુર
કેસરી સિંહોની ગર્જનાઓથી ગુંજતી ગીરની ધરતીના છેવાડે આવેલું રળિયામણું ગામ એટલે વિરપુર. આ નાનકડાં ગામમાં બધા જ સંપ્રદાયના લોકો એકસંપથી રહે છે. આવા વિરપુર ગામમાં એક અનોખા મહોત્સવનું આયોજન થયું. પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એક જ ગામમાં બે સ્વામિનારાયણ મંદિર (ભાઈઓ તથા બહેનો)ના તૈયાર થતાં, બંને નૂતન મંદિરોનો ‘વિરપુરના વાલિડા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ’ તા. ૬ થી ૧૦ મે, ૨૦૧૮ દરમ્યાન ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. આ મંદિરોનાં નિર્માણમાં ગામની તમામ કોમ અને સંપ્રદાયના નાના-મોટા સર્વે લોકોએ સંપથી સાથ સહકાર આપ્યો હતો. આ નાના ગામમાં ઉજવાયેલ મોટો મહોત્સવ ધાર્મિક સમરસતાના ઉદાહરણરૂપ સાબિત થયો હતો.

આ પવિત્ર પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને શ્રીમદ્‌ ભાગવતની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવ પ્રસંગે ખાસ વડતાલથી પરમ પૂજ્ય ધ. ધુ. ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પધારી બન્ને મંદિરોની પ્રતિષ્ઠા સંપન્ન કરી હતી.
નાનાં ગામના મોટા ઉત્સાહને લીધે ઉત્સવ ખૂબ જ ભવ્ય થયો હતો.  કથા દરમિયાન રામજન્મોત્સવ, કૃષ્ણજન્મોત્સવ જેવા ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવાયા હતા. પ્રાણ-પ્રતિષ્ઠાના ઉપક્રમે ૫૧ કુંડી શ્રી મહાવિષ્ણુ યાગ સાથે સાથે જીવ-પ્રાણીમાત્રની સેવા થાય તેવા શુભ હેતુથી રક્તદાન કેમ્પ, કૃષિ માર્ગદર્શન, નિદાન કેમ્પ, ગાયોને ઘાસચારો, કીડિયારું પૂરવું, પક્ષીઓને ચણ નાંખવી, બહેનો-દીકરીઓને સહાય કરવી, વૃદ્ધોની સેવા કરવી, ધાર્મિક પ્રદર્શન, પોથી યાત્રા, તથા નગર યાત્રા જેવાં અનેક આયોજનો કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત ગામમાં જ સાંખ્યયોગ પાળીને રહેતા ભારતીબેનના માર્ગદર્શન સાથે બહેનોમાં ખૂબ જ સત્સંગનું પ્રવર્તન થયું છે. જેને લીધે ગામને ‘પ્લેટેનિયમ વિલેજ’ બનાવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ખૂબ જ ધામધૂમથી ઉજવાયેલ મહોત્સવમાં પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી  સ્વામી, પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ધામ-ધામથી સંતોમહંતોએ પધારી દર્શન અને આશીર્વાદનો લાભ આપ્યો હતો.

પૂજ્ય મહારાજશ્રીએ પણ મહોત્સવનાં વિવિધ આયોજનોને નિહાળી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહોત્સવનું સંપૂર્ણ આયોજન ગામના સાંખ્યયોગી શ્રી ભારતીબેનના માર્ગદર્શન નીચે  થયું  હતું.

 

Achieved

Category

Tags