SGVP અમદાવાદ આયોજીત ભારતવર્ષના 1008 પાવન તીર્થોની પવિત્ર માટીની માટીયાત્રા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની દિવ્ય અને અવિરત યજ્ઞ પરંપરા
યજ્ઞો વૈ વિષ્ણુઃ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદના સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે આયોજિત ૨૧ દિવસીય મહાવિષ્ણુયાગ ભકિત, જ્ઞાન અને સેવાનો દિવ્ય ત્રિવેણી સંગમ બની રહ્યો. પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પોને સાકાર કરતી ૫૦ વર્ષની આ યાત્રામાં યતુર્વેદ પારાયણ અને યજ્ઞકથા દ્વારા જ્ઞાનની સરવાણી વહી, તો અખંડ પ્રદક્ષિણા અને પાલખીયાત્રા દ્વારા ભકતોએ હરિને રીઝવ્યા. ૬૦૦ ભૂદેવોના બ્રહ્મભોજન તથા સન્માન સાથે યોજાયેલી બ્રહ્મચોરાસી અને માતૃશકિત દ્વારા થયેલા નિલકંઠ પૂજને વૈદિક સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કર્યું. પૂજ્ય સંતોના સાનિઘ્યમાં સંપન્ન થયેલો આ મહોત્સવ હજારો ભકતોના હ્રદયમાં આધ્યાત્મિક ઊર્જા અને સનાતન સંસ્કારોનું સિંચન કરી, જીવનભરનું અવિસ્મરણીય સંભારણું બની ગયો રહ્યો. આ મહોત્સવની ઝાંખી અહીં પ્રસ્તુત છે.
ગુરુકુલમાં ‘તીર્થ માટીયાત્રા’થી સર્જાયો અખંડ ભારતનો દિવ્ય નજારો
તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના શુભ દિને અમદાવાદની ધર્મભૂમિ પર એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ પ્રસંગે ઇતિહાસ રચાયો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદના સુવર્ણ જયંતી મહોત્સવ (તા. ૨૨ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬) નિમિત્તે યોજાનાર ભવ્ય ૫૧ કુંડી ‘મહાવિષ્ણુયાગ’ના યજ્ઞશાળા નિર્માણ પૂર્વે, ‘૧૦૦૮ તીર્થોની માટીયાત્રા’નું ભવ્ય આયોજન થયું.
પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી યોજાઈ રહેલા આ મહાયજ્ઞ મહોત્સવમાં, યજ્ઞશાળાનાં નિર્માણ માટે ભારતના ૧૦૦૮ પાવન તીર્થધામોની માટીનું સંકલન કરવાનો વિરાટ સંકલ્પ કરવામાં આવ્યો હતો.
ભારતવર્ષના તીર્થભૂમિની માટીમાં સંતોના તપ, ઋષિઓના આશીર્વાદ અને કરોડો ભક્તોની શ્રદ્ધાનો સંગમ થયેલો હોય છે. આ માટીને યજ્ઞશાળાના પાયામાં સ્થાપિત કરવાનો અર્થ છે – યજ્ઞપ્રસંગને સમગ્ર ભારતની પવિત્રતા અને આધ્યાત્મિક ચેતનાથી સિંચવો.
છ માસના લાંબા સમયગાળા દરમિયાન, ગુરુકુલના કર્મઠ સ્વયંસેવકોએ ઉત્તરમાં બદરીનાથના હિમાચ્છાદિત શિખરોથી માંડીને દક્ષિણમાં રામેશ્વરના સાગર કિનારા સુધી અને પૂર્વમાં જગન્નાથપુરીના રથોત્સવની ભૂમિથી પશ્ચિમમાં દ્વારકાધીશની નગરી સુધીની અખંડ યાત્રા ખેડી. આ યાત્રામાં અનેક તીર્થો, પુણ્યસલિલા નદીઓ અને પવિત્ર સરોવરોની માટીનું ભક્તિભાવપૂર્વક સંકલન કરવામાં આવ્યું.
તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ, અમદાવાદ ગુરુકુલ રોડ પર આવેલ એચ.બી. કાપડિયા સ્કૂલના વિશાળ ગ્રાઉન્ડથી આ સંગ્રહાયેલી માટીની ભવ્ય-દિવ્ય ‘તીર્થ માટીયાત્રા’નો પ્રારંભ થયો.
અહીંનું દ્રશ્ય અતિશય મનમોહક હતું. સંતો સાથે હજારો વિદ્યાર્થીઓ, ભાઈઓ-બહેનો સૌ કોઈ પીળાં વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાયા હતા, જાણે ધરતી પર શ્રદ્ધાનો પીળો દરિયો ઉમટ્યો હોય. પ્રત્યેક ભક્તજનોએ આ ૧૦૦૮ તીર્થોની માટીને શણગારેલી મંગલમય ટોપલીઓમાં રાખી, તેને પોતાનાં મસ્તક ઉપર સન્માનસહ ધારણ કરી હતી.
ડી.જે.ના ભક્તિસભર તાલે ઝૂમતા અને ‘સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન-ભજનના મંગલ નાદ કરતો, સહુ ભક્ત સમૂહ ગુરુકુલ તરફ આગળ વધ્યો. આ દ્રશ્યની દિવ્યતા અને શ્રદ્ધાનું મૂર્તિમંત સ્વરૂપ જોવા માટે માર્ગની બન્ને બાજુએ જનમેદની ઉમટી પડી હતી.
જ્યારે માટીયાત્રા ગુરુકુલના પ્રાંગણમાં પ્રવેશી, ત્યારે તેનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગુરુકુલનું વાતાવરણ જાણે ૧૦૦૮ તીર્થોની ઊર્જાથી તરબોળ થઈ ગયું.
યજ્ઞશાળાના પ્રાંગણમાં વિશાળ મંચ પર, કલાત્મક રીતે ગોઠવેલા પગથિયાં ઉપર આ પવિત્ર તીર્થ માટીની છાબડીઓને સ્થાપિત કરવામાં આવી. આ સમયે સર્જાયેલું દૃશ્ય અનોખું અને અદ્ભુત હતું. પ્રારંભમાં ગુરુકુલના વિદ્યાર્થીઓએ સંવાદ દ્વારા, ક્યાં ક્યાં તીર્થોમાંથી કેવી રીતે અને ક્યાં સંકલ્પે માટી આવી તેની રસપ્રદ માહિતી આપી. ત્યારબાદ ભક્તિસભર નૃત્ય રજૂ કરી, ભાવપૂર્વક આ તીર્થની માટીઓને પુષ્પવૃષ્ટિથી વધાવી. આ સમયે, ખીચોખીચ ભરેલા ગુરુકુલ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હજારો ભક્તજનોએ એક સાથે ધ્વજ લહેરાવીને તીર્થમાટીના વધામણાંમાં પોતાનો ભાવ ઉમેર્યો, જે દ્રશ્ય જાણે મહાસાગરના હિલ્લોળ જેવું લાગતું હતું.
આ દિવ્ય અવસરે પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પોતાનાં પ્રવચનમાં જણાવ્યું, ‘આજનું આ માટીયાત્રાનું દ્રશ્ય એટલું બધું દિવ્ય છે કે, જેનાં હૃદયમાં આ સ્મૃતિ અંકિત થઈ જશે, તેનું કલ્યાણ સુગમ થઈ ગયું છે. જે ભક્તજનો આ માટીયાત્રામાં જોડાયા છે, તેમને સર્વ તીર્થોની યાત્રા કર્યાનું અનંત ફળ પ્રાપ્ત થશે. આજે ગુરુકુલનું આંગણું સ્વયં તીર્થ સ્વરૂપ બની ગયું છે.’
સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામીજીએ આ પ્રસંગને ન ભૂતો ન ભવિષ્યતિ ગણાવતા જણાવ્યું હતું, ‘સમગ્ર ધર્મજગતમાં સંભવતઃ આ પહેલી વાર બન્યું હશે કે, એક સાથે ૧૦૦૮ તીર્થોની માટી એક જગ્યાએ ભેગી થઈ હોય અને તેની આવી ભવ્ય યાત્રા યોજાઈ હોય. અનેક તીર્થો અહીં આપણને સાક્ષાત દર્શન દેવા પધાર્યા છે. આજે આપણું ગુરુકુલ ખરેખર તીર્થસ્વરૂપ બની ગયું છે.’પરમ પૂજ્ય સ્વામીજીએ આ યાત્રાના રાષ્ટ્રીય મહત્વ પર ભાર મૂકતા ઉમેર્યું કે, ‘આ યાત્રા માત્ર ધાર્મિક નહિ, પણ અખંડ ભારતની ભાવનાનું પ્રતિક છે. આજે જ્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ગુરુકુલના આંગણે ૧૦૦૮ તીર્થોની માટીનું આગમન થવું એ માત્ર સંયોગ નહિ, પણ એક મહત્વનો સંદેશ છે.’ વિશેષમાં પૂજ્ય સ્વામીજીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કાવ્યરચના ‘સૌગંદ મુઝે ઇસ મિટ્ટીકી’નું ગાન કરી સભાને વિશેષ દેશભક્તિનો રંગ ચડાવ્યો હતો. આમ, ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાના સુમધુર સમન્વય સાથે આ ‘તીર્થ માટીયાત્રા’એ ગુરુકુલના સુવર્ણ જયંતી મહોત્સવને એક અલૌકિક અને ઐતિહાસિક ઓપ આપ્યો.
યજ્ઞશાળા નિર્માણ
“અન્નાદ્ભવન્તિ ભૂતાનિ પર્જન્યાદન્નસમ્ભવઃ । યજ્ઞાત્મવતિપર્જન્યો યજ્ઞઃ કર્મસમુદ્ભવઃ ||”
ભારતીય સંસ્કૃતિના પ્રાણ એટલે ‘યજ્ઞ‘. વૈદિક કાળથી જ યજ્ઞને બ્રહ્માંડની નાભિ અને પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. યજ્ઞ એ માત્ર અગ્નિમાં આહુતિ આપવાની ક્રિયા નથી, પરંતુ તે સમષ્ટિના કલ્યાણ, પર્યાવરણની શુદ્ધિ અને પરમાત્માની પ્રસન્નતાનું સર્વોચ્ચ માધ્યમ છે.
વૈદિક યજ્ઞપરંપરામાં જ્યારે વિકૃતિઓ આવી, ત્યારે ભગવાન શ્રીસ્વામિનારાયણે ધરાતલ પર અવતરીને યજ્ઞના સાચા સ્વરૂપને પુનઃસ્થાપિત કર્યું. તેમણે હિંસામય યજ્ઞોનો વિરોધ કરી, વેદોના સાચા અર્થને પ્રગટ કરીને ‘અહિંસામય મહાવિષ્ણુયાગ‘ વગેરે યજ્ઞોની સરવાણી વહેતી કરી. લોકકલ્યાણના આ મંત્રને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પોષ્યો અને આધુનિક યુગમાં ગુરુકુલ પરંપરા દ્વારા તેને જીવંત રાખ્યો.
આજથી લગભગ ૮૧ વર્ષ પહેલા (વિક્રમ સંવત ૨૦૦૧માં), જૂનાગઢની પવિત્ર ધરા પર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ એકવીસ દિવસના ભવ્યાતિભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું. એ યજ્ઞની દિવ્યતા આજે પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત છે. એ જ શ્રદ્ધા અને ભક્તિનો વારસો આજ પણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના માધ્યમથી અસ્ખલિત વહી રહ્યો છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થતાં ‘સુવર્ણ જયંતી મહોત્સવ‘ નિમિત્તે એક અત્યંત દિવ્ય અને અલૌકિક આયોજન હાથ ધરાયું. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણાથી તા. ૨૨ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી સુધી, સતત ૨૧ દિવસ માટે ‘શ્રી મહાવિષ્ણુયાગ‘નું આયોજન કરવામાં આવ્યું.
આ મહોત્સવનું આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું ૫૧ કુંડી વૈદિક યજ્ઞશાળા. આ યજ્ઞશાળાના નિર્માણમાં ભારતભરના ૧૦૦૮ પવિત્ર તીર્થોની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના સતત માર્ગદર્શન હેઠળ, સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ દિવસ-રાત પરસેવો પાડીને આ કલાત્મક અને શાસ્ત્રોક્ત યજ્ઞશાળા તૈયાર કરી હતી.
યજ્ઞશાળા નિર્માણકાર્ય પૂર્ણ થતા તા. ૨૧ ડિસેમ્બરના રોજ સાયંકાળે શ્રીધનશ્યામ મહારાજના સાંનિધ્યમાં ભગવાન અનુજ્ઞા તથા મહાસંકલ્પ વિધિ કરવામાં આવી હતી. આ સાથે જ વાજતેગાજતે સૌ સંતો-ભક્તોએ યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો હતો.
અગ્નિદેવનું અલૌકિક પ્રાગટ્ય
વૈદિક પરંપરામાં અગ્નિને ‘દેવોનું મુખ‘ માનવામાં આવે છે. યજ્ઞમાં અગ્નિ પ્રગટાવવા માટે દિવાસળી કે અન્ય કૃત્રિમ સાધનોનો ઉપયોગ કરવાને બદલે હજારો વર્ષ જૂની ‘અરણી મંથન‘ પદ્ધતિનો આશ્રય લેવામાં આવ્યો.
અરણી મંથન એ માત્ર લાકડાનું ઘર્ષણ નથી, પરંતુ તે જડમાં ચેતનનું પ્રાગટ્ય છે. જે રીતે કાષ્ઠ (લાકડા)માં અગ્નિ સુષુપ્ત રૂપે રહેલો છે, પરંતુ મંથન કરવાથી તે પ્રગટ થાય છે; તેમ પ્રત્યેક જીવમાં પરમાત્મા બિરાજમાન છે, પણ ભક્તિ અને ઉપાસનાના મંથન દ્વારા જ તે દિવ્યતાનાં દર્શન થાય છે. અરણીકાષ્ઠના મંથન દ્વારા જ્યારે અગ્નિનારાયણનું પ્રાગટય થયું, ત્યારે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રીહરિના જયનાદથી ગુંજી ઊઠયું હતું.
આ યજ્ઞની વિશેષતા એ રહી કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે સ્થાપિત કરેલાં છ મંદિરો (અમદાવાદ, ભુજ, ધોલેરા, વડતાલ, ગઢપુર અને જૂનાગઢ)ના દેવોની આરતીની દિવ્ય જ્યોતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે મંદિરોની પવિત્ર જ્યોત અને અરણી મંથનથી પ્રગટેલો અગ્નિ એકાકાર થયા, ત્યારે જાણે ભૂતકાળ અને વર્તમાનનો સમન્વય થયો હોય અને સ્વયં ભગવાન શ્રીસ્વામિનારાયણ યજ્ઞશાળામાં પધાર્યા હોય તેવી દિવ્ય અનુભૂતિ થઈ હતી.
પ્રગટ થયેલા આ પવિત્ર અગ્નિદેવને એક સુશોભિત પાત્રમાં પધરાવી, શંખનાદ, ઝાંઝ-પખાજ અને ઢોલ-નગારાના ગગનભેદી નાદ સાથે યજ્ઞશાળામાં આ અગ્નિદેવને વિધિવત સ્થાપિત કરવામાં આવ્યા.
૨૧ દિવસીય દિવ્ય મહાવિષ્ણુયાગ
તા. ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ – મેમનગરના સુવર્ણ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં, ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આયોજિત ૨૧ દિવસીય ‘શ્રીમહાવિષ્ણુયાગ‘ શ્રદ્ધા અને સમર્પણનો એક અલૌકિક ઉત્સવ બની રહ્યો. આ યજ્ઞનાં દર્શનથી સૌ ભક્તોને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ભૂતકાળમાં કરેલા ૨૧ દિવસના યજ્ઞની દિવ્ય ઝાંખી થઈ હતી.
યજ્ઞશાળાના મધ્યમાં બિરાજમાન ભગવાન શ્રીઘનશ્યામ મહારાજનું પૂજન અને અભિષેક એ આ મહોત્સવનું એક આકર્ષણનું કેન્દ્ર હતું. પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સદ્ગુરુ સંતો દ્વારા જ્યારે પંચામૃત, કેસર જળ અને ફળોનાં રસથી ભગવાનનો અભિષેક થતો, ત્યારે ભક્તો પોતાના નયનોમાં એ દ્રશ્યને સમાવી લેવા આતુર બનતા. આ ભવ્ય અભિષેક દર્શનમાં મગ્ન થયેલા ભક્તોના ચહેરા પર એક અનોખી તૃપ્તિ જોવા મળતી હતી.
યજ્ઞશાળામાં દરરોજ પ્રાતઃકાળે બ્રહ્મમુહૂર્તમાં વેદઘોષ સાથે મંગલ પ્રારંભ થતો. દ્વારપૂજા, ગણપતિ પૂજન અને હનુમાનજીના પૂજન બાદ ભગવાન શ્રીહરિનું ષોડશોપચાર પૂજન કરવામાં આવતું. ૫૧ યજ્ઞકુંડ પર બિરાજમાન યજમાન ભકતો ભક્તિભાવપૂર્વક નિલકંઠવર્ણી તથા ગણપતિજીના મૂર્તિનું અભિષેક-પૂજન કરી યજ્ઞ માટે સજ્જ થતા.
યજ્ઞની પવિત્ર જ્વાળાઓમાં જ્યારે શુદ્ધ ઘી, જવતલ, પવિત્ર ઔષધિઓ અને ફળોની આહુતિ અર્પણ થતી, ત્યારે વાતાવરણમાં એક દિવ્ય સુગંધ પ્રસરી જતી. વિષ્ણુસહસ્ત્રનામાવલી, સર્વમંગલ નામાવલી, જનમંગલ નામાવલી અને સ્વામિનારાયણ મહામંત્રના ગુંજારવ સાથે એકવીસ દિવસ દરમિયાન લાખો આહુતિઓ અર્પણ કરવામાં આવી. પુરુષસૂક્ત, શ્રીસૂક્ત જેવા વેદના મંત્રો દ્વારા દેવતાઓને આહ્વાન આપીને સમગ્ર સૃષ્ટિના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવતી હતી.
આ યજ્ઞમાં એક અદ્ભુત દ્રશ્ય દરરોજ જોવા મળતું. જયારે આરતીનો સમય થાય, ત્યારે સાક્ષાત્ સૂર્યનારાયણ પોતાનાં સોનેરી કિરણો વડે શ્રીઘશ્યામ મહારાજનું પૂજન કરવા ઉપસ્થિત થતા હોય તેમ લાગતું. ભગવાનનાં મુખારવિંદ પર પડતા સૂર્યનાં કિરણો આરતીની દિવ્યતામાં અનેકગણો વધારો કરી દેતા.
આ ૨૧ દિવસના અનુષ્ઠાનમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટયો હતો. ૧૦,૦૦૦ ઉપરાંત ભક્તોએ ૨૧ દિવસ દરમિયાન સ્વહસ્તે યજ્ઞનારાયણને આહુતિઓ આપી ધન્યતા અનુભવી. એક લાખથી વધુ ભક્તોએ યજ્ઞશાળાનાં દર્શન કરી આ પવિત્ર વાતાવરણનો લાભ લીધો.
યજ્ઞ મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય સ્વામીજીની શારીરિક પ્રતિકૂળતાને કારણે પરોક્ષ ઉપસ્થિતિ સદાય પ્રત્યક્ષ અનુભવાઈ. પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીની પાવન નિશ્રા તથા ધામધામથી પધારેલા સદ્ગુરુ સંતોની પાવન ઉપસ્થિતિ સાથે આ મહોત્સવ સંસ્મરણીય બની રહ્યો.
પાલખી યાત્રા – નાદ, નૃત્ય અને ગતિનો અદ્ભુત ત્રિવેણી સંગમ
“યત્ર યોગેશ્વર: કૃષ્ણો…” – જ્યાં પરમાત્મા બિરાજમાન હોય ત્યાં આનંદ અને મંગલનો વાસ હોય જ. યજ્ઞ મહોત્સવ દરમિયાન નિત્ય જ્ઞાનગંગા સમાન ‘યજ્ઞકથા‘ના વિરામ બાદ, જ્યારે સંધ્યાનો સુવર્ણ સમય થતો, ત્યારે ગુરુકુલના પ્રાંગણમાં શ્રદ્ધાનો મહાસાગર ઉછળતો. આ અવસર હતો ‘ભગવાનની દિવ્ય પાલખી યાત્રા‘નો.
સંધ્યાકાળે જ્યારે આકાશ કેસરી રંગે રંગાયેલું હોય, ત્યારે પાલખીમાં બિરાજમાન ઠાકોરજીનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ‘પંચોપચાર પૂજન‘ કરવામાં આવતું. ચંદન, પુષ્પ અને ધૂપની સુગંધ વચ્ચે ભક્તિનું વાતાવરણ જામતું. પૂજન બાદ ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા ઠાકોરજીને રીઝવવા માટે ભક્તિમય નૃત્યો રજૂ કરવામાં આવતા. મંગલ વાદ્યોના નાદ સાથે પાલખી યાત્રાનો પ્રારંભ થતો. યજ્ઞ નારાયણની સાક્ષીએ ઠાકોરજીની પાલખી જ્યારે યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરતી, ત્યારે આખું વાતાવરણ ‘સ્વામિનારાયણ‘ મહામંત્રના નાદથી ગુંજી ઊઠતું. ભક્તો હૃદયપૂર્વક પાલખીને ઝૂલાવતા અને પ્રભુના સાનિધ્યનો આનંદ માણતા. આ પાલખી યાત્રાની સૌથી મોટી વિશેષતા ભગવાનની ‘વિવિધ ગતિ‘ હતી. સેવકો દ્વારા પાલખીને વિશિષ્ટ રીતે ઝુલાવીને પરમાત્માના વિવિધ સ્વરૂપોનું સ્મરણ કરાવવામાં આવતું.
હંસગતિ, સિંહગતિ, વ્યાધ્રગતિ, ગજગતિ, સર્પગતિ, ગરુડગતિ વગેરે પાલખીની ગતિ દ્વારા ભગવાનને લાડ લડાવવામાં આવતા. યાત્રાના અંતે, યજ્ઞશાળામાં બિરાજમાન શ્રીઘનશ્યામ મહારાજનું ‘વિશેષ રાજોપચાર પૂજન‘ કરવામાં આવતું. ષોડશોપચાર વિધિ બાદ, ભવ્ય ‘નિરાજન‘ (આરતી) ઉતારવામાં આવતી. દીવડાઓના પ્રકાશમાં ઠાકોરજીનું મુખારવિંદ ઝળહળી ઊઠતું. અંતે, અત્યંત ભાવપૂર્વક ભગવાનને શયન કરાવી દિવસભરના ઉત્સવની પૂર્ણાહુતિ થતી.
અખંડ પ્રદક્ષિણા મહોત્સવ – ભક્તિના પથ પર શ્રદ્ધાના ડગલાં
જયારે યજ્ઞની પવિત્ર જ્વાળાઓ વાતાવરણને દિવ્યતા અર્પતિ હોય, ત્યારે તેની આસપાસ શ્રદ્ધાના ડગલાં માંડવા એ જીવનની ધન્યતા છે. ભવ્ય યજ્ઞના સાનિધ્યમાં યોજાયેલો ‘અખંડ પ્રદક્ષિણા મહોત્સવ‘ શ્રદ્ધાળુઓ માટે ભક્તિનો એક અદ્ભુત અને અલૌકિક લ્હાવો બની રહ્યો.
પ્રદક્ષિણા એટલે પરમાત્માને કેન્દ્રમાં રાખી, આપણાં જીવનના પ્રત્યેક શ્વાસ અને કર્મને તેમને સમર્પિત કરવા. આ મહોત્સવમાં એક લાખથી વધારે ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આબાલ-વૃદ્ધ સૌ કોઈ આ અખંડ ભક્તિધારામાં જોડાયા હતા.
નાનાં બાળકોનાં મુખ પરનો નિર્દોષ આનંદ, યુવાનોનો ઉત્સાહ અને વૃદ્ધોની અડગ શ્રદ્ધા જોઈને સૌના મસ્તક ઝૂકી જતા હતા. યજ્ઞશાળાની ફરતે સતત એકવીસ દિવસનો આ પ્રદક્ષિણા મહોત્સવ અવિરામ ચાલતો રહ્યો. કેટલાય તેજસ્વી ભક્તોએ તો વિશાળ યજ્ઞશાળાની એકસાથે ૧૦૮ પ્રદક્ષિણા રોકાયા વિના પૂર્ણ કરી.
જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ ભક્તિનો વેગ વધતો ગયો. ૧૦૦, ૨૦૦, ૩૦૦, ૪૦૦ અને છેક ૫૦૦ કલાક સુધી જ્યારે અખંડ પ્રદક્ષિણાના અનુષ્ઠાનો પૂર્ણ થયા, ત્યારે સમગ્ર વાતાવરણ જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. સંતો અને ભક્તોએ આ અવસરોને ઉત્સવની જેમ વધાવ્યા હતા. પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અન્ય આદરણીય સંતોની હાજરીએ ભક્તોના ઉત્સાહમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. અનેક પરિવારોએ સામૂહિક રીતે ૨૧૦૦ પ્રદક્ષિણા કરવાનો સંકલ્પ લીધો હતો. આશ્ચર્ય અને આનંદની વાત તો એ છે કે, શ્રદ્ધાના જોરે આ પરિવારોએ પોતાના નિર્ધારિત લક્ષ્યાંક કરતા પણ અનેકગણી વધારે પ્રદક્ષિણાઓ કરીને પરમાત્મા પ્રત્યેનું પોતાનું અતૂટ સમર્પણ અને પ્રેમ વ્યક્ત કર્યા હતા.
પ્રદક્ષિણાના દરેક ડગલે હરિનામનું રટણ હતું. મધુર ભજનો અને ધૂનની સુરાવલીઓ વચ્ચે ભક્તો પોતાના દેહનું ભાન ભૂલીને માત્ર પ્રભુમય બની ગયા હતા. વાતાવરણમાં વ્યાપેલી એ દૈવી સુગંધ અને મંત્રોચ્ચારે સૌનાં હૃદયને પવિત્રતાથી ભરી દીધા હતા.
ભવ્ય બ્રહ્મ ચોરાસી
૨૧ દિવસીય શ્રી મહાવિષ્ણુયાગની દિવ્ય ધારાપ્રવાહની મધ્યમાં ભવ્ય આયોજનના ભાગરૂપે અદ્ભુત પ્રસંગ ‘બ્રહ્મ ચોરાસી‘ સ્વરૂપે સંપન્ન થયો. રવિવાર, ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ હૃદયસ્પર્શી દૃશ્યો સર્જાયા. ગુરુકુલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થાય તેવી ભવ્ય ‘બ્રહ્મ ચોરાસી‘ નું આયોજન ‘શ્રીજોગી સ્વામી સત્સંગ ભવન‘ ખાતે કરવામાં આવ્યું હતું.
વડતાલ, ડભાણ, અમદાવાદ, જુનાગઢ, રાજકોટ જેવા પવિત્ર ધામોમાંથી અંદાજે ૬૦૦ જેટલા ભૂદેવો આ મહોત્સવમાં પધાર્યા હતા. વિશાળ હોલમાં એકસાથે ૬૦૦ બાજોઠની હારમાળા ગોઠવવામાં આવી હતી. પ્રત્યેક ભૂદેવનું ચંદન, તિલક અને પુષ્પહારથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા આદરપૂર્વક પ્રત્યેક બ્રાહ્મણને ટ્રાવેલિંગ બેગ, કાંડા ઘડિયાળ, ગરમ શાલ, દક્ષિણા સહિતના ઉપહારો અર્પણ કરી તેમનું ગૌરવગાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ બ્રાહ્મણોનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, ‘બ્રાહ્મણો આ ધરતીના જંગમ દેવતા છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું રક્ષણ કરવામાં તેમનું બલિદાન અનન્ય છે. ભગવાન શ્રીસ્વામિનારાયણે પણ ભૂદેવોને સદાય માન-સન્માન આપી રાજી કર્યા છે અને ગુરુકુલ આજે એ જ પરંપરાને આગળ ધપાવી રહ્યું છે.‘ વધુમાં તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે, આજે પણ SGVP સંસ્કૃત પાઠશાળામાં ૨૦૦ જેટલા ભૂદેવો વિદ્યાભ્યાસ કરીને રાષ્ટ્ર અને સંસ્કૃતિના રક્ષણ માટે તૈયાર થઈ રહ્યા છે. સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ પણ તમામ ભૂદેવોને વંદન કરી મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુરુકુલના ઇતિહાસમાં આટલી ભવ્ય-દિવ્ય બ્રહ્મ ચોરાસી પ્રથમ વાર થઈ હોઈ સર્વ ભક્તજનોના હૃદયમાં અત્યંત આનંદ થઈ રહ્યો હતો. સૌને ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા થયેલી બ્રહ્મચોરાસીની ઝાંખી થઈ રહી હતી.
વિશેષમાં આ પ્રસંગે ભગવાન શ્રીઘનશ્યામ મહારાજને ૩૦૦૦ કિલોથી વધારે વિવિધ રસીલા અને મોસમી ફળોનો ‘ફલકૂટ’ ધરાવવામાં આવ્યો હતો.
બ્રહ્મનાદનો દિવ્ય ગુંજારવ : ચતુર્વેદ પારાયણ
“વેદોડખિલો ધર્મમૂલમૂ” – વેદ એ સમસ્ત ધર્મનું મૂળ છે અને જ્યાં યજ્ઞ હોય ત્યાં વેદની ઉપસ્થિતિ અનિવાર્ય છે. યજ્ઞ જો પરમાત્માનું મુખ છે, તો વેદ એ તેમનો શ્વાસ છે.
આ ભવ્ય યજ્ઞમહોત્સવમાં જ્યારે યજ્ઞની આહુતિઓ સાથે વેદના મંત્રોનો સમન્વય થયો, ત્યારે વાતાવરણમાં એક અપૌરુષેય દિવ્યતાનો સંચાર થયો હતો.
દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના તેજસ્વી ઋષિકુમારોએ આ મહોત્સવમાં પ્રાણ પૂર્યા હતા.
ઋગ્વેદની ઋચાઓ, યજુર્વેદના યજ્ઞમંત્રો, સામવેદનું મધુર ગાન અને અથર્વવેદના ગૂઢ મંત્રોનું પઠન પંડિતો અને ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યું.
સતત એકવીસ દિવસ સુધી આ જ્ઞાનયજ્ઞ ચાલ્યો. શ્રી ઘનશ્યામ મહારાજનાં સાનિધ્યમાં બેસીને જ્યારે આ ઋષિકુમારોએ વેદઘોષ કર્યો, ત્યારે જાણે પ્રાચીન કાળના નૈમિષારણ્ય કે દંડકારણ્યના આશ્રમો જીવંત થયા હોય તેવો ભાસ થતો હતો. આ પારાયણને કારણે ગુરુકુલનું વાતાવરણ ‘વેદમય’ બની ગયું હતું.
વાતાવરણમાં ગુંજતા ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત સ્વરોએ શ્રોતાઓના ચિત્તને શાંતિ અને આનંદની અનુભૂતિ કરાવી. સસ્વર વેદગાનનાં દર્શન અને શ્રવણથી ભક્તોએ પરમ તૃપ્તિ અને પ્રસન્નતાનો અનુભવ કર્યો હતો.
વેદ એ આપણી સંસ્કૃતિનો પ્રાણ છે. યજ્ઞ અને વેદના આ સંગમ દ્વારા નવી પેઢીને આપણી પ્રાચીન વિરાસતનું દર્શન કરાવવાનો આ નમ્ર અને ભવ્ય પ્રયાસ ખરેખર વંદનીય રહ્યો. ચારે વેદના પંડિતોના માર્ગદર્શન નીચે ગુરુકુલના પ્રાંગણમાં જ ઋષિકુમારો તૈયાર થઈ રહ્યા હોઈ સૌને વિશેષ આનંદની અનુભૂતિ વર્તાઈ રહી હતી.
યજ્ઞગાથા : શબ્દ અને સમિધનો દિવ્ય સંગમ
“અગ્નિમીળે પુરોહિતં યજ્ઞસ્ય દેવમૃત્વિજમ્” વેદના પ્રથમ મંત્રથી જેની સ્તુતિ થઈ છે તે યજ્ઞ નારાયણનો મહિમા અપાર છે. યજ્ઞ મહોત્સવ દરમિયાન, જ્યારે આકાશમાં હોમ-હવનનો પવિત્ર ધુમાડો પ્રસરી રહ્યો હતો, ત્યારે નિત્ય સાયંકાળે શ્રોતાઓના હૃદયમાં જ્ઞાનનો દીપ પ્રગટાવવા માટે ‘યજ્ઞ કથા‘નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કથાના પ્રારંભમાં વિદ્વાન વક્તા સંતોએ વેદોના પ્રાચીન કાળથી ચાલી આવતી યજ્ઞ પરંપરા પર પ્રકાશ પાડયો. રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોમાં વર્ણવાયેલા અશ્વમેઘ અને રાજસૂય યજ્ઞોથી માંડીને પુરાણોમાં આલેખાયેલી યજ્ઞની મહત્તાનું ખૂબ જ રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું.
કથાનો સૌથી ભાવવિભોર અંશ ભગવાન શ્રીસ્વામિનારાયણ દ્વારા કરવામાં આવેલું વેદોક્ત ‘અહિંસક યજ્ઞ પ્રવર્તન‘ હતું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ વૈદિક પરંપરાના રક્ષણ માટે જે ભગીરથ કાર્ય કર્યું અને જે રીતે ગુરુકુલ દ્વારા આજે પણ આ અદ્ભુત યજ્ઞોની પરંપરા જીવંત રાખવામાં આવી છે, તેનું હૃદયસ્પર્શી વર્ણન સાંભળી સૌ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા.
યજ્ઞમાં વપરાતી સામગ્રી પાછળનું ગૂઢ રહસ્ય પણ આ કથામાં સમજાવવામાં આવ્યું. કઈ સમિધ (લાકડું) કયા દેવતા માટે અને કયાં ફળ માટે વપરાય છે, તેનો મહિમા કહેવાયો. યજ્ઞને સિદ્ધ કરનાર પવિત્ર બ્રાહ્મણો અને ઋત્વિજોની નિષ્ઠા તથા મંત્રોચ્ચારના પ્રભાવ વિશે ઊંડી સમજૂતી આપવામાં આવી.
આ જ્ઞાનયજ્ઞને સિદ્ધ કરવા માટે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, પૂજય શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી શ્રુતિવલ્લભદાસજી સ્વામી, પૂજય શાસ્ત્રી શ્રી શુકવલ્લભદાસજી સ્વામી, પૂજય શાસ્ત્રી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી – આ યુવાન વિદ્વાન સંતોએ પોતાની આગવી શૈલીમાં યજ્ઞના વિવિધ પાસાઓ રજૂ કરી શ્રોતાઓને ભક્તિના સાગરમાં તરબોળ કર્યા હતા. ઉપરાંત સમયે સમયે પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ગુરુદેવના યજ્ઞકાર્યોની છણાવટ કરી હતી.
મહાપૂર્ણાહુતિ : ૨૧ દિવસીય દિવ્ય જ્ઞાન-ભક્તિ સત્રનો મંગલ વિરામ
“પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂણાત્ પૂર્ણમુદચ્યતે”વૈદિક મંત્રોચ્ચાર સાથે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરના આંગણે સતત ૨૧ દિવસથી વહેતી ભક્તિની ગંગાનો ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મંગલ વિરામ થયો. શ્રદ્ધા, સંકલ્પ અને સમર્પણની જે જ્યોત પ્રગટી હતી, તેની ‘મહાપૂર્ણાહુતિ‘ અતિશય દિવ્યતા અને ભવ્યતા સાથે સંપન્ન થઈ.
પૂર્ણાહુતિના આ પવિત્ર દિવસે યજ્ઞકુંડની જવાળાઓ જાણે આકાશને આંબવા આતુર હતી. પૂજ્ય સદ્ગુરુ સંતોની ઉપસ્થિતિમાં, શાસ્ત્રોક્ત વિધિ મુજબ અનેક પ્રકારની દુર્લભ ઔષધિઓ, કિંમતી હવિષ્યાન્ન દ્રવ્યો, પવિત્ર વસ્ત્રો અને અમૃતતુલ્ય મિષ્ટાન્નનું ‘હવિષ્યાન્ન‘ યજ્ઞકુંડમાં હોમવામાં આવ્યું.
બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલા મધુર વેદમંત્રોના ગુંજારવથી વાતાવરણમાં એક અદ્ભુત ઉર્જાનો સંચાર થયો હતો. પ્રત્યેક આહુતિ સાથે ઉચ્ચારાતા ‘સ્વાહા‘ના નાદે ઉપસ્થિત હજારો ભક્તોના હૃદયને પવિત્રતાથી ભરી દીધા હતા.
આ મહાયજ્ઞની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેનો પ્રારંભ સાક્ષાત્ શ્રીઘનશ્યામ મહારાજની અનુજ્ઞાથી થયો હતો અને તેનો વિરામ પણ પ્રભનાં ચરણોમાં જ થયો. સ્થાપિત દેવતાઓના પૂજન બાદ, સંતો દ્વારા પવિત્ર કળશના જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો.
યજ્ઞ નારાયણના પ્રસાદ સ્વરૂપ પવિત્ર ‘યજ્ઞભસ્મ‘નું સંતો અને ભક્તોએ શ્રીઘનશ્યામ મહારાજના ભાલપ્રદેશ પર લેપન કર્યું.
મહાપૂર્ણાહુતિના દર્શન કરવા માટે માત્ર અમદાવાદ જ નહીં, પણ દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. ૨૧ દિવસના આ અખંડ અનુષ્ઠાનની પૂર્ણાહુતિના સાક્ષી બનવા માટે ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. સંતોના આશીર્વાદ અને યજ્ઞ નારાયણના દર્શન કરીને સૌએ ધન્યતા અનુભવી હતી.
આ મહાયજ્ઞના પાયામાં ધરબાયું હતું ભજનનું અલૌકિક પીઠબળ. ગુરુકુલ પરિવારના સંતો-ભક્તજનોએ મળી, યજ્ઞનિમિત્તે ચારસો કરોડ ઉપરાંત ‘સ્વામિનારાયણ‘ મહામંત્રનો જપ-અનુષ્ઠાન કર્યું હતું.
જ્યાં ભજનનાં વાવેતર હોય ત્યાં આવા અનુષ્ઠાનના ફળ પાકતા હોય છે. ખરેખર ગુરુકુલ પરિવાર દ્વારા જે પ્રકારે અનુષ્ઠાન થયું તેણે સાબિત કર્યું કે ગુરુકુલની પરંપરા આજે પણ વૈદિક આદર્શોને વરેલી છે. ૨૧ દિવસ સુધી ચાલેલો આ જ્ઞાન-યજ્ઞ ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.
જે જે ભક્તોએ મહાયજ્ઞનાં દર્શન કર્યા એ ભક્તોના પર એક જ ભાવ દેખાતો હતો – “ધન્ય છે આ ભૂમિ અને ધન્ય છે આ ભક્તિ ! ધન્ય છે સંતો અને ધન્ય છે આ મહામહોત્સવમાં જોડાયેલા ભક્તો !”
બહેનો દ્વારા ‘નિલકંઠ પૂજન’
યજ્ઞ મહોત્સવ દરમિયાન માત્ર હોમ-હવન જ નહીં, પરંતુ ભક્તિના અનેક સ્તરો ખીલી ઊઠયા હતા. જેમાં એક હૃદયસ્પર્શી અને શ્રદ્ધાસભર પ્રસંગ એટલે નિત્ય બપોરના સમયે બહેનો દ્વારા કરવામાં આવતું ‘શ્રી નિલકંઠવર્ણી પૂજન‘. યજ્ઞના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે નિત્ય બપોર પછીનો સમય ખાસ બહેનો માટે ફાળવવામાં આવ્યો હતો. સંસારની જવાબદારીઓ બાજુ પર મૂકી, દેશ-વિદેશથી પધારેલ હજારો બહેનો ભક્તો ભગવાનનાં ચરણોમાં પોતાની આસ્થા વ્યક્ત કરવા માટે એકત્ર થતી હતી. શ્રી નિલકંઠવર્ણીના પૂજન દરમિયાન યજ્ઞશાળાનું વાતાવરણ દૈવી મંત્રોથી ગુંજી ઊઠતું હતું. બહેનો દ્વારા સામૂહિક રીતે કરવામાં આવતા પાઠથી દિવ્યતા પ્રગટતી.
તપસ્વી મૂર્તિ શ્રી નિલકંઠવર્ણીનું પૂજન એ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે. બહેનો અત્યંત ભક્તિભાવ પૂર્વક ઠાકોરજીને પુષ્પ, ચંદન અને અક્ષત અર્પણ કરી અર્ચન કરતી હતી. આ પૂજન મહોત્સવ એ વાતનો પુરાવો છે કે માતૃશક્તિ જ્યારે ભક્તિના માર્ગે ડગ માંડે છે, ત્યારે તે સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી દે છે. શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે યોજાયેલું આ ‘નિલકંઠ પૂજન‘ સૌ બહેનો માટે જીવનભરનું સંભારણું બની રહ્યું.
માટીયાત્રા, યજ્ઞશાળા નિર્માણ, નિત્ય યજ્ઞશાળા સફાઈ વગેરે આરંભથી અંત સુધીની નાની નાની સેવાઓ કરીને બહેનો ભક્તોએ અલભ્ય લાભ લીધો. સાંખ્યયોગી બહેનોનાં માર્ગદર્શન પ્રમાણે નાના-મોટાના ભેદ ભૂલી બહેનો ભક્તો દ્વારા અવર્ણનીય સેવાઓ થઈ.
ધામધામથી સંતો – મહાપુરુષોનું આગમન
પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતીજી મહારાજ (મુનિજી) ઋષિકેશ – પૂજ્ય વિવેકસાગરદાસજી સ્વામી, રાજકોટ
પરમ પૂજ્ય જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ – અયોધ્યા, પરમ પૂજ્ય સદ્ગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી – ધ્રાંગધ્રા
પરમ પૂજ્ય ડો. સંતવલ્લભદાસજી સ્વામી – વડતાલ, પરમ પૂજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામી- કરમડ
પૂજ્ય સદ્ગુરુ નૌતમપ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્ય ધર્મપ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય નારાયણચરણદાસજી સ્વામી – વડતાલ
પૂજ્ય સદ્ગુરુ દેવપ્રસાદદાસજી સ્વામી – વંથલી, પૂજ્ય સદ્ગુરુ મોહનપ્રસાદાસજી સ્વામી- ધોરાજી, પૂજ્ય ન્યાલકરણદાસજી સ્વામી-કણભા, પૂજ્ય સત્યપ્રકાશદાસજી સ્વામી-હૈદ્રાબાદ
ગુરુકુલ પરિવારના આગેવાન ભકતો તથા પરમ પૂજ્ય સદ્ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી-ફરેણી, પૂજ્ય કૃષ્ણજીવનદાસજી સ્વામી-પીપલાણા
પરમ પૂજ્ય સદ્ગુરુ ધનશ્યામપ્રકાશદાસજી સ્વામી – લોયા, પરમ પૂજ્ય મુનિવલ્લભદાસજી સવામી – વડતાલ
આદરણીય સુકાંત સેનાપતિજી – વી.સી. સોમનાથ સં.યુનિ., આદરણીય જયેન્દ્રસિંહ જાદવ- મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી
પટેલ સમાજના આગેવાન ભક્તો તથા ગુરુકુલ પરિવારના આગેવાન ભક્તો
પૂજ્ય સદ્ગુરુ નિલકંઠચરણદાસજી સ્વામી – જેતપુર, પૂજ્ય પી.પી. સ્વામી, પૂજ્ય ધર્મકિશોરદાસજી સ્વામી, પૂજ્ય માધવજીવનદાસજી સ્વામી – જૂનાગઢ
પૂજ્ય સદ્ગુરુ પ્રેમપ્રકાશદાસજી સ્વામી-મોરબી, પૂજ્ય ભક્તિજીવનદાસજી સ્વામી – હરિયાળા, પૂજ્ય શ્રીરંગદાસજી સ્વામી
પૂજ્ય હરિજીવનદાસજી સ્વામી -ગઢપુર, પૂજ્ય સત્સંગભૂષણદાસજી સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી – સારંગપુર
ઋષિ પરંપરાનો ઉત્કર્ષ – પૂજન
કોઈપણ યજ્ઞની સફળતા તેના શુદ્ધ મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ પર નિર્ભર હોય છે. ૨૧ દિવસીય આ શ્રીમહાવિષ્ણુયાગનું જો કોઈ હાર્દ હોય, તો તે ‘દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય‘ના વિદ્વાન પંડિતો અને તેજસ્વી ઋષિકુમારો દ્વારા સંપન્ન થયેલી અદ્ભુત યજ્ઞવિધિ હતી.
પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે દાયકાઓ પહેલાં સંસ્કૃત પાઠશાળાનું જે બીજ રોપ્યું હતું, તે આજે વટવૃક્ષ બનીને ફળીભૂત થયું હોય તેવું પ્રતીત થતું હતું. પરમ પૂજ્ય સ્વામીજીના જતન અને માર્ગદર્શન હેઠળ આ પાઠશાળાએ એવા રત્નો તૈયાર કર્યા છે, જે આજે સનાતન સંસ્કૃતિના વાહક બન્યા છે.
૨૧ દિવસ સુધી મંત્રોની આરાધના કરનાર આચાર્યગણે વાતાવરણમાં દિવ્યતા ભરી દીધી હતી. આદરણીય આચાર્ય શ્રી રામપ્રિયજી ગુરુજીના માર્ગદર્શન હેઠળ, પાઠશાળાના ગુરૂજનો તથા સંસ્થાના સમર્પિત ઋષિકુમારોએ એકવીસ દિવસ સુધી અવિરત શાસ્ત્રોક્ત મર્યાદા જાળવીને યજ્ઞ કાર્ય સંપન્ન કર્યું. તેમના શુદ્ધ ઉચ્ચારણ અને વિધિ પ્રત્યેની ચોકસાઈએ ઉપસ્થિત હજારો ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે આ ઋષિકુમારોના મુખેથી સામૂહિક વેદઘોષ થતો, ત્યારે જાણે આખું આકાશ ગુંજી ઊઠતું અને ભક્તોના હૃદયમાં ‘અહો.. અહો..‘ નો ભાવ જાગતો.
વૈદિક પરંપરામાં જ્ઞાન અને વિદ્વત્તાનું સ્થાન સર્વોપરી છે. યજ્ઞની પૂર્ણાહુતિના પવિત્ર સમયે એક અભૂતપૂર્વ દૃશ્ય સર્જાયું. ૨૧ દિવસ સુધી જેમણે દેવતાઓનું પૂજન કરાવ્યું, તેવા આ બ્રહ્મદેવો અને ઋષિકુમારોનું પૂજ્ય સદ્ગુરુ સંતોએ સ્વયં પૂજન કર્યું. સંતોએ આ વિદ્વાનોની સેવા અને વિદ્વત્તાને બિરદાવી ધન્યતા અનુભવી હતી.
અક્ષર દેહે ભક્તિ : સવાલક્ષ મહામંત્ર લેખન અભિયાનનો મંગલ પ્રારંભ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદના ૫૦ વર્ષની ભવ્ય સફર એટલે કે ‘સુવર્ણ જયંતી મહોત્સવ‘ના પાવન અવસરે, ભક્તોની લેખની દ્વારા ભગવાનની સ્મૃતિ અંકિત થાય તેવા દિવ્ય હેતુથી સદ્ગુરુ સંતોના હસ્તે ‘સવાલક્ષ મહામંત્ર લેખન અભિયાન‘નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાનની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે, સવા લાખ મંત્રોનો સમાવેશ થઈ શકે તેવી એક જ વિશાળ કદની અજોડ મંત્રબુક તૈયાર કરવામાં આવી છે. આ મહા-અભિયાનમાં અંદાજે ૩૦૦૦ પરિવારો એકસાથે જોડાશે અને પોતાની આસ્થાને અક્ષર દેહે વ્યક્ત કરશે.



