Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

પુષ્પદોલ મહોત્સવ – ગુરુકુલ અમદાવાદ

પુષ્પદોલ ઉત્સવ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદ ખાતે દર વર્ષની માફક આ વરસે પણ સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની નિશ્રામાં તેમજ હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં ફુલદોલોત્સવ રંગભેર આનંદ સભર ઉજવાયો હતો.

કાર્યક્રમની શરુઆતમાં હસમુખ પાટડીયા, ઘનશ્યામ ભગત, વિજય ભરાડ વગેરેએ ‘‘ રંગકી ધૂમ મચાવી રે રંગભીના’’ ગવરાવી સૌ કોઇને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા. ત્યારબાદ સંસ્કૃતના પંડિત શ્રી લક્ષ્મીનારાયણજી તથા ઋષિકુમારો દ્વારા વેદના મંત્રો સાથે ઠાકોરજીનું ષોડશોપચારથી ૧૦૮ જનમંગલ નામાવલીથી પૂજન કરવામાં આવ્યું હતું. આજથી બસો વર્ષ પૂર્વે વડતાલ જ્ઞાનબાગમાં યોજાયેલ ફુલદોલોત્સવ પ્રસંગે સદ્‌ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ સ્વયં બાર બારણાનો હિંડોળો બનાવી, ફુલોથી શણગારી ભગવાન શ્રી સ્વામિનારાયણને ઝુલાવ્યા હતા તે દિવ્ય સમૈયાની ઝાંખી રૂપે બાર બારણાના હિંડોળામાં ભગવાન શ્રી સ્વામિનારાયણને ઝુલાવ્યા હતા.

પૂજન બાદ વૈદિક મંત્રો સાથે ૧૨૦૦ કિલો ગુલાબ તથા અન્ય ફૂલોની પાંખડીઓથી મૂર્તિ ઢંકાઈ ગઈ હતી. ઘનશ્યામ મહારાજ પર ફૂલોની વર્ષા અભિષેક કર્યા બાદ કેસર-કેસુડાં મિશ્રિત જળથી સદ્‌ગુરુ સંતોએ ઠાકોરજી પર છંટકાવ કર્યો હતો.

પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યુ હતું કે આજ બદ્રિકાશ્રમવાસી શ્રી નરનારાયણ દેવનો પ્રાગટ્ય ઉત્સવ છે. આજે બદ્રિકારણ્યમાં મરિચ્યાદિક ઋષિ મહર્ષિઓ શ્રી નરનારાયણ દેવને ફુલોના હિંડોળામાં ઝુલાવતા હશે. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં જે હરિભકતો  પધાર્યા છે જોઇ અત્યંત આનંદ થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉત્સવિયા ભગવાન છે.આજથી બસો વર્ષ પૂર્વે જે ધાર્મિક મેળાઓ યોજાતા તે મેળાને સમૈયામાં ફેરવી ભકિતસભર બનાવ્યા છે.
વિદેશ સત્સંગ યાત્રાએ ગયેલા સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યુ હતું કે ભારત એક સંસ્કારની ભૂમિ છે. તેથી તેના ઉત્સવો પણ સંસ્કારમય હોય છે. વિશ્વમાં ભારત જેવો કોઇ દેશ નહીં હોય કે જ્યાં સતત ઉત્સવો ઉજવાતા હોય. ભારતીય સંસ્કૃતિની તોલે કોઇ દેશની સંસ્કૃતિ આવે નહીં. આપણો ભારત દેશ સમૃદ્ધ અને સુખી છે કારણકે આપણે સતત ઉત્સવો ઉજવતા હોઇએ છીએ.

પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીએ પોતાની હાસ્યસભર વાણીમાં ધુળેટી, વસંતોત્સવ, રંગોત્સવ, પુષ્પદોલોત્સવનો મહિમા સમજાવ્યો હતો. આપણા હર ઉત્સવમાં ભારતની અસ્મિતા પ્રગટ થાય છે. આપણા મંદિરો સંસ્કારના ધબકતા કેન્દ્રો -આસ્થાના પ્રતિકો છે. આપણા તમામ ઉત્સવો આપણને પ્રેરક બળ પુરું પાડે છે. જેમાં આનંદ ઉલ્લાસ ન હોય તે ઉત્સવ કહેવાય નહીં. પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ જણાવેલ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે હોળી જેવા તહેવારને કાદવ કીચડ ઉડાડવાને બદલે ફુલદોલમાં ફેરવી નાખી ભક્તિમય બનાવી નાંખ્યો છે. આ પ્રસંગે હાસ્યકલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીએ દ્વારા હાસ્યસભર પ્રાસંગિક પ્રવચન બાદ મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ જુદા જુદા ઉત્સવ નૃત્યો કર્યા હતા.

સદ્‌ગુરુ સંતોએ ધાણી, ખજુર, ચોકલેટના ફગવા આપ્યા બાદ શ્રીહરિના અભિષેકના પ્રસાદીભૂત પુષ્પો અને ગુલાલથી સર્વે ઉપસ્થિત ભક્તજનોએ ભક્તિભાવ અને ઉત્સાહથી, કીર્તનોની રમઝટ સાથે રંગોત્સવ મનાવ્યો હતો.
Picture Gallery
 

 

Achieved

Category

Tags