Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

કાંચી કામકોટી પીઠના જગદ્ગુરુ શંકરાચાર્યજીની SGVP ગુરુકુળ ખાતે પધરામણી

સંસ્થા દ્વારા થતી ભારતીય સંસ્કૃતિના પોષણ અને જતન માટેની પ્રવૃત્તિની સરાહના કરી

———————————

અમદાવાદ :

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP), અમદાવાદ ખાતે કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજી મહારાજની ભવ્ય અને પાવન પધરામણી થઈ હતી. સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સસ્નેહ આમંત્રણનો સ્વીકાર કરીને શંકરાચાર્ય મહારાજ ખાસ સંસ્થાના સંતો, ઋષિકુમારો તથા વિદ્યાર્થીઓને દર્શન અને આશીર્વાદ આપવા પધાર્યા હતા.

આ મંગલ પ્રસંગે પ.પૂ. સ્વામીજીએ શંકરાચાર્ય મહારાજનું અત્યંત ભાવભીનું સ્વાગત કર્યું હતું. સ્વામીજીએ પોતાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, “વર્ષો પહેલાં જ્યારે અમે બનારસમાં અભ્યાસ કરતા હતા, ત્યારે પૂર્વ પીઠાધીશ્વર શંકરાચાર્ય આચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીજીના દર્શનનો લાભ મળ્યો હતો. તદુપરાંત, ઈ.સ. ૨૦૧૨માં જ્યારે SGVP ગુરુકુળ ખાતે ‘આચાર્ય સભા’નું આયોજન થયું હતું, ત્યારે પણ પૂજ્ય મહારાજશ્રીએ આ કેમ્પસને પાવન કર્યું હતું. આજે તે જ પીઠના વર્તમાન આચાર્યશ્રી તરીકે આપશ્રીએ અહીં પધારીને સમગ્ર કેમ્પસ અને અમને સહુને પાવન કર્યા છે.”

મુલાકાત દરમિયાન શંકરાચાર્યજીએ SGVP ગુરુકુળ દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. વિશેષરૂપે ચાર વેદ અને સનાતન શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપન માટે સંસ્થા દ્વારા તથા પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના ભગીરથ પ્રયાસોથી થઈ રહેલા કાર્યને તેમણે ખૂબ જ બિરદાવ્યું હતું.

શંકરાચાર્ય મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, “આજે આ પાવન પરિસરમાં આવીને અમને અત્યંત આનંદ થાય છે. સંસ્થા દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિઓ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિનું પોષણ જતન કરનારી છે.”

સભાના સમાપન સમયે શંકરાચાર્યજી મહારાજે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનું સાલ ઓઢાડીને ખાસ બહુમાન કર્યું હતું અને સંસ્થાના ઉત્તરોત્તર વિકાસ માટે મંગળ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુરુકુળના સંતો, ઋષિકુમારો અને ઉપસ્થિત હરિભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી.

Achieved

Category

Tags