Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Sundarkand Anushthan, Savannah USA – 2025

સુંદરકાંડ અનુષ્ઠાન, સવાનાહ

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અમેરીકાની સત્સંગ યાત્રાના પ્રારંભે એસજીવીપી ગુરુકુલ – અમેરીકા ખાતે પધાર્યા. સવાનાહ, જ્યોર્જિયા સ્થિત આ ગુરુકુલમાં ‘શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર’ છે. અહીં ૧૮ એકર વિસ્તારમાં માનસરોવર શોભે છે. માનસરોવરની મધ્ય ભાગમાં સર્વેશ્વર ધામનું નિર્માણ કરવામાં આવેલ છે. સર્વેશ્વર ધામમાં ભગવાન નીલકંઠવર્ણી તથા ભગવાન મહાદેવજી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે.

હવે અહીં સર્વેશ્વરધામમાં ચૈત્રી પૂર્ણિમાએ ભગવાન શ્રીહરિના દશાવતાર, બર્ફાની બાબા શ્રી અમરનાથ મહાદેવજી તથા શ્રી હનુમાનજી મહારાજની વિશાળ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે.

આ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને સ્વામીશ્રીની આજ્ઞાથી અહીં રહીને સેવા બજાવનારા સંતો શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજી, શાસ્ત્રી વેદાંતસ્વરૂપદાસજી તથા શાસ્ત્રી શુકવલ્લભદાસજી વગેરેની પ્રેરણાથી સવાનાહમાં નિવાસ કરતા ભાવિક ભાઈ-બહેનોએ સુંદરકાંડના ૭૧ પાઠ કર્યા, હનુમાન ચાલિસાના ૧,૧૧,૦૦૦ પાઠ કર્યા. આ ભવ્ય અને દિવ્ય અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે પૂજ્ય સ્વામીશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે હૃદયની પ્રસન્નતા વ્યક્તિ કરતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, વિદેશની ધરતી ઉપર આપ સર્વેએ આવડું મોટું અનુષ્ઠાન કર્યું એ જાણીને અત્યંત આનંદ થયો. આ અનુષ્ઠાનથી શ્રીહરિ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે. શ્રીહરિ આપણા સર્વના જીવનને સત્યમ્, શિવમ્, સુંદરમ્ બનાવે. આપણને સર્વને હનુમાનજી મહારાજ જેવી શક્તિ અને ભક્તિ પ્રાપ્ત થાય એવી અમે શ્રીહરિજીના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ.

આ દિવ્ય ભક્તિસભર અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે અમારે ઉપસ્થિત રહેવાનું થયું, એને અમે પણ અમારા સદ્ભાગ્ય માનીએ છીએ. વિદેશની ધરતી ઉપર આવું ભવ્ય અને દિવ્ય અનુષ્ઠાન કલ્પના બહારનું છે. આપ સર્વ ભક્તજનોને આ રીતે પ્રેમથી ભજન, સત્સંગ કરતા જોઈને આ મંદિર કરવું સાર્થક લાગી રહ્યું છે.”

આ મંગલ અવસરે વિશાળ સંખ્યામાં પધારેલા ભક્તજનોએ ખૂબ જ ઉમળકાભેર પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કર્યું હતું. સ્વામીશ્રીની મહિમાસભર વાણીમાં ભગવદ્ કથાનું શ્રવણ કરીને સૌ ભક્તજનો પ્રસન્ન થયા હતા. સભાને અંતે શ્રી હનુમાનચાલિસા પાઠ, આરતી દર્શન કરી સૌએ પ્રસાદ લીધો હતો.

બીજે દિવસે સ્વામીશ્રીના પાવન સાનિધ્યમાં ભગવાન શ્રીરામચંદ્રજી તેમજ શ્રીઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો હતો.

Achieved

Category

Tags