Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

2 October Swachata Abhiyan – 2026

૨ ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે SGVP ગુરુકુળ પરિવાર દ્વારા અમદાવાદ અને ૫૧ ગામોમાં ભવ્ય સ્વચ્છતા અભિયાન યોજાયું

૨ ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવીને સમગ્ર દેશને એક મોટો સંદેશ આપ્યો હતો. આ સ્વચ્છતા અભિયાનને ગુરુકુળ પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે ખૂબ જ ઉત્સાહ અને પ્રયત્નપૂર્વક ઉજવવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત ગુરુકુળ પરિવાર દ્વારા દર વર્ષે લગભગ ૧૦૮ ગામડાઓમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ ગુરુકુળ ખાતેથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સંતો અને ભક્તજનો જોડાઈને સમગ્ર ગુરુકુળ રોડ તેમજ આસપાસના વિસ્તારોને સ્વચ્છ કરવાનું સેવાકાર્ય કરે છે.

આજરોજ પણ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં આ સ્વચ્છતા અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પૂજનીય સંતો અને હરિભક્તો જોડાયા હતા. ગુરુકુળ આસપાસના સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવ્યો હતો. આ અભિયાન માત્ર અમદાવાદ પૂરતું સીમિત ન રહેતા, ગુરુકુળના સંતોના માર્ગદર્શન હેઠળ સ્કૂલના બાળકો અને ગ્રામજનોના સક્રિય સહયોગથી એક સાથે ૫૧ ગામોમાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આશીર્વચન પાઠવતા પરમ પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. પહેલી બાહ્ય સ્વચ્છતા છે જે આજે આપણી આસપાસ સાફ-સફાઈ કરીને કરી રહ્યા છીએ. બીજી વૈચારિક સ્વચ્છતા છે, જે અંગ્રેજો જેવા પરદેશીઓ આપણા સમાજ ઉપર વૈચારિક ગંદકી છોડી ગયા છે તેને સાફ કરવાની છે. ત્રીજી માનસિક સ્વચ્છતા છે, જેને આપણે અધ્યાત્મ દ્વારા દૂર કરવાની છે. કાર્યક્રમના અંતે આજના આ પવિત્ર દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે, તેઓ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે અને લાંબા સમય સુધી દેશની સેવા કરતા રહે.

આ સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદના મેયર શ્રી દિનેશભાઈ બારોટ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, કોર્પોરેટર શ્રી ધરમશીભાઈ દેસાઈ તથા શ્રી પ્રવીણભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યને બિરદાવ્યું હતું.

Achieved

Category

Tags