પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનું અમૃતપર્વે ભવ્ય સન્માન
પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પોતાના જીવનના પંચોતેર વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. પૂજ્ય સ્વામીજીએ પોતાના આ દીર્ઘ જીવનકાળ દરમિયાન ઉચ્ચ સાધના, શિક્ષણ અને લોકકલ્યાણના અનેક સેવા કાર્યો કર્યા છે. હિન્દુ ધર્મ તથા સંસ્કૃત-સંસ્કૃતિનો દેશ-વિદેશમાં પ્રચાર-પ્રસાર કરી સત્સંગ અને સમાજના ખૂબ પ્રિયપાત્ર થયા છે. આ અવસરે સ્વામિનારાયણ સંપ્રદાય પણ સ્વામીજીના જીવનકાર્યોથી ગૌરવ અનુભવે છે. ત્યારે વડતાલ ખાતે શિક્ષાપત્રી તથા આચાર્ય સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે સંપ્રદાયના આચાર્યશ્રી પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ રાકેશપ્રસાદજી મહારાજ તથા વડતાલ ટેમ્પલ બોર્ડ, જુનાગઢ ટેમ્પલ બોર્ડ, ગઢપુર ટેમ્પલ બોર્ડ, સત્સંગ મહાસભા તથા અન્ય ધામોના વડીલ સંતોએ પૂજ્ય સ્વામીજીનો ભવ્ય સત્કાર કર્યો હતો.
આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનશ્રી પરમ પૂજ્ય સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન સંત છે. તેઓ સમસ્ત સંપ્રદાયનું આભૂષણ છે. એમની કલમે લખાયેલો ગ્રંથ સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીમાં અભ્યાસક્રમમાં સામેલ છે. એમની કલમ, એમનું વૈદુષ્ય એમનો સનાતન ધર્મના ધર્મગુરુઓ સાથેના વર્ષોના સંબંધોનું ફળ વડતાલમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનું જ એક અંગ છે તે બાબતની સ્થાપના પૂજ્ય સ્વામીજી દ્વારા અહીં જ ધર્મગુરુઓના સાંનિધ્યમાં થઈ છે. આ ઉપરાંત એમના દ્વારા અનેક સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય ક્ષેત્રે સેવાકાર્યો થયા છે. પૂજ્ય સ્વામીજીના આ તમામ સત્કાર્યોને આજે વડતાલ ટેમ્પલ બોર્ડ, જૂનાગઢ ટેમ્પલ બોર્ડ, ગઢપુર ટેમ્પલ બોર્ડ તથા સત્સંગ મહાસભા વધાવે છે અને બહુમાન કરે છે.
આ પ્રસંગે પરમ પૂજ્ય ધર્મધૂરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે પૂજ્ય સ્વામીજીને સન્માનપત્ર અર્પણ કરાયું હતું. પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પૂજ્ય સ્વામીજીની સાથે રહીને આ સન્માન સ્વીકાર્યું હતું. પૂજ્ય મહારાજશ્રી સાથે પરમ પૂજ્ય શ્રી સંતવલ્લભદાસજી સ્વામી (ચેરમેનશ્રી વડતાલ), પરમ પૂજ્ય શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી (કોઠારીશ્રી વડતાલ), પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિજીવનદાસજી સ્વામી (ચેરમેનશ્રી ગઢપુર), પરમ પૂજ્ય શ્રી પી.પી. સ્વામી (ચેરમેનશ્રી જૂનાગઢ), પરમ પૂજ્ય શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી (મહંતશ્રી જુનાગઢ), પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ), પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સરધારધામ) ઉપરાંત ત્રણેય બોર્ડના સભ્યો તથા અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સભામાં ઉપસ્થિત હજારો સંતો-ભક્તોએ પૂજ્ય સ્વામીજીના આ સન્માનને તાળીનાદ તથા ભગવાનના જયનાદથી વધાવી લીધું હતું.



