Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Murti Pratishtha Mahotsav – Savannah USA – 2019

Photo Gallery

ભગવાન શ્રી સ્વામિનારાયણના સદ્‌વિદ્યાનાં કાર્યનું પોષણ કરી રહેલા ગુરુદેવની દૃષ્ટિ વિશાળ હતી. તેઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના સાધુ હતા, તેથી જ તેઓ પૂર્ણ રીતે ભારતીય સંસ્કૃતિને વરેલા સંત હતા. એમનાં હૃદયમાં મારા-તારાનો કોઈ ભેદ નહોતો. વિવિધ ધર્મો, સંપ્રદાયો કે પંથો પ્રત્યે એમને ભારે આદર હતો. ગુરુદેવની આ દૃષ્ટિને વિઝન બનાવી દુનિયા ભરમાં વિચરણ કરતા પૂજ્ય સ્વામીજીના હૃદયમાં અતઃસ્ફૂરણા થઈ કે અહીં સનાતન પરંપરાનું પોષણ થાય તેવું મંદિર બનાવવું છે. આખરે એ સંકલ્પ સિદ્ધ થયો. પૂજ્ય સ્વામીજીએ સવાનાહમાં ‘શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર’નીર્માણની ઘોષણા કરી અને તારીખ ૧૭ થી ૨૧ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન મંદિરમાં વિવિધ પરંપરાઓના સંગમ સ્વરૂપ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

પ્રારંભમાં કેવળ ચાર પરિવારના સમર્પણથી આરંભાયેલા આ મંદિર સાથે આજે વિવિધ સનાતનીય પરંપરાઓમાં શ્રદ્ધા ધરાવતા એક હજારથી વધુ પરિવારો જોડાયા છે અને મંદિર દ્વારા સનાતનીય પરંપરાનું જતન-પોષણ થતું રહે એવા પર્યત્નો સંતોના માધ્યમથી થતા રહેશે.
મહોત્સવની પૂર્વતૈયારી :-
સૌને ભવ્ય મહોત્સવ ઉજવવાનો ઉત્સાહ હતો. જેટલો મોટો ઉત્સવ, એટલી જ સામે તૈયારીઓ કરવાની હતી. પરંતુ સંતોના માર્ગદર્શન સાથે અમેરિકા જેવા વ્યસ્ત દેશમાં નિવાસ કરતા ભાઈઓ-બહેનો, યુવાનોએ સરકારી પરવાનગીઓ લેવી, આમંત્રણ પાઠવવા, વિવિધ રાજ્યો તથા વિદેશથી પધારેલા ભક્તજનોના ઉતારાની વ્યવસ્થા કરવી, સભામંડપની તૈયારી કરવી વગેરે વિભાગોની પૂર્વતૈયારીમાં રાત્રિ-દિવસ જોડાઈ ગયા. એમાં પણ ગુરુકુલ પરિવાર યુ.કે. થી સેવા કરવા પધારેલા ભક્તજનોની સેવા અમૂલ્ય રહી.
મહોત્સવમાં સૌથી કપરું કામ ૨૫ કુંડી યજ્ઞશાળા તૈયાર કરવાનું અને ભોજનાલયનું હતું. યજ્ઞશાળાનું નિર્માણ સંપૂર્ણ વૈદિક વિધિ પ્રમાણે જ કરવાનું હોવાથી સંતો સાથે વિદેશમાં રહેનારા ભક્તજનો પણ ગાર-માટી ખૂંદવા લાગ્યા અને યજ્ઞશાળામાં લીંપણ કરવા લાગ્યા. ભારે જહેમત બાદ યજ્ઞશાળાનું નિર્માણ પુરું થયું. અમેરિકામાં લગભગ આ રીતની યજ્ઞશાળા પહેલીવાર નિર્માણ પામી હતી. તેથી યજ્ઞશાળાના જે કોઇ દર્શન કરતાં એમનું અંતર આનંદથી ઉભરાઇ જતું હતું. સાથે સાથે ઉત્સવ દરમિયાન દર્શને પધારતા મોટી સંખ્યામાં ભક્તજનો માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થામાં સવાનાહના બહેનોની સેવા અતુલ્ય રહી.
ધ્વજારોહણ :-
અમેરિકાની ધરતી ઉપર ગુરુકુલ પરિવાર દ્વારા આટલા મોટા પાયે પ્રથમ મહોત્સવ ઉજવાઇ રહ્યો હતો. મહોત્સવ નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવા હેતુથી ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના સ્વરૂપે યજ્ઞશાળાની ભૂમિમાં ધ્વજારાહેણ કરવામાં આવ્યું. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, સંતો, યજમાનશ્રીઓ તથા અન્ય ભક્તજનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થયું.

પોથીયાત્રા :-
તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૯, મહોત્સવના પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના યજમાનશ્રીઓ તથા અન્ય ભક્તજનો વાજતેગાજતે પોથીજીને ઘોડાગાડીમાં બિરાજમાન કરી મહોત્સવ સ્થળે પધાર્યા.
મહોત્સવ ઉદ્‌ઘાટન :-
પોથીયાત્રા સભાપંડપ પધારતા સદ્‌ગુરુ સંતો અને મહાનુભાવોના હસ્તે દ્વારપૂજન અને ઉદ્‌ઘાટન થયું. પોથીજીને વ્યાસાસને બિરાજમાન કર્યા, દીપપ્રાગટ્ય દ્વારા મહોત્સવનો પ્રારંભ કરાયો. જેમાં સંતોની સાથે યજમાનશ્રીઓ તથા ભક્તજનો જોડાયા હતા.

આ પ્રસંગે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ મંગલ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, આપ સહુ ભક્તજનોને હૃદયથી ધન્યવાદ છે. તમે રાત્રિ-દિવસ જોયા સિવાય મહોત્સવની સુંદર પૂર્વતૈયારીઓ કરી છે. તમે ભગવાન શ્રીહરિ તથા સંતોની કૃપાના પાત્ર બન્યા છો.
યુવામંચ – મહિલામંચ :-
પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી મંદિરમાં ખૂબ સારી બાલ-યુવા વિકાસ પ્રવૃત્તિઓ ચાલે છે. વિવિધ ઉત્સવ સંગે બાલ- બાલિકાઓ, યુવાનો, યુવતીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરે છે. ત્યારે પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે યુવામંચમાં બાળકો તથા યુવાનોએ રંગારંગ કાર્યક્રમ, રૂપકો, નાટકો રજુ કર્યા હતા. બાલિકાઓ, યુવતીઓએ તેમજ વડીલ બહેનોએ પણ નૃત્ય, રાસ-ગરબા, નાટક રજૂ કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળી ભક્તજનોએ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
૨૫ કુંડી શ્રી મહાવિષ્ણુયાગ :-
વૈદિક પરંપરાનુસાર યજ્ઞારંભ પૂર્વે દેહશુદ્ધિ કર્યા બાદ હોમ કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. માટે યજ્ઞની પૂર્વ સંધ્યાએ યજ્ઞમાં બેસનારા ભક્તજનોને દેહશુદ્ધિ કરાવી હતી.
તારીખ ૧૭ થી ૧૯ એપ્રિલ ૨૦૧૯, ત્રણ દિવસ સુધી ભક્તજનોએ યજ્ઞનારાયણને આહુતિઓ અર્પણ કરી હતી. સંતો તથા પવિત્ર વિદ્વાન વિપ્રોના સાનિધ્યમાં આ મહાવિષ્ણુયાગ સંપન્ન થયો, જે સર્વ કોઇ માટે યાદગાર બન્યો.

નગરયાત્રા તથા મંદિર દ્વાર ઉદ્‌ઘાટન :-
તારીખ ૧૮ એપ્રિલ ૨૦૧૯ ના રોજ મંદિરમાં પ્રતિષ્ઠિત થવા જઈ રહેલ મૂર્તિઓની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના જ વિશાળ કેમ્પસમાં નિકળેલી નગરયાત્રામાં ઉત્સવમૂર્તિઓને મસ્તક ઉપર પધરાવી ભક્જનો નાચ-ગાન કરતા મંદિરના દ્વાર પાસે પહોંચ્યા ત્યારે સંતો દ્વારા મૂર્તિઓનું પૂજન થયું, દ્વાર પૂજન થયું અને મૂર્તિઓનો મંદિરમાં પ્રવેશ કરાવ્યો.
મૂર્તિપ્રતિષ્ઠા :-
તારીખ ૧૯ એપ્રિલ ૨૦૧૯, હનુમાન જયંતિના પવિત્ર દિવસે વહેલી સવારે પ્રતિષ્ઠાવિધિનો પ્રારંભ થયો. પૂજ્ય સ્વામીજી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતોના હસ્તે તેમજ પવિત્ર વિદ્વાન વિપ્રો દ્વારા મૂર્તિની પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવી. રમણીય બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજનો પંચામૃત, ચંદન, કેસરજળ, તીર્થજળ, વિવિધ ઔષધિ દ્રવ્યો, પુષ્પની પાંખડીઓ, સહસ્રજળધારા દ્વારા થતા અભિષેકના દર્શન સૌ ભક્તજનો માટે અવિસ્મરણીય રહ્યા.

આ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રીરાધાકૃષ્ણ, ભગવાન શ્રીલક્ષ્મીનારાયણ, ભગવાન શ્રીનાથજી, ભગવાન શ્રીસીતારામ, ભગવાન શ્રીબાલાજી, શ્રી શિવ પરિવાર, શ્રી ઉમિયાજી, શ્રી અંબામાતા, શ્રી સૂર્યનારાયણ, શ્રીહનુમાનજી, શ્રીગણપતિજી, તથા શ્રીજલારામબાપા અને શ્રીભોજલરામબાપા વગેરે નયનરમ્ય મૂર્તિઓની વૈદિકવિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવી.
અન્નકૂટ દર્શન :-
પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયા બાદ શ્રી ઘનશ્યામ મહારાજ તથા વિવિધ દેવોને વિશાળ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પાંચસો ઉપરાંત વાનગીઓનોથી શોભતા અન્નકૂટની ભવ્યતા અને દિવ્યતા અજોડ હતી. ભગવાનને ધરાવવામાં આવેલ આ તમામ વાનગીઓ બહેનો ભક્તોએ જાતે બનાવી હતી.
ભવ્ય રાજોપચાર પૂજન :-
મહોત્સવના અંતિમ દિવસે અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વિવિધ દેવોનું ભવ્ય રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાનને છડી, છત્ર, ચામર, વસ્ત્ર-અલંકારો અર્પણ થયા. સંતો, વિદ્વાન પંડિતો દ્વારા વેદ, શસ્ત્રો, પુરાણોનું ગાન થયું, યજમાનો તથા મહોત્સવમાં પધારલા ભક્તજનો દ્વારા ભગવાનના ચરણોમાં અનેક પ્રકારની સામગ્રી અર્પણ કરવામાં આવી. અમેરિકાની ધરતી ઉપર સૌપ્રથમવાર યોજાયેલા રાજોપચાર પૂજનના દર્શન કરી સૌ ભક્તજનો ધન્ય બન્યા હતા.

ગરુડસ્થંભ રોપણ :-
વૈદિક પરંપરા મુજબ મંદિરના દ્વાર સામે ગરુડસ્થંભ સ્વરૂપે ભગવાનના સેવક ગરૂડજી સતત સેવામાં હાજર હોય છે. એ પરંપરાનું વહન કરતાં મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે પૂજ્ય સ્વામીજીના હસ્તો મંદિરના પ્રાંગણમાં ગરૂડસ્થભનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

Achieved

Category

Tags