Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Valentine Day Celebration, 2013

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી એસજીવીપી ખાતે પૂ.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી વૈદિક મંત્રોચ્ચાર સાથે વેલેન્ટાઇન દિવસ પ્રેમ અને ભકિત સભર ઉજવાયો હતો .

આ પ્રસંગે બસો ઉપરાંત યુગલ દંપતીઓએ વેદોકત વિધિ સાથે શ્રી રાધાકૃષ્ણદેવનું ષોડશોપચાર પૂજન કર્યું હતું. આ અંગે દાંપત્યજીવન કેમ સફળ થાય તે અંગે વિસ્તારથી શ્રી સુરેશભાઇ પટેલ તથા સુરેશભાઇ પ્રજાપતિ તથા ભાનુભાઇએ હાસ્ય સભર અને મનનીય માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વિશુદ્ધ પ્રેમ સફળ દાંપત્યજીવનની ચાવી છે. ભગવાનમાં વહેલો -મોડો પ્રેમ થાય, પણ પરિવારને હૃદયથી પ્રેમ કરજો. સાંસારિક જીવન અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હોય છે. આ સમસ્યાઓનું સમાધાન પ્રેમમાં છે. ગૃહસ્થ જીવન પ્રેમાળ અને સંસ્કાર સભર હોવું જોઇએ. રાષ્ટ્રને સંસ્કારી સંતાનોની ભારે આવશ્યકતા છે. સંસ્કારી માતા -પિતા હશે તો જ સંસ્કારી સંતાનો પેદા થશે. સંસારી લોકોને સંસ્કારી સંતાન જોઇતા હોય તો તેને પ્રથમ સંસ્કારી બનવું પડશે.

બાળકને ૩૩ ટકા માતા પિતાથી સંસ્કાર મળે છે. ૩૩ ટકા બહારના વાતાવરણ, મિત્ર મંડળ કે શાળામાંથી મળે છે. જ્યારે ૩૩ ટકા બાળકના પ્રારબ્ધાનુસાર હોય છે. તેથી સારું વાતાવરણ સર્જવું એ આપણાં હાથમાં છે. વેલેન્ટાઇન દિવસ એટલે નિર્મળ અને વિશ્વવ્યાપક પ્રેમ માટે બલિદાન આપનાર સંત વેલેન્ટાઇન નો દિવસ. સાચો પ્રેમ સંત જ કરી શકે છે. મોટે ભાગે સંસારી પ્રેમ સ્વાર્થ અને વાસનાથી દુષિત થયેલો હોય છે જ્યારે સાચા સંતનો પ્રેમ વિશુદ્ધ અને સર્વવ્યાપી હોય છે. પ્રેમ એજ પરમેશ્વર છે. પ્રેમની યાત્રાનો આરંભ પરિવારથી થાય છે અને વિરામ સર્વવ્યાપી પરમાત્માના ચરણોમાં થાય છે. આ પ્રેમમાં પશુ, પંખી, વનસ્પતિ વગેરે સર્વ આવી જાય છે. આ દિવસનો સાચો મર્મ જાણનારા પશ્ચિમના લોકો પ્રાર્થના સાથે ઉજવે છે, દુર્ભાગ્યે ભારતીઓની ઉજવણી છીછરી અને અને વિકૃતભરી બની છે. આ પ્રસંગે પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરી આશીર્વાદ આપ્યા હતા.
Picture Gallery

Achieved

Category

Tags