દશાબ્દિ મહોત્સવ, દ્રોણેશ્વર
મકર સંક્રાંતિ તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજના તૃતીય પાટોત્સવ તથા શાળાના દશ વર્ષ પૂર્ણ થતાં દશાબ્દિ ઉત્સવ નિમિત્તે SGVP દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે તા. ૧૨ થી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ દરમ્યાન વિવિધ આયોજનો સાથે મહોત્સવનું આયોજન થયું હતું.
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં તા. ૧૨ના રોજ યુવાન સંતો દ્વારા કથાવાર્તા કરવામાં આવી હતી.
તા. ૧૩ ના રોજ દશાબ્દિ ઉત્સવ નિમિત્તે શાળાના ૮૦૦ બાળકો, બાલિકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલ બેન્ડ પાર્ટીના બાળકો અને બાલિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને બપોરે સૌ ભક્તજનો અને વાલીઓએ શાકોત્સવનો પ્રસાદ લોધો હતો. બીજે દિવસે અભિષેક માટે બહેનો દ્વારા જલયાત્રા દ્વારા પવિત્ર જળ લાવવામાં આવ્યું હતું.
તા. ૧૪ સંક્રાંતિના પવિત્ર દિવસે તૃતીય પાટોત્સવ પ્રસંગે શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજના અભિષેક તથા અન્નકૂટ દર્શનનો સૌએ લાભ લીધો હતો. તથા સંતો ભક્તોએ ગૌ પૂજન કર્યું હતું. નૂતન તૈયાર થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ સદ્ગુરુ સંતોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.



