Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Param Pujya Purani Swami : Aksharavas, 2022

Photo Gallery

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ સંસ્થાના પવિત્ર અને ભજનાનંદિ સંત પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તારીખ ૧૨ એપ્રિલ ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે હરિસ્મરણ કરતા કરતા અક્ષરવાસી થયા છે.

આ યજ્ઞપ્રિય, ભજનાનંદી સંતવર્ય પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતાં વૈદિક પરંપરા મુજબ પરમહંસો માટે અંતિમ સંસ્કાર બ્રહ્મમેધ સંસ્કાર સાથે અગ્નિ સંસ્કાર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થધામ ગઢપુર ખાતે ઉન્મત ગંગાકિનારે અગ્નિ સંસ્કાર સંપન્ન થયો.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મૂર્ધન્ય સંતોએ શ્રદ્ધા સુમન સાથે ભાવાંજલિ અર્પણ કરી.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મંત્રીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા SGVP સંસ્થામાં ખાસ પધાર્યા.

પુરાણી સ્વામી નામ થી પ્રસિદ્ધ તેમજ યજ્ઞ અનુષ્ઠાનમાં સાથે સેવા અને ભજનના આરાધક સંતવર્ય ભક્તિપ્રકાશ દાસજી સ્વામી એક ઉત્તમ સંતને શોભે એવું જીવન પૂર્ણ કરીને ભગવાન શ્રીહરિના અક્ષરધામમાં બિરાજમાન થઈ ગયા.

પૂજ્ય પુરાણી સ્વામીના અક્ષરવાસથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એસજીવીપી સંસ્થા પરિવાર સહિત દેશ-વિદેશમાં વસતા સત્સંગ પ્રેમી ભક્તજનોમાં ઉંડા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

આ સંતવર્યના અંતિમ સંસ્કાર વિધિ દર્શનીય તેમજ પ્રેરણાત્મક રહ્યા કારણ કે એસજીવીપી સંસ્થાનના અધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાન અને ભક્ત પંડિતવર્ય શ્રીરામપ્રિયજી આયંગર તેમજ લક્ષ્મીનારાયણ ભટ્ટ, ભગીરથ ત્રિવેદી, ચિંતન શાસ્ત્રી, યોગેશ પંડ્યા સહિત અનેક પંડિતોની હાજરીમાં વૈદિક વિધિ સાથે વૈષ્ણવી પરંપરા પ્રમાણે પરમહંસ બ્રહ્મમેધ સંસ્કાર કરાયો હતો.

અંતિમવિધિમાં હાજર રહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મંત્રીઓ અને અધિકારીઓએ પૂજ્ય પુરાણી સ્વામીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જુનાગઢ ના સંચાલક પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીએ પુરાણી સ્વામીના સદગુણોને યાદ કરીને તેમજ ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજના અંતેવાસી સમાન સંત પ્રત્યે શોકપૂર્ણ હૃદય સાથે ભાવપૂર્ણ અભિવ્યક્ત કરી હતી.

કુંડળધામ ના પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એ આ સંતવર્ય ને સંપ્રદાયના સંત જીવનના આધાર સમા ગણાવીને શાસ્ત્રીજી મહારાજનો યજ્ઞ અનુષ્ઠાનમાંનો વારસો જાળવણી કરનાર સંત તરીકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી સ્વામિનારાયણ મંદિર સરધારધામ થી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીએ પૂજ્ય પુરાણી સ્વામીને વીસમી સદીના અને ૨૧મી સદીના સેતુ સમાન ગણાવીને નિર્દંભ, નિખાલસ, નિર્મત્સર સંતને ભાવાંજલિ અર્પણ કરી હતી.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના મુખ્ય કોઠારી ડોક્ટર સ્વામી સંતવલ્લભદાસજીએ પુરાણી સ્વામી ને સંત જીવનના આદર્શ ગણાવ્યા હતા.

એસજીવીપી સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પુરાણી સ્વામીની અનુષ્ઠાન પરંપરા અને યજ્ઞ પરંપરાને સદાય જીવંત રાખવા માટે આગામી આયોજન અંગે જાહેરાત કરીને ગદગદ હૃદયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

એસજીવીપી સંસ્થાના પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સંતવર્ય પુરાણી સ્વામીને ભજન સાથે સેવા નિષ્ઠા અને નિર્દોષ જીવન જીવનારા સંત તરીકે બિરદાવીને એમના જીવનમાંથી પ્રેરણા લેવાની ખાસ ભલામણ કરી હતી.

પુરાણી સ્વામી મૂળભૂત રીતે ગઢપુરના સંત હોવાથી તેમના અંતરમાં હંમેશા ગઢપુર ધામ અને શ્રી ગોપીનાથજી મહારાજ પ્રત્યે અનન્ય નિષ્ઠા હતી છતાં પણ તેમણે આજીવન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ અને એસજીવીપી સંસ્થાનમાં પોતાના સમગ્ર જીવનની સેવાઓ અર્પણ કરતા કરતા હંમેશા વિવિધ અનુષ્ઠાનો અને યજ્ઞ પરંપરાનું વહન કરતા રહ્યા હતા.

પુરાણી સ્વામીની અંતિમ ઇચ્છા મુજબ તેમના અગ્નિસંસ્કાર શ્રીગઢપુર ધામ ખાતે ઘેલા નદીના કિનારે કરવામાં આવ્યો હતો.

ગઢપુર ગોપીનાથજી મહારાજના પ્રાંગણમાં યોજાયેલી અક્ષરવાસી સંતની અંતિમ સભામાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો સંતો તેમજ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ સંતોએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

ગઢપુર શ્રી સ્વામિનારાયણ મંદિરના ટેમ્પલ બોર્ડની કમિટીના ચેરમેન સ્વામીશ્રી શાસ્ત્રી હરિજીવનદાસજી સ્વામીએ પુરાણી સ્વામીને ગઢપુરધામ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તેમજ સમગ્ર સંપ્રદાયના શ્રેષ્ઠ સંત, છતાં સેવક સંત ગણાવીને ભાવાંજલિ અર્પણ કરી હતી.

અંતિમ વિધિ પહેલા સરધારથી નિત્યસ્વરુપદાસજી સ્વામી, ગઢડા મંદિરથી ચેરમેન હરિજીવનદાસજી સ્વામી, કોઠારી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી, રાજકોટ ગુરુકુલના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામિ, જુનાગઢ ગુરુકુલથી જ્ઞાનસ્વરુપદાસજી સ્વામી, સુરત ગુરુકુલથી ધર્મવલ્લભદાસજી સ્વામી, તરવડાથી કૃષ્ણપ્રિયદાસજી સ્વામિ, કુંડળથી જ્ઞાનજીવન સ્વામી, જેતપુરથી નિલકંઠદાસજી સ્વામી, ભૂજ મંદિરથી શૌનકદાસજી સ્વામી, વડતાલ ચેરમેન દેવપ્રસાદદાસજી સ્વામી, ડો. સંતવલ્લભદાસજી સ્વામી, ધેલા કાંઠેથી ભકિતપ્રિયદાસજી સ્વામી, ઢસાથી ધર્મવિહારીદાસજી સ્વામી, ધ્રાંગધ્રાથી રામકૃષ્ણદાસજી સ્વામી, જુનાગઢથી દેવનંદનદાસજી તથા પ્રેમસ્વરુપદાસજી સ્વામી, હરિયાળાથી ભકિતજીવનદાસજી સ્વામી વગેરે સંતોએ ભાવાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે જે ગામને ગોકળિયું ગામ કહેલ તે સરધારની બાજુનું ભૂપગઢ ગામ, તે ગોપીનાથજી મહારાજનું ગામ કહેવાય છે. આ ગામમાં સત્સંગ માટે માથું આપે તેવા શૂરવીર ભકતો રહે છે. આ જ ગામમાં ભકત પરિવારમાં સ્વામી ભકિતપ્રકાશદાસજી સ્વામીનો જન્મ થયેલો. સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ ભકિતપ્રકાશદાસજી સ્વામીના નાનપણના જીવનનો પ્રસંગ વર્ણવતા જણાવ્યું હતું કે તેઓ એકવાર નાનપણમાં પુરાણી સ્વામી મૃતપ્રાય થઇ ગયેલ ત્યારે તેના પૂર્વાશ્રમના પિતાએ ગોપીનાથજી મહારાજને પાસે પાર્થના કરી કે જો  પુત્ર જીવતો થાય તો ગોપીનાથજી મહારાજને અર્પણ કરું. ભગવાનની ઇચ્છાથી પુત્ર જીવીત થયો ને તેમના પિતાશ્રીએ ગોપીનાથજી મહારાજને અર્પણ કરેલ. જેણે પ્રાણ આપ્યો તેને પ્રાણ લેવાનો પણ અધિકાર છે. એટલે  સ્વામી કહેતા કે ગોપીનાથજી મહારાજ તો મારા પ્રાણ છે. પુરાણી સ્વામી તો સંતો અને શાસ્ત્રીજી મહારાજ વચ્ચે કડી રુપ હતા. પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ જે યજ્ઞયાગાદિ પરંપરા ચલાવેલ તે તેમજ ચાલુ રહેશે.

આ સભામાં ઉપસ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ના મુખ્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે પુરાણી સ્વામીએ સ્વામિનારાયણના સંત કેવા હોય તે ઉદાહરણ પુરુ પાડ્યું છે. પુરાણી સ્વામી નિખાલસ, નિર્દોષ, સરળ અને અજાત શત્રુ સંત હતા.
આપ્રસંગે ગઢડા ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામીએ  જણાવ્યું હતું  કે પુરાણી સ્વામીએ પોતાના દેહનો અગ્નિસંસ્કાર ઘેલા કાંઠે થાય તે સંકલ્પે આજે હજારો ભકતો ગઢડા દર્શને આવેલ છે તે એક ચમત્કાર છે.પુરાણી સ્વામી તો અમારા દાદાગુરુ થાય. સ્વામિનારાયણના સંત કેવા હોય તે પ્રત્યક્ષ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ પોતાનો સંકલ્પ જાહેર કરેલ મારા દેહનો અગ્નિસંસ્કાર ગઢડામાં ઘેલા કાંઠે કરવો. તેના સંકલ્પ પ્રમાણે સ્વામીજીના પાર્થિવ દેહને ગઢપુર મંદિરથી ઘેલા નદી સુધીના માર્ગ પર પાલખીમાં પધરાવીને સમગ્ર ગઢપુરધામમાં ધુન ભજન સાથે પાલખી યાત્રા સંપન્ન કરવામાં આવી અને સાંજે પવિત્ર તીર્થ ઘેલા નદીના કિનારે વૈદિક વિધિ વિધાન મંત્રોચાર અને ધૂન ભજન સાથે પૂજ્ય પુરાણી સ્વામીના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે હજારો હરિભકતોએ અશ્રુભીની આંખોએ સ્વામીને વિદાય આપી હતી. આ પ્રસંગે વિદેશથી ખાસ કરીને લંડનથી રવજીભાઇ હિરાણી, ગોવિંદભાઇ રાઘવણી, કરશનબાપા રાઘવાણી, ગોવિંદભાઇ કેરાઇ, શશીભાઇ વેકરિયા, તરુણ કાનાણી, યતિન પટેલ, પ્રદીપ પટેલ તેમજ દુબઇથી પ્રકાશભાઇ, અપૂર્વભાઇ, મહેન્દ્રભાઇ ધંધુકિયા અને આફ્રિકાથી કપુરચંદબાપા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags