Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Bhav Vandana Parva SGVP 2022

Photo Gallery

તારીખ ૨૦ માર્ચ, રવિવાર ૨૦૨૨ના રોજ સાંજે ૫:૦૦ કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP, અમદાવાદ તે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં ભવ્ય-દિવ્ય ‘ભાવવંદના પર્વ’ ઉજવાઈ ગયો.

આ પર્વમાં ગુજરાત તથા દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ધર્માચાર્યો તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણસો જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પચ્ચીસ હજારથી વધારે ભક્તો ગ્રંથ પ્રકાશનના સાક્ષી બન્યા હતા.

ત્રણસો ફૂટ લાંબા સ્ટેજ ઉપર ૧૦૮ ધર્માચાર્યો તથા રાજદ્વારેથી પધારેલા મહાનુભાવોના હસ્તે એક સાથે જ્યારે એકસો આઠ કમળમાં સ્થાપિત ગ્રંથોનું વિમોચન થયું ત્યારે અદ્‌ભુત વાતાવરણ ખડું થયું હતું.

શ્રી ધર્મજીવન ગાથા ગ્રંથના વિમોચન સાથે જ ત્રણ રેકોર્ડ પણ સર્જાયા હતા. જેમાં પ્રથમ – વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘લાર્જેસ્ટ બાયોગ્રાફી બુક ઓન અ સેન્ટ’ (LARGEST BIOGRAPHY BOOK ON A SAINT TO BE PUBLISHED ON A SINGLE DAY)- વિશ્વમાં કોઈ સંતની સૌથી મોટી બાયોગ્રાફી, જેમાં ૪ હજારથી વધુ પાનાં હોય એવું પ્રથમ પુસ્તક.

બીજો – ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ‘લાર્જેસ્ટ કોંગ્રેગેશન ઇન અ બૂક લોંચિંગ સેરેમની’ (LARGEST CONGREGATION IN A BOOK LAUNCHING CEREMONY) – કોઈ પુસ્તકના વિમોચનમાં ૩૫ હજારથી વધુ લોકો આવ્યા હોય.

ત્રીજો – ‘યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મોસ્ટ પીપલ લોંચિંગ અ બુક સાઈમૂલટેણેનિયસલી’ (MOST PEOPLE LAUNCHING A BOOK SIMULTANEOUSLY)- ૧૦૮ યાંત્રિક કમળ પીઠ પર, ૧૦૮ સંતોની હાજરીમાં, છ ભાગમાં આલેખાયેલી બુકનું વિશાળ સ્ટેજ પર વિમોચનની પ્રથમ ઘટના.

આ ભાવવંદના પર્વ ગુરુકુલ સંસ્કૃતિના પુનરુદ્ધારક તથા સ્વામિનારાયણ સંપ્રદાયના દૂરંદર્શી સંતવિભૂતિ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના સમગ્ર જીવન અને દર્શન અંગે તૈયાર થયેલા ગ્રંથનાં વિમોચન નિમિત્તે ઉજવાયો.

ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રાણીમાત્રના કલ્યાણ માટે લખેલી શિક્ષાપત્રીને માધ્યમ બનાવી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ વિશ્વનું મંગલ કરનારી, ગંગા સમી ગુરુકુલ સંસ્કૃતિનું ધરતી ઉપર પુનઃસ્થાપન કર્યું અને ઈ.સ. ૧૯૪૮, વસંતપંચમીના રોજ ગુરુકુલની સ્થાપના થઈ.

શાસ્ત્રીજી મહારાજના આ કાર્યએ સમગ્ર ભારતમાં શિક્ષણ ક્ષેત્રને નવી દિશા બતાવી, શૈક્ષણિક જગતની કાયાપલટ  કરી અને માનવજાત માટે કલ્યાણકારી સેવાઓનો રાજમાર્ગ કંડાર્યો.

આવા મહાન સંતનું જીવનચરિત્ર સાંગોપાંગ લખવું એ પણ એક મહાન કાર્ય છે. આ મહાકાર્યને શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય વિદ્વત્‌ભૂષણ અને SGVPના અધ્યક્ષ પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સાકાર સ્વરૂપ આપ્યું છે. કુલ છ ભાગ અને ચાર હજાર પેજમાં કંડારાયેલો આ વિશાળ અને પ્રેરણાદાયી આ ગ્રંથ પૂજ્ય સ્વામીના સાત વર્ષના પુરુષાર્થ પછી તૈયાર થયો છે.

ગ્રંથ વિમોચન પ્રસંગે રાજદ્વારેથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુયલ હાજરી આપી હતી અને સંસ્થા તથા સંતો સાથેના સંસ્મણો વાગોળતા જણાવ્યું હતું કે, SGVP કેમ્પસમાં પ્રવેશતા જ હૃદયમાં શાંતિ થાય છે. મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન મારે અનેકવાર અહીં આવવાનું થયું છે. પૂજ્ય માધવપ્રિયદાસજીએ આટલો વિશાળ ગ્રંથ લખીને સાહિત્યક્ષેત્રે ખૂબ મોટું કાર્ય કર્યું છે. મહાપુરુષોના જીવન હંમેશા પ્રેરણાદાયી હોય છે. સ્વામી ધર્મજીવનદાસજીનું જીવન આ ગ્રંથ દ્વારા અનેક લોકો સુધી પહોચશે અને અધ્યાત્મનું પોષણ કરશે. અમારું અભિયાન ‘સબકા સાથ સબકા વિશ્વાસ’ એ ધર્મજીવનદાસજી સ્વામીના જીવનઉપદેશનો જ એક વિચાર છે.

કેન્દ્રિય કૃષિમંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ પોતાની વાતમાં જણાવ્યું હતું કે, શ્રી ધર્મજીવન ગાથા ગ્રંથ અનેક વિષયોને કેન્દ્રમાં રાખીને લખાયો છે. દરેક લોકોને આ ગ્રંથ અદ્‌ભુત પ્રેરણા આપશે એનો મને વિશ્વાસ છે.

ગ્રંથના લેખક અને સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, આ ગ્રંથમાં કોઈ વ્યક્તિના ગુણ નથી ગવાયા, પરંતુ સર્વ સાધકોના સાધ્ય પરમાત્માના ગુણ ગવાયા છે. ગ્રંથનો હાર્દ ભગવાન શ્રી સ્વામિનારાયણની ‘સદ્‌વિદ્યા પ્રવર્તન’ અને ‘સર્વજીવહિતાવહ’ આજ્ઞાઓ છે. આ બે આજ્ઞાના સહારે ગુરુદેવે શિક્ષણ અને સમાજસેવાના ખૂબ મોટા કાર્યો કર્યા છે. અમે તો કેવળ નિમિત્ત છીએ, લખનારા તો સ્વયં સદ્‌ગુરુ અને ભગવાન શ્રીહરિ છે.

આ ઉપરાંત વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ ડી. એન. પટેલસાહેબ વગેરેએ પ્રકાશિત બુકની મહત્તા તથા સમાજ ઉપયોગિતા જણાવી, પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી દ્વારા થતાં ગુરુકુલના સેવાકાર્યોને બિરદાવ્યા હતાં.

ગુજરાતના વિવિધ પ્રાંતોમાંથી મોટી સંખ્યામાં ધર્મગુરુઓ પધાર્યા હતા. જેમાં પૂજ્ય અવિચલદાસજી મહારાજ – સારસા, પૂજ્ય પરમાત્માનંદજી મહારાજ – રાજકોટ, પૂજ્ય દિલીપદાસજી મહારાજ – જગન્નાથ મંદિર અમદાવાદ, પુજ્ય કૃષ્ણમણિજી મહારાજ – જામનગર, પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ – આણંદબાવા આશ્રમ જામનગર, પૂજ્ય ચૈતન્યશંભુ મહારાજ – અમદાવાદ વગેરે ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત પૂજ્ય પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી – ગાંધીનગર, પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળ, પૂજ્ય નૌતમપ્રકાશદાસજી સ્વામી – વડતાલ, પૂજ્ય ધર્મપ્રિયદાસજી સ્વામી-ધંધુકા, પૂજ્ય મોહનપ્રસાદદાસજી સ્વામી – ધોરાજી, પૂજ્ય નિલકંઠચરણદાસજી સ્વામી – જેતપુર, પૂજ્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામી – સરધાર, પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી – વડતાલ વગેરે ત્રણસો ઉપરાંત સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags