Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Africa Satsang Yatra – 2015

આફ્રિકાની આ સત્સંગ યાત્રામાં સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામીની સાથે સંતમંડળમાં ધર્મપ્રિયદાસજી સ્વામી, વેદાંતસ્વરુપદાસજી સ્વામી, કુંજવિહારીદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામી તથા ઘનશ્યામ ભગત જોડાયેલા છે.  
અરૂસા હિન્દુ મંદિર : સત્સંગ સભા
  
આફ્રિકા ખાતે સત્સંગ વિચરણ કરતા સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામી અરૂસા પધાર્યા હતા. અહીં શ્રીલક્ષ્મીનારાયણ દેવ હિન્દુ મંદિર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રમુખ શ્રી કનસારાભાઇ તથા કમિટિના સભ્યો તેમજ પૂજારીશ્રી રવિભાઇએ સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
સ્વામીશ્રીએ હિન્દુ ધર્મની પ્રાચીનતા, વૈજ્ઞાનિકતા અને ગહનતા આગવી શૈલીથી સમજાવી હતી. ધર્મનો મર્મ સમજાવતા સ્વામીશ્રીએ કહ્યું હતું કે જીવપ્રાણિમાત્રમાં બિરાજમાન ઠાકોરજીની સેવા પરમ ધર્મ છે. અરૂસામાં યુવાનોની એક ટીમ છે, જેઓ ભારતીય સમાજમાં કોઇને ત્યાં પણ અવસાન થાય ત્યારે અંતિમવિધિની તમામ સેવા નિષ્કામભાવે બજાવે છે અને આ દુઃખદ પરિસ્થિતિમાં પરિવાર માટે ભારે આશ્વાસન રૂપ કાર્ય કરે છે. સ્વામીશ્રીએ આ સેવાને બિરદાવી હતી અને કહ્યું હતું કે આથી શ્રેષ્ઠ ભક્તિ બીજી કઇ હોઇ શકે !
આ પ્રસંગે હનુમાન ચાલિશાના પાઠ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં હિન્દુ ભાઇ-બહેનોએ હાજરી આપી હતી.
અક્ષરનિવાસી વિશ્રામભાઇ મનજીભાઇના પરિવારજનો શ્રીકાન્તિભાઇ તથા જેન્તિભાઇ વગેરેએ ભોજન રૂપી પ્રસાદના યજમાનની સેવા બજાવી હતી.
આ પ્રસંગે લંડનથી માધુભાઇ સોની, નાઇરોબીથી કેસોલ્ટના માલિક શ્રીકાનજીભાઇ વરસાણી વગેરે ઉદ્યોગપતિઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક ભાઇ-બહેનોએ આયોજનની સર્વ સેવાઓ ભાવપૂર્વક બજાવી હતી અને આયોજનને સફળ કર્યું હતું.
શ્રીકચ્છી લેવા પટેલ સમાજ-મોમ્બાસા દ્વારા આગવી રીતે ઉજવેલ રજતજયંતિ પ્રસંગ
  

સમૂહમાં ચાલે તેને સમાજ કહેવાય. અનેક સમાજ સેવકોના અણમોલા સમર્પણથી સમાજની રચના થાય છે. મોમ્બાસા-કેન્યામાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ દ્વારા દર વર્ષે અવારનવાર અનેક સામાજિક સેવા-પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
મોમ્બાસામાં અનેક સરકારી સ્કુલોમાં જરૂરિયાતમંદ બાળકોને દર વર્ષે આ સમાજસેવકો અનેક પ્રકારની ખાદ્યસામગ્રી આપીને દરિદ્રનારાયણની સેવા કરી રહ્યા છે. એ નાના-નાના બાળકો જ્યારે પ્રેમથી એ ખાદ્યસામગ્રી આરોગતા હોય અને એમના મુખ ઉપર જે હાસ્ય હોય છે તે ખરેખર પ્રભુની પ્રસન્નતાનું સ્મિત હોય છે.
જનસેવા એજ પ્રભુસેવા માનીને આ સમાજસેવકોએ સામ્પ્રત વર્ષે શ્રીકચ્છી લેવા પટેલ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ-મોમ્બાસાની આ સામાજિક સેવાને પચ્ચીસ વર્ષ પૂર્ણ થતા ગાન્દિની પ્રાઇમરી સ્કૂલ-કિનાંગો ખાતે પાંચ સ્કુલના કુલ ૨૫૦૦ બાળકોને ખાદ્યસામગ્રીઓનું વિતરણ કર્યું હતું.
આ સેવાકાર્યમાં સમાજના પ્રમુખશ્રી પ્રેમજીભાઇ રવજીભાઇ હાલાઇ, ઉપપ્રમુખશ્રી હીરજીભાઇ કરસનભાઇ હાલાઇ, સેક્રેટરીશ્રી ધનજીભાઇ ઝીણાભાઇ પીન્ડોરીયા તથા ચેરીટેબલ ટ્રસ્ટ-મેડિકલ ફંડ તથા એજ્યુકેશન ફંડના પ્રમુખશ્રી કમલેશભાઇ કરસનભાઇ વેલાણી, સેક્રેટરીશ્રી કલ્યાણભાઇ મૂરજીભાઇ આસાણી તથા કમિટિના સર્વે સભ્યો જોડાયા હતા.
સમાજના આગેવાનોની વિનંતીથી તેમજ સદ્‌ગુરુવર્ય શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ સેવાકાર્યમાં વેદાંતસ્વરુપદાસજીએ સ્વાઇલી ભાષામાં પ્રવચન અને મુનિવત્સલદાસજીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.
આ પ્રસંગે સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીએ મંગલ સંદેશ પાઠવ્યો હતો. સ્થાનિક આફ્રિકન પ્રજાની સેવારૂપ આ પ્રસંગ અનેક રીતે પ્રેરણારૂપ હતો.
શ્રીકચ્છ સત્સંગ શ્રીસ્વામિનારાયણ મંદિર મોમ્બાસાના ટ્રસ્ટીશ્રી રમેશભાઇ ધનજીભાઇ હીરાણી, મંદિરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી ધનજીભાઇ નાથાભાઇ ખેતાણી, મંદિરના ભૂતપૂર્વ સેક્રેટરી હીરજીભાઇ રવજીભાઇ ભુડિયા તથા કમિટિના સભ્યો શ્રીભરતભાઇ માવજીભાઇ પીન્ડોરીયા વગેરે હરિભક્તો આ સેવાકાર્યમાં જોડાયા હતા.
આફ્રિકન લોકોની સેવા આફ્રિકાવાસી ભારતીયોની પવિત્ર ફરજ છે
  

આફ્રિકા વિચરણ દરમ્યાન સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી મોમ્બાસા પધાર્યા હતા. અહીં શ્રીકચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખશ્રી તેમજ સભ્યશ્રીઓએ સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. અહીં મંદિરમાં તેમજ સહજાનંદ સોસાયટી તથા વૃંદાવન સોસાયટી વગેરે વિવિધ વિસ્તારોમાં સત્સંગ સભાઓનું આયોજન થયું હતું.
મોમ્બાસા રોકાણ દરમ્યાન સ્વામીશ્રીએ શ્રીસહજાનંદ સ્પેશ્યલ સ્કુલમાં પધરામણી કરી હતી.
સહજાનંદ સ્પેશ્યલ સ્કુલમાં આશરે પાંચસોથી વધારે બહેરાં-મૂંગા, અંધ-અપંગ અને માનસિક રીતે અવિકસીત વિદ્યાર્થીઓની અત્યંત પ્રેમથી સારસંભાળ રાખવામાં આવે છે. અહીંની રેગ્યુલર સ્કુલમાં ત્રણ હજારથી વધારે આફ્રિકન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કુલોના આ વિશાળ સંકુલોના નિર્માણ મોમ્બાસા સીમેન્ટ ફેક્ટરી તથા કોરોગેટેડ ગ્રુપ્સ ઓફ કંપનીના માલિકશ્રી કચ્છ-ફોટડીના હસમુખ કાનજી ભુડિયાએ પોતાના પરિવારજનો સ્વ. દાદીમા મેઘબાઇ પ્રેમજી જેઠા-ભુડિયા તથા સ્વ. શ્રીકેશવજી પ્રેમજી ભુડિયા તથા સ્વ. કાનજી પ્રેમજી ભુડિયા તથા ગંગાસ્વરુપ રતનબેન ભુડિયા તથા ગંગાસ્વરુપ ધનબાઇ કાનજી ભુડિયા વગેરેની પ્રેરણાથી માતબર આર્થિક સહયોગ આપીને કરાવેલ છે. ઉપરાંત આ અપાહિજ બાળકોને રહેવા, જમવા વગેરેની તમામ સારસંભાળનો ખર્ચ પણ આ પરિવાર દ્વારા જ કરવામાં આવે છે. નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ટીમ આ સંકુલોની દેખરેખ રાખે છે.
સ્વામીશ્રી આ કાર્ય જોઇને અત્યંત રાજી થયા હતા અને કહ્યું હતું કે આ એક અજોડ સેવાકાર્ય છે. ભારતીય ભાઇઓ આફ્રિકામાં વસે છે. આફ્રિકામાં રોજીરોટી મેળવે છે ત્યારે આ દેશ તેમજ આ દેશમાં વસતા આફ્રિકન લોકોની સેવા કરવી એમની પવિત્ર ફરજ છે. આ ફરજ બજાવવામાં ભારતીયો અને એમાંય ખાસ કરીને કચ્છી બંધુઓએ તેમજ આ પરિવારે ક્યારેય પાછી પાની કરી નથી. આ પરિવારની સેવા ઉદાહરણીય અને અનુકરણીય છે.
સ્વામીશ્રીએ વિશેષમાં કહ્યું હતું કે વર્ષો પહેલા ભારતીય ભાઇઓ ભારત છોડીને આફ્રિકામાં વસ્યા, ધંધા-રોજગાર સ્થાપ્યા, પોતે સુખી થયા સાથોસાથ આફ્રિકન લોકોને પણ સુખી કર્યા. આફ્રિકન દેશોનો આજે જે વિકાસ દેખાય છે તેમાં ભારતીયો અને એમાં પણ કચ્છી ભાઇ-બહેનોનો ફાળો શ્રેષ્ઠ રહ્યો છે. ભારતીય ભાઇ-બહેનોએ આફ્રિકન લોકોને સુખદુઃખમાં હંમેશા સાથ આપ્યો છે અને આફ્રિકન કોમ્યુનિટીના ઉત્કર્ષ માટે ભગીરથ સેવાકાર્યો કર્યા છે, જ્યારે દુનિયાના કેટલાક દેશ મદદ કરવાના રૂપાળા ઓઠા નીચે આ દેશોનું આડકતરી રીતે શોષણ કરે છે.
કચ્છ-ફોટડીના શ્રીકેશવજીભાઇ ભૂડિયાના પરિવારજનો શ્રીહસમુખ તેમજ સૂરજે કરોડો રૂપિયાનું દાન કરીને આ સ્કુલ અને છાત્રાવાસમાં વિશાળ સંકુલોના નિર્માણ કરાવી આ દેશની બહુ મોટી સેવા કરી છે અને પોતાના માતા-પિતા તેમજ કચ્છી કોમ્યુનિટીનું નામ રોશન કરેલ છે. આ પરિવારને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે.
આ પ્રસંગે સ્વામીશ્રીના હસ્તે પ્રસાદ રૂપે મંદબુદ્ધિના બાળકોને બિસ્કિટ વગેરે ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વામીશ્રીએ મોમ્બાસાની સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ એકેડમીમાં પણ પધરામણી કરી હતી અને આ એકેડમીના પાયાના પત્થર સમાન અક્ષરવાસી શ્રીકરસન પ્રેમજી ભુડિયા તથા અક્ષરવાસી શ્રીવિઠ્ઠલ વાલજી નારણ વગેરેને ખાસ યાદ કર્યા હતા અને અહીંના વિકાસકાર્યોને જોઇને પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને પ્રિન્સીપાલ તેમજ યુવાનોની ટીમને અભિનંદન આપ્યા હતા.
વિશ્વ યોગ દિવસ ઉજવણી: નાઈરોબી   ૨૧ જૂન ૨૦૧૫

સત્સંગ વિચરણ દરમ્યાન સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી નાઇરોબી પૂર્વ આફ્રિકા શ્રીસ્વામિનારાયણ સત્સંગ મંદિર ખાતે પધાર્યા હતા. સ્થાનિક અગ્રણી ભક્તજનોએ સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
અહીં પૂર્વ આફ્રિકા શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ૨૧ જૂન એટલે વૈશ્વિક યોગ દિવસ. આ દિવસે સ્વામીશ્રીએ મંદિરમાં ઉપસ્થિત વિશાળ સભા અને યુવાનોને યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમજ ઓમકાર, થોડી યૌગિક એક્સરસાઇઝ તેમજ સંક્ષિપ્ત મેડીટેશન કરાવ્યું હતું.
સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય ઋષિમુનિઓએ માત્ર શાબ્દિક ચર્ચાઓ કરી નથી પરંતુ યોગના માધ્યમથી આધ્યાત્મિક પ્રક્રિયાઓ પ્રાયોગિક રીતે શીખવી છે. તન, મન અને આત્માને પ્રફુલ્લીત રાખવા માટે યોગ આવશ્યક છે. યોગ કોઇ સંપ્રદાયની વિરાસત નથી. ધર્મ, નાત-જાત કે કોઇ જાતના ભેદભાવ સિવાય યોગ સમસ્ત વિશ્વના કલ્યાણ માટે છે. ભારતીય યોગવિજ્ઞાનને વિશ્વના ફલક ઉપર પ્રસિદ્ધ કરનાર ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે.
સ્વામીશ્રીએ યોગદિવસે યુવાનોને સંબોધીને કહ્યું હતું કે યુવાનોમાં ચાર પ્રકારની ફીટનેસ હોવી જરૂરી છે, યુવાન શરીરથી સ્વસ્થ હોવો જોઇએ, યુવાનની બ્રિધીંગ સીસ્ટમ સંગીત સમાન સમલયથી ભરેલી હોવી જોઇએ, યુવાનોનું મન પોઝિટીવ ઊર્જાથી પૂર્ણ હોવું જોઇએ, યુવાનોની બુદ્ધિ સ્પષ્ટ અને નિર્ણયાત્મક શક્તિથી ભરપૂર હોવી જોઇએ. આ બધા માટે યોગ આવશ્યક છે. યોગ માત્ર શારીરિક વ્યાયામ પૂરતો સીમિત નથી, યોગનું ધ્યેય છે, મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ. એ વિકાસ દ્વારા જ મનુષ્યને સાચી શાંતિ અને આનંદ પ્રાપ્ત થઇ શકે છે, માત્ર બાહ્ય વિકાસથી નહીં. ભગવાન શ્રી સ્વામિનારાયણ યોગેશ્વર હતા. એમણે વચનામૃતોમાં યોગનો મહિમા સમજાવી અનેક યૌગિક પ્રક્રિયાઓ શીખવી છે.
સ્વામીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે આ પૂર્વ આફ્રિકા શ્રીસ્વામિનારાયણ મંદિરનો અનોખો ઇતિહાસ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના વિદેશના મંદિરો માંહેનું પહેલુ મંદિર છે. આ મંદિરનું નિર્માણ કચ્છી, ગુજરાતી વગેરે સર્વેએ સાથે મળીને કરેલું છે. આ મંદિર સંપ્રદાયની વરતાલ અને અમદાવાદ બન્ને પાંખોને સમદૃષ્ટિથી મહત્ત્વ આપે છે, આ બધી આ મંદિરની આગવી વિશિષ્ટતાઓ છે.
સ્વામીશ્રીએ મંદિરના પાયોનિયર શેઠશ્રી લાલજી મકનજી, દેવશી ધનજી વેકરીયા, જેરામ દામજી પીઠડીયા, લક્ષ્મણ ભીમજી રાઘવાણી, દેવશી કુંવરજી ગરારા, દેવચંદ પેથરાજ શાહ વગેરે સર્વ વડીલોને યાદ કરી એમણે કરેલા ભગીરથ પુરુષાર્થને અભિનંદન આપ્યા હતા. મંદિરના વિકાસનો સંક્ષિપ્ત ઇતિહાસ કહીને સ્વામીશ્રીએ યુવાનોને પ્રેરણા કરી હતી કે આપ સર્વે મંદિરની સેવા-પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લેતા રહેશો.
આ પ્રસંગે મંદિરના ઉપપ્રમુખશ્રી મનજીભાઇ રાઘવાણી, ટ્રસ્ટીશ્રી દેવશીભાઇ કુંવરજીભાઇ ગરારા, રામજીભાઇ રત્નાભાઇ ભગત તથા કેસોલ્ટવાળા કે. વરસાણી તથા એપ્કો બિલ્ડર્સવાળા આર. ડી. વરસાણી, કેનન એલ્યુમિનિયમવાળા પરબતભાઇ, પીઠડીયા પરિવાર તથા ભાવિક ભાઇ-બહેનો, બાળ-યુવક મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
માતૃસેવા મંદિર (મેટરનિટી હોમ) નું ખાત મુહૂર્ત, મલિન્ડી

મોમ્બાસા રોકાણ દરમ્યાન સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામીએ મલિન્ડી ખાતે હજારો એકરમાં પથરાયેલ કેસોલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પધરામણી કરી હતી. આ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર શ્રીકાનજીભાઇ વરસાણી તથા એમના સુપુત્ર દીપક વરસાણી તેમજ ભાવિક ભક્તોએ સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
થોડા વર્ષ પહેલા સ્વામીશ્રીના શુભ હસ્તે અહીં જંગલ વિસ્તારમાં વસતા લોકોની સેવા માટે કેસોલ્ટ તરફથી સંપૂર્ણ અનુદાન સાથે મેટરનિટિ હોમનું ખાતમૂહુર્ત થયેલું. આજે આ મેટરનિટિ હોમમાં મહિનામાં આશરે બસો બહેનોની વિનામૂલ્ય સારવાર થાય છે. આ મેટરનિટિ હોમ નાનુ પડતું હોવાથી એમનો વિસ્તાર કરવા માટે પાસેની જમીનમાં સ્વામીશ્રીના હસ્તે ખાતવિધિ કરવામાં આવી હતી અને આ મેટરનિટિ હોમના નિર્માણનો તમામ ખર્ચ પણ કેસોલ્ટના માલિક કાનજીભાઇ વરસાણી તથા એમના સુપુત્ર દીપકે ઉઠાવી લીધો હતો.
સ્વામીશ્રીએ આ સેવાને બિરદાવતા કહ્યું હતું કે આ મેટરનિટિ હોમની ખાતવિધિને અમે માતૃસેવા મંદિરની ખાતવિધિ માનીએ છીએ. આ માતૃસેવા મંદિર જંગલમાં વસનારા સેંકડો બહેનો માટે આશીર્વાદ રૂપ બનશે.
પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શને મિ. જ્હોન કીમાની
 
 
સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામીના નાઇરોબી રોકાણ દરમિયાન અગ્રણી ઉદ્યોગપતિ જૈન પરિવાર શ્રી કપુરચંદભાઇ શાહને ત્યાં સ્વામીશ્રીએ નિવાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્યાના પ્રેસીડેન્ટ માનનીય શ્રી ઉહુરુ કેન્યાટાના ભાઇ શ્રી જ્હોન કીમાની સ્વામીશ્રીના દર્શન અને આશીર્વાદ લેવા પધાર્યા હતા. જ્હોન કીમાનીએ સ્વામીશ્રીના દર્શન કરીને હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આવો સુયોગ પ્રાપ્ત કરાવવા બદલ પોતાના મિત્ર શ્રી હરિશ રામજી જેઠાનો આભાર માન્યો હતો.
સ્વામીશ્રીએ કેન્યા અને ભારતના બધાજ લોકો સુખી થાય, બન્ને રાષ્ટ્રો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક વ્યવહારો સુદૃઢ થાય તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી.
સ્વામીશ્રીની પ્રેરણાથી ચાલતા સેવાકાર્યોને સાંભળીને જ્હોન કીમાની ભારે પ્રભાવિત થયા હતા અને SGVP જેવી સ્કુલ કેન્યામાં કરવામાં આવે તો તમામ પ્રકારની સહાયતા આપવાનો કોલ આપ્યો હતો.
આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આપ તથા માનનીય પ્રસિડેન્ટ એકવાર અવશ્ય ગુજરાત અને SGVP ની મુલાકાત લેવા પધારો એવી અમારી હૃદયની શુભકામના છે. આ પ્રસંગે કપુરચંદબાપા, રાજુભાઇ, પંકજભાઇ વગેરે સમસ્ત શાહ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. પરિવારના વયોવૃદ્ધ શાંતાબાએ એક સામટા ૧૫૧ ઉપવાસ કરીને જૈન ધર્મમાં ઇતિહાસ રચ્યો છે. જ્હોન કીમાનીએ એમના પણ આશીર્વાદ લીધા હતા.
‘મારી સાથે સમસ્ત વિશ્વ સુખી થાય’
ફોરબસ મેગેજીનમાં મોખરેનું સ્થાન મેળવનાર શ્રી નરેન્દ્ર રાવળ ઉર્ફે ગુરુને
આશીર્વાદ અને અભિનંદન

મૂળ સૌરાષ્ટ્રના વતની શ્રી નરેન્દ્રભાઇ રાવળ આફ્રિકા-કેન્યા ખાતે સ્થિર થયા. સખત પુરુષાર્થ કર્યો અને સ્ટીલ તથા સીમેન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ ઉદ્યોગપતિ બન્યા. આ સિદ્ધિના કારણે તેઓ સુપ્રસિદ્ધ ફોરબસ મેગેજીનના મુખપૃષ્ઠ ઉપર સ્થાન પામ્યા.
શ્રી નરેન્દ્રભાઇ રાવળ ઉર્ફે ગુરુના ભાવપૂર્ણ આમંત્રણને માન આપી પૂજ્ય સ્વામીશ્રીએ સંતમંડળ સાથે એમની દેવકી સ્ટીલ ફેક્ટરીમાં પધરામણી કરી હતી.
નરેન્દ્રભાઇએ સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, “વર્ષો પહેલા આપણે મળેલા, આપની કથાઓ ખૂબ સાંભળી છે. વર્ષો પછી આજે ફરી મળીને ખૂબ આનંદ થાય છે.”
સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “આજે વર્ષો પહેલાના સંસ્મરણો તાજા થાય છે. આપનો વિકાસ કલ્પના બહારનો છે. મંદિરમાં પૂજા કરનાર ગુરુ ઊંચાઈના આટલા ગૌરી શિખરો સર કરશે એની કલ્પના પણ કેમ થઈ શકે !”
આપે કરેલી ઠાકોરજીની સેવા, મહાન સંતોના આશીર્વાદ અને આગવી સૂઝ બૂઝ સાથેના ભગીરથ પુરુષાર્થને લીધે આજે આપે ફોરબસ મેગેજીનમાં સ્થાન મેળવ્યું છે અને ઉદ્યોગ જગતમાં ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. અઢળક સંપત્તિ મેળવ્યા પછી પણ આપની સાદાઈ અને સરળતા હૃદયને સ્પર્શે છે.
ભારતીય સંસ્કૃતિએ અણમોલું જીવન સૂત્ર આપ્યું છે ‘હું સુખી થાઉં, મારી સાથે સમસ્ત વિશ્વ સુખી થાય.’ આપના દ્વારા થતાં અનેકવિધ સેવાકાર્યોમાં આ સૂત્ર ચરિતાર્થ થયેલું જોઈને અમને આનંદ થાય છે.
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પોષ્યવર્ગનું પોષણ કરવાની આજ્ઞા આપી છે, એને અનુસરીને આપના ઉદ્યોગો દ્વારા હજારો લોકોને રોજીરોટી મળે છે એ વાત અમારા દીલને સ્પર્શી જાય છે. આપની સતત પ્રગતી થતી રહે અને પરમાત્માએ આપને આપેલી સંપત્તિનો સદુપયોગ નાનામાં નાના માણસો અને અબોલ પશુ-પંખીઓના કલ્યાણમાં થતો રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

Achieved

Category

Tags