Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

જળ ઝીલણી મહોત્સવ, દ્રોણેશ્વર

સતી, શુરા, સિંહ અને સત્પુરુષોના નિવાસથી અનેરી ભાત પાડનારો પ્રદેશ એટલે નાઘેર- બાબરિયાવાડ. આ પ્રદેશમાં આજથી પાંચેક હજાર વર્ષો પૂર્વે પાંડવગુરુ દ્રોણાચાર્યજીએ મચ્છુન્દ્રીના કિનારે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આજે  પણ તે મહાદેવજીના મસ્તક ઉપર સતત -અવિરત જલધારા વહી રહી છે.

ઉના પંથકના નાઘેર -બાબરિયાવાડના તીર્થધામ દ્રોણેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીના સાનિધ્યમાં જલઝીલણી મહોત્સવ, વરસાદી વાતાવરણ હોવા છતાં ઉના પંથકના ચાલીસેક ગામોમાંથી આવેલા હજારો ભાવિક ભકતોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાયો હતો.

પ્રથમ વહેલી સવારે ૮-૩૦ કલાકે ફાટસર મંદિરથી ભવ્ય ઠાકોરજીની શોભાયાત્રા નીકળી હતી. જેમાં ફાટસર ઇંટવાયા વગેરેના ભાવિકો પોતાના શણગારેલા ટ્રેકટર અને બેંડવાજા સાથે જોડાયા હતા. કાર્યક્રમની શરુઆતમાં પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શણગારેલ હોડીમાં ઠાકોરજીને પધરાવી પ્રથમ આરતી ઉતારી ત્યારે ચારે બાજુ જયજયકાર થઇ ગયો હતો.

ત્યારબાદ અમેરિકા સત્સંગ વિચરણ કરી રહેલ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનિક માધ્યમથી સૌ હરિભકતોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ખરેખર મચ્છુનદીને કિનારે અને એમાંય દ્રોણેશ્વર મહાદેવજીની સાનિધ્યમાં જલઝીલણીનો ઉત્સવ માણવો એ મહદ્ ભાગ્ય છે. આ નાઘેર પંથક મહાતીર્થ રુપ છે. કારણકે ઘણા વર્ષો પૂર્વેથી સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પૂજય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય  શ્રી જોગી સ્વામી વગેરે સંતોએ ગામડે ગામડે ફરી આ ધરાને પાવન કરી છે. આ નાઘેર પંથકમાં દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં ગુરુકુલ દ્રોણેશ્વર શરુ થઇ રહેલ છે તો તેની તન,મન અને ધનથી સેવા કરજો.

આ પ્રસંગે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ખરેખર આજે આપણે આ જળઝીલણી એકાદશીનું પર્વ ઉજવી રહ્યા છીએ તે ચમત્કાર છે. કાલે જ પુષ્કળ વરસાદ થવાને કારણે સાંજ સુધી તો આપણે જ્યાં ઉત્સવ કરી રહ્યા છીએ ત્યાં મચ્છુન્દ્રી બે કાંઠે વહી રહી હતી. ખરેખર આ ઉત્સવ ભગવાનનો આભાર વ્યકત કરવાનો દિવસ છે.

તેઓશ્રીએ જણાવ્યું હતું જીવનમાં ચાર વસ્તુની ખાસ જરુર છે. જેમા ભગવાનની ઉપાસના, ભગવાનના ચરિત્રોનું ગાન, ભગવાનના નામનું જપ અને સદાચાર ધર્મ. જે સમાજ પોતાના કુળની રીતિ, પોતાના કુળની પરંપરાને ભૂલી જાય છે ત્યારે તે સમાજનું પતન થાય છે. આગામી દિવસોમાં ફાટસર ગામે જે ઉત્સવ ઉજવવાના છીએ અને હનુમાનજીનું મંદિર આ મચ્છુન્દ્રીના કિનારે આકાર લઇ રહ્યું છે તેની વિગતે વાત કરી હતી. આ પ્રસંગે શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ સત્સંગનો તેમજ એકાદશી અને જલઝીલણી મહોત્સવનો મહિમા સમજાવ્યો હતો.

પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં જળ ઝીલણી એકાદશીનો મહિમા તેમજ ભગવાનના ચરિત્રોની વાતો કહી હતી. અને બંન્ને સદ્‌ગુરુ સંતોના હસ્તે આગમી વર્ષનું ગુરુકુલ દ્વારા પ્રકાશિત થયેલ ઘનશ્યામ મહારાજની મનોહર મૂર્તિ સાથેના કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉત્સવ દરમ્યાન ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓએ સંગીતરાસ, મણિયારો રાસ તથા નૃત્યની રમઝટ બોલાવી હતી.
Picture Gallery
 

 

Achieved

Category

Tags