લંડન ખાતે SGVP ગુરુકુલ પરિવાર દ્વારા ઉજવાયો ભવ્ય શાકોત્સવ
SGVP ગુરુકુલ પરિવારના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી લંડન ખાતે ૯ નવેમ્બર, ૨૦૨૫ રવિવારના રોજ ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે શાકોત્સવની Celebration of Hinduism’ તરીકે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.
શાકોત્સવ દરમિયાન યોજાએલી સત્સંગ સભામાં સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની અઘ્યક્ષતામાં ચાલી રહેલા વિશ્વસ્તરીય ‘સર્વજીવહિતાવહ સત્કાર્યોનું ઓડિયો વિઝયુઅલના માધ્યમથી દર્શન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિડિયો આશીર્વાદ પાઠવતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘લોયાના ગામધણી દરબાર સુરાખાચરના ભાવને વશ થયેલા ભગવાન શ્રીસ્વામિનારાયણે લોયા, નાગડકા વગેરે વિસ્તારના ખેડૂતોને ન્યાલ કરવા માટે આજથી ૨૦૦ વર્ષ પહેલા સૌ પ્રથમવાર શાકોત્સવ ઉજવ્યો હતો.”
વર્તમાન સમસ્યાઓનું સમાધાન જણાવતા સ્વામીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, “આજના સમયમાં ધન અને ધાન્યની બહુ મોટી સમસ્યા નથી. વર્તમાન સમયમાં ‘મનની શાંતિ’ મોટી સમસ્યા છે. ક્યારેય ન સાંભળ્યા હોય તેવા મનોરોગ માનવીને ઘેરી રહ્યા છે. આ મનોરોગથી મુક્ત રહેવા માટે વૈજ્ઞાનિકો સલાહ આપે છે કે, વ્યક્તિએ સમૂહમાં રહેવું જોઈએ, સમૂહમાં ગીતોનું ગાન કરવું જોઈએ, સમૂહમાં નાચવું જોઈએ અને કોઈ સારા કાઉન્સિલરની સલાહ લેવી જોઈએ.
આવા મનોરોગ આપણને કયારેય ઘેરી ન વળે તેના માટે આપણા ઋષિમુનિઓ અને સાધુસંત સલાહ આપે છે કે, “સમૂહમાં બેસીને સત્સંગ કરવો, સત્સંગથી મનને શાંતિ મળશે, સમૂહમાં ધૂન ભજન કરો, સમૂહમાં પ્રાર્થના કરશે, સમૂહમાં રાસ રમો, મહાપુરુષોના ચરણોમાં બેસીને સત્સંગ કરનારાને ક્યારેય મનોરોગ થતા જ નથી માટે સત્સંગ જેવું કાઉન્સિલીંગ ક્યાંય થતું નથી.”
આ પ્રસંગે SGVP ગુરુકુલની શાખા SGVP દ્રોણેશ્વર ખાતે વિનામૂલ્યે અભ્યાસ કરનારી કન્યાઓ માટે વિદ્યાસહાય કરનારા યજમાનો તથા સ્વયંસેવકોને અભિનંદન પાઠવતા સ્વામીશ્રીએ પોતાના હૃદયની પ્રસશતા વ્યક્ત કરી હતી. વાત્સલ્યમૂર્તિ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીએ વિડીયો આશીર્વાદ દરમિયાન આયોજકોને અભિનંદન પાઠવ્યા
SGVP ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલક સ્વામીશ્રી રામસુખદાસજીએ સંતાનને સુસંસ્કૃત કરવા તથા હિંદુ સંસ્કૃતિને અભ્યાસ કરાવવા વાલીઓને ભલામણ કરી હતી.
શાકોત્સવના ભાગરૂપે શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજીએ “Celebration of Hinduism’ વિષયને આધારે મનનીય પ્રવચન કર્યું હતું. સ્વામી શ્રુતિવલ્લભદાસજી તથા સ્વામી દિવ્યસાગરદાસજીએ શાકોત્સવને શોભાવવા માટે સ્વયંસેવકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
શાકોત્સવનો આનંદ માણવા માટે લંડન ઉપરાંત વિવિધ વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ વિસ્તારના કાઉન્સિલર, શ્રી શશીભાઈ વેકરીયા(ડાયરેક્ટરશ્રી, હિંદુ ફર્મ યુ.કે.), શ્રીમાવજીભાઈ વરસાણી (પ્રમુખશ્રી, કચ્છી લેવા પટેલ સમાજ), શ્રી આર.પી. પટેલ (પ્રમુખશ્રી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન) તેમજ જલારામ મંદિર, એશિયન ફાઉન્ડેશન, બાગેશ્રી ધામ – યુકે વગેરે સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત ખાસ રહ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર યુ.કે.ના ટ્રસ્ટી શ્રી રવજીભાઈ હિરાણી, ગોવિંદભાઈ કેરાઈ, ગોવિંદભાઈ રાધવાણીના માર્ગદર્શન અનુસાર મહેશ વોરા, દિનેશ જાદવા વગેરે મોટી સંખ્યામાં સ્વયંસેવકભાઈ-બહેનોએ શાકોત્સવને શોભાવવા માટે ખૂબ જ સુંદર તૈયારીઓ કરી હતી.
સભાને અંતે ભક્તજનોએ પ્રસાદ આરોગીને શાકોત્સવનો આનંદ માણ્યો હતો.



