શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરના આંગણે પરિવર્તિની (જળઝીલણી) એકાદશીના પવિત્ર અવસરે એક અતિ દિવ્ય અને અલૌકિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડતાલ પીઠાધીશ, સનાતન ધર્મના સંવાહક પરમ પૂજ્ય 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની ખાસ પધરામણી તેમજ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના દિવ્ય સાનિધ્યથી આ ઉત્સવ ઐતિહાસિક બની રહ્યો હતો.
ઉત્સવના પ્રારંભે ઠાકોરજીના પૂજન બાદ એક ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં શણગારેલા વિવિધ ફ્લોટ્સ, ડી.જે., ગુરુકુળના વિદ્યાર્થીઓનું બેન્ડ, સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. મહોત્સવની શરૂઆતમાં ગુરુકુળમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે વિશાળ મંચ ફાળવવામાં આવ્યો હતો, જ્યાં તેમણે મનોરમ્ય વિવિધ નૃત્યો તથા રૂપકો રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
વરસાદી માહોલ અને મછુંદરી નદીના ખળખળ વહેતા જળ વચ્ચે એક પ્રાકૃતિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ઠાકોરજીનું સોડશોપચાર પૂજન-અભિષેક તથા મછુંદરી નદીનું પૂજન કરવામાં આવ્યું હતું. જળમાં ઠાકોરજીને નૌકવિહાર કરાવી કાકડી તથા વિવિધ ફળોનો પ્રસાદ અર્પણ કરાયો હતો અને ચાર-ચાર ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે સદ્ગુરુ સંતો સહિત દ્રોણેશ્વર ગુરુકુળના સંચાલક ભંડારી સ્વામી હરિકૃષ્ણદાસજી અને નરનારાયણ સ્વામીએ આચાર્ય મહારાજશ્રીનું વિશેષ પૂજન-અર્ચન કર્યું હતું. આ સાથે ગુરુકુળ પરિવારના નૂતન કૅલેન્ડરનું વિમોચન પણ મહારાજશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, “ઘણા વર્ષો પછી આચાર્ય મહારાજશ્રીની પધરામણીથી આ સમગ્ર ગીર વિસ્તાર ધન્ય બન્યો છે. આગામી સમયમાં અમદાવાદ ગુરુકુલનો સુવર્ણજયંતી મહોત્સવ તથા મદનમોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સમાં પધારવા સૌને ભાવભર્યું આમંત્રણ છે.
આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સનાતન ધર્મના મહિમાની વાતો કરતા જણાવ્યું હતું કે, સનાતન ધર્મ અનાદિ-અનંત છે. સનાતન ધર્મ એ કોઈ એકનો ઈજારો નથી; જેમ વડલો પોતાની વડવાઈઓથી વિસ્તરે છે, તેમ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધવાચાર્ય જેવા અનેક આચાર્યોએ સનાતન ધર્મનું રક્ષણ કર્યું છે. ભગવાન સ્વામિનારાયણે તેમાં નવીન ભાત પાડી છે અને એ જ પરંપરાને આજે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ આગળ ધપાવી રહ્યા છે. તેઓ કેવળ એક સંપ્રદાયના નહીં, પરંતુ સમગ્ર હિન્દુ ધર્મના આચાર્ય છે.”
એકાદશીના મહાત્મ્ય વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું કે, “આ પરિવર્તિની એકાદશીનું સાચું રહસ્ય એ છે કે આપણા જીવનમાં રહેલા દોષો દૂર થઈ ગુણોમાં પરિવર્તિત થાય અને આપણો આચાર-વ્યવહાર શુદ્ધ બને.”
આ પ્રસંગે આચાર્ય મહારાજશ્રીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, આ નાઘેર તથા બાબરિયાવાડ વિસ્તાર ભગવાન શ્રીસ્વામિનારાયણ તથા એમના પવિત્ર સંતોની ચરણરજથી અંકિત થયેલો છે. આજે ગુરુકુલ પરિવારના સંતો દ્વારા આ વિસ્તારમાં ખૂબ સારાં સેવાકાર્યો થઈ રહ્યા છે. ખાસ કરીને દીકરીઓને ભણવા માટે જે વ્યવસ્થા દ્રોણેશ્વર ગુરુકુલમાં થઈ છે બદલ અમે સંતોને ધન્યવાદ અર્પણ કરીએ છીએ. આ જંગલ વિસ્તારમાં શહેરોમાં ન હોય તેવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી ખૂબ મોટું કાર્ય થયું છે. પૂજ્ય માધવપ્રિયદાસજી ખૂબ વિદ્વાન અને વિશાળ દૃષ્ટિ ધરાવનારા સંત છે. તેઓ સમાજને અને ધર્મને ખૂબ સારી રીતે સમજી શકે છે. આવા સંતો સમાજનું સાચું ઘરેણું છે.
પ્રાચીન તીર્થ દ્રોણેશ્વર મહાદેવનું સાનિધ્ય, કષ્ટભંજન દેવના આશીર્વાદ અને રામ-શ્યામ-ઘનશ્યામ મહારાજના દિવ્ય ધામમાં યોજાયેલા આ મહોત્સવમાં આસપાસના લગભગ ૫૦ ગામોમાંથી ૧૦,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર ગુરુકુળ પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માનવમેરામણ છલકાયો હતો.



