ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં મહાવિષ્ણુયાગનું આયોજન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ (17 Sep.) ની પૂર્વ સંધ્યાએ SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ એક અનોખી પહેલ કરી. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા વડાપ્રધાનના નિરામય દીર્ઘાયુષ્ય અને ભારતના સર્વાંગી વિકાસ માટે મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું. આ નિમિત્તે ઋષિકુમારોએ વડાપ્રધાનશ્રીના ૭૫ વર્ષ પૂર્ણ થતા હોઈ ૭૫,૦૦૦ આહુતિઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.
આ ધાર્મિક કાર્યક્રમમાં, વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ઋષિકુમારોએ ભગવાન શ્રી વિષ્ણુનારાયણની આરાધના કરી. યજ્ઞની પવિત્ર અગ્નિમાં આહુતિઓ અર્પણ કરીને, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. આ સાથે, તેમણે ભારત દેશની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે પણ ભગવાનના આશીર્વાદ માંગ્યા હતા.
આ પ્રસંગે, વિદ્યાર્થીઓએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ભારતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને આ યજ્ઞ થકી તેઓ દેશના કલ્યાણ અને વડાપ્રધાનના સુખમય જીવન માટે પોતાની શ્રદ્ધા અને પ્રાર્થના વ્યક્ત કરી રહ્યા છે.



