Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shreemad Bhagawat Katha – Junagadh 2023

Photo Gallery

ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગુણાતીત સંત દ્વારા સોરઠની ધરતી ખૂબ પાવન થઈ છે. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રાગટ્યભૂમિ જ ગરવા ગિરનારની ગોદ રહી છે. એમાં પણ જૂનાગઢ તો પુરાણું તીર્થ છે. અહીં સ્વયં શ્રીહરિએ સ્વહસ્તે રાધારમણદેવ, રણછોડ-ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવ પધરાવી કલ્યાણનું સદાવ્રત ખોલ્યું છે. આવા પવિત્ર ધામને ૧૯૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે SGVP ગુરુકુલ પરિવાર દ્વારા ૧૯૫માં પાટોત્સવ નિમિત્તે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ ૫ થી ૧૧ મે, ૨૦૨૩ દરમિયાન પાટોત્સવ અંતર્ગત અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં શ્રીમદ્‌ ભાગવત કથા, ૧૯૫ કલાકની અખંડ ધૂન, રાજોપચાર પૂજન, સર્વરોગ નિદાન કેમ્પ, ફલકૂટ, અન્નકૂટ, મહાભિષેક, ગોળની હાટડી, ચપ્પલ વિતરણ જેવા આયોજનોથી દેવસેવાની સાથે સાથે દરિદ્રનારાયણની સેવા કરાઈ હતી.

દેવોનો ૧૯૫મો પાટોત્સવ હોવાથી મહોત્સવ પૂર્વે ૧૯૫ કલાકની અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જૂનાગઢ મંદિરમાં હતા ત્યારે અનેકવાર અખંડધૂનના આયોજનો કરતા. એ સ્મૃતિને તાજી કરી આઠ દિવસની ધૂનમાં જૂનાગઢ દેશના વિવિધ ગામોમાંથી હરિભક્તોએ પધારી ધૂનનો લાભ લીધો હતો.

આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વ્યાસાસને બિરાજી શ્રીમદ્‌ ભાગવતની કથાનું રસપાન કરાવ્યું હતું. પૂજ્ય સ્વામીજીએ પોતાની વિદ્વત્તાસભર વાણી દ્વારા ભાગવતની કથાના રહસ્યોને ઉજાગર કરી અદ્‌ભૂત કથાપ્રવાહ વહાવ્યો હતો. કથા અંતર્ગત શ્રીરામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધનલીલા, રૂક્મણી વિવાહ જેવા પ્રસંગોને ખૂબ જ ધામધૂમથી ઉજવ્યા હતા.

રાધારમણદેવનું સાંનિધ્ય અને ગુણાતીત બાગમાં કથા કરવાનો ઉત્તમ લહાવો મળવાની પ્રસન્નતા પ્રગટ કરતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણની આ વિચરણભૂમિ છે. અહીં ગુણાતીત ગુરુઓએ સંતો-ભક્તોને સર્વોપરી ભગવાન શ્રીહરિના સ્વરૂપનું અમૃતજ્ઞાન પીરસ્યું છે. આ ભૂમિમાં પર્વતભાઈ જેવા બ્રહ્મનિષ્ઠ ગૃહસ્થો અને અનેક સાક્ષાત્કારી સંતો પાક્યા છે. રાધારમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના સાંનિધ્યમાં રહીને સાધારણ જીવ દેહાતીત અવસ્થાને પામ્યા હતા. આ સ્થાનમાં અમારી વાણી પાવન થઈ છે. યજમાન ગોવિંદભાઈ બારસિયાએ ખરેખર આ પ્રસંગે સેવાનો લાભ લઈ પોતાનું મોક્ષકાર્ય સાધી લીધું છે. એમની ગુરુકુલ અને સંતો પ્રત્યેની નિષ્ઠા અજોડ છે. એમના પરિવારમાં પણ એ સંસ્કારોનું સિંચન થયું છે તેથી અત્યંત પ્રસન્ન થવાય છે.

ખાસ કરીને દેવોના પાટોત્સવ પ્રસંગે વડતાલ પીઠાધીપતિ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ તથા ગાદીવાળા માતુશ્રીએ પધારી મહોત્સવને કળશ ચડાવ્યો હતો. પાટોત્સવ પ્રસંગે વિવિધ ઔષધિદ્રવ્યો, ફળોના રસ, કેસર-ચંદન લેપ તથા વિવિધ દ્રવ્યો દ્વારા પૂજ્ય મહારાજશ્રી, લાલજી મહારાજ, પૂજ્ય સ્વામીજી તથા સંતોએ સાથે મળી દેવોના અભિષેકનાં દર્શન કરાવ્યા હતા.

આ સાથે દેવોને ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો, જેનો પ્રસાદ દરિદ્રનારાયણને વહેચવામાં આવ્યો હતો. ઉપરાંત હજાર જોડી ચપ્પલનું વિતરણ જૂનાગઢ શહેરમાં વસતા દરિદ્રનારાયણને કરવામાં આવ્યું હતું. પાટોત્સવ અંતર્ગત વિદ્વાન પંડિતોએ દેવોનું દિવ્ય-ભવ્ય રાજોપચાર પૂજન કરાવ્યું હતું.

આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, લાલજી મહારાજે સભામાં ઉપસ્થિત રહી દર્શન-આશીર્વાદનો લાભ આપ્યો હતો. પૂજ્ય મહારાજશ્રીએ જૂના સંતો અને ભક્તોના દાખડાને સંભારી ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતોને સાચવી રાખવાની તથા સત્સંગના બગીચાનું પોષણ કરતા રહેવાની પ્રેરણા આપી હતી. પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સાતેય દિવસ ઉપસ્થિત રહી અલભ્ય લાભ આપ્યો હતો. વડતાલ, ધોલેરા, ગઢપુર વગેરે ધામોમાંથી મોટી સંખ્યામાં સંતોએ પધારી યજમાનોને શુભાશીર્વાદ પાઠવ્યા હતા.

આ દિવ્ય આયોજનમાં ગુરુકુલના નિષ્ઠાવાન સેવક અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર ભક્ત ગુંદાસરા નિવાસી હરદાસભાઈ બારસિયાના પરિવારે યજમાન તરીકે લાભ લીધો હતો. ખાસ કરીને ગોવિંદભાઈનું સમર્પણ, સમજણ અને નિષ્ઠાના કારણે આવું અદ્‌ભૂત આયોજન જૂનાગઢને આંગણો યોજાયું હતું.

પૂજ્ય મહારાજશ્રી, પૂજ્ય સ્વામીજી તથા સંતોએ ગોવિંદભાઈ બારસિયા તથા એમના સુપુત્રો – અજય, વિપુલ, ભાઈઓ – ભીમજીભાઈ, કાનજીભાઈ, રમેશભાઈ, પરષોત્તમભાઈ વગેરે સમસ્ત પરિવારને રાજીપા સાથેના શુભાશીર્વાદ પાઠવ્યા હતા.

Achieved

Category

Tags