સત્સંગ સાધના શિબિર – ૨૦૨૫
હિમાલયના ખોળે, ઋષિકેશની પવિત્ર ભૂમિમાં અધ્યાત્મની અમીધારા
ભવ્ય ભારતીય સંસ્કૃતિની ચેતના સદાકાળ જેની શિલાઓમાં ધબકી રહી છે, એવા હિમાલયનું ગૌરવગાન શબ્દોમાં વર્ણવવું દુષ્કર છે. આ એ પવિત્ર ભૂમિ છે, જ્યાં અનાદિ કાળથી પરમતત્ત્વની શોધમાં નીકળેલા ઋષિ-મુનિઓએ કઠોર તપશ્ચર્યા કરી છે. અહીંથી જ્ઞાન અને વૈરાગ્યનાં ઝરણાઓ સમગ્ર જગતમાં વહ્યા છે. હિમાલય માત્ર પર્વતોની હારમાળા નથી, પણ તે તો અધ્યાત્મની અખંડિત ઊર્જાનો સ્ત્રોત છે. તેના પ્રત્યેક શિખર જાણે કે પરમાત્મા તરફની યાત્રાનો મૌન સંદેશ આપી રહ્યા છે. આ મહાન પર્વતમાળાના ખોળે ભારતનું આધ્યાત્મિક હૃદય ધબકે છે. માટે જ અહીંના શાંતિપૂર્ણ વાતાવરણમાં સંસારની ભાગદોડમાંથી મુક્તિ મેળવી ચિત્તને પરમ શાંતિનો અનુભવ થાય છે.
આ પવિત્ર હિમાલયના પ્રવેશદ્વાર સ્વરૂપ, યોગ અને તપની ભૂમિ તરીકે વિશ્વવિખ્યાત છે – ઋષિકેશ. ‘ઋષિકેશ’ એટલે ઋષિઓનું ધામ. આ નગરને જોતાં જ, કલ્યાણકારી ઊર્જાનો સ્પર્શ અનુભવાય છે. અહીંનું દિવ્ય વાતાવરણ ભૌતિકતાના બંધનોમાંથી મુક્ત કરી આત્માને પરમાત્મા સાથે જોડવાનું સામર્થ્ય ધરાવે છે. પ્રકૃતિની રમણીયતા અહીં પરાકાષ્ઠાએ પહોંચી છે; વૃક્ષોની હરિયાળી, પર્વતોની વિશાળતા અને ગંગાજીની નિર્મળતા – આ ત્રિવેણી સંગમ ભક્તના હૃદયમાં ભક્તિરસનો અભિષેક કરે છે. ઋષિકેશના પ્રત્યેક રજકણ અનેક મહાન સંતો-તપસ્વીઓના પગલાંથી પાવન થયેલા છે, તેની પળે પળે પ્રતીતિ થાય છે.
સૌંદર્ય અને પવિત્રતાના કેન્દ્રમાં ગંગાજી વહી રહ્યા છે. ગંગાજી સાક્ષાત્ મોક્ષદાયિની છે. ઋષિકેશમાં ગંગાજીનું સાંનિધ્ય અલૌકિક છે. અહીં ગંગાનો પ્રવાહ જીવનમાં નિર્મળતાનો બોધ આપે છે. આવા અલભ્ય, દિવ્ય અને સાધનામય વાતાવરણમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠામ્ (SGVP), અમદાવાદ દ્વારા તા. ૨૫થી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ‘સત્સંગ સાધના શિબિર’નું આયોજન પરમાર્થ નિકેતન ખાતે કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોની પાવન ઉપસ્થિતિમાં આ સાત-દિવસીય શિબિર સાધકોના જીવનમાં અધ્યાત્મની ઊંચાઈઓને સ્પર્શવાનો એક સુવર્ણ અવસર બની રહી. પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતીજી મહારાજ (મુનિજી)ના સાંનિધ્યમાં, હિમાલયની છત્રછાયા અને ગંગાજીના અમૃતમય પ્રવાહ વચ્ચે સત્સંગ અને સાધનાની જે અલખ જ્યોત પ્રગટી, તેનો અહેવાલ અહીં પ્રસ્તુત છે.
સાધના શિબિરનો શુભારંભ
તા. ૨૫મી ઓક્ટોબરના પ્રાતઃકાળે, નવા વર્ષના નવલા દિવસોની શુભ શરૂઆતમાં, ગંગાજીના તટે એક અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. પ્રાતઃકાળે ગંગાના શીતળ પ્રવાહ પર સુવર્ણ કિરણો પથરાઈ રહ્યા હતા, ત્યારે શિબિરનો વિધિવત્ શુભારંભ થયો. પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામીજી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ, દેશ-વિદેશથી પધારેલા અગ્રણી ભક્તજનોના હસ્તે દીપપ્રાગટય કરીને સાધના શિબિરની જયોત પ્રજવલિત કરવામાં આવી. દીપપ્રાગટયની ક્ષણે, અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનો મૌન સંકલ્પ સૌના હૃદયમાં જાગ્યો.
નવા વર્ષના ઉમંગ અને ભક્તપણાના નિર્મળ ભાવને વધાવતાં શિબિરના પ્રારંભે ‘સ્નેહમિલન’નું આયોજન થયું. સર્વપ્રથમ, બંન્ને પૂજ્ય સંતોએ પરસ્પર ચંદનની અર્ચા કરી, હાર પહેરાવ્યા અને હૃદયના ભાવથી મળ્યા. આ દિવ્ય દર્શનને ઉપસ્થિત સૌ સંતો—ભક્તોએ પોતાના હૃદયકમળમાં કાયમ માટે અંકિત કરી લીધું.
ત્યારબાદ, સમગ્ર સભામાં એક અદ્ભુત દૃશ્ય સર્જાયું. સૌ સંતોએ ભક્તજનોની વચ્ચે જઈ, સ્નેહના પ્રતીક સમું રક્ષાસૂત્રનું બંધન કર્યું, ભાલમાં પવિત્ર ચંદનની અર્ચા કરી અને મુખમાં મિષ્ટાન આપીને સૌના ભક્તિભાવને પરાકાષ્ઠાએ પહોંચાડયો. જાણે કે ભગવાનનું ધામ જ ગંગાના કિનારે ઊતરી આવ્યું હોય તેમ પ્રેમ, સત્સંગ અને સમર્પણના ત્રિવેણી સંગમનો અનુભવ થયો.
આ શિબિરનો મૂળ ઉદ્દેશ અધ્યાત્મની ઊંડાઈઓમાં પ્રવેશવાનો હોવાથી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ સૌ સાધકોને સંબોધતા કહ્યું કે, “આ સાત દિવસ ગંગાજીના શીતળ જળ જેવો પવિત્ર અવસર છે. જીવનનાં સાચા લક્ષ્ય તરફ પ્રયાણ કરવા માટે આ પવિત્ર સમયને હૃદયથી વધાવી લેવો જોઈએ.”
ત્યાર બાદ, પૂજ્ય સ્વામીજીએ પ્રથમ કથાસત્રનો પ્રારંભ કરાવતા, હિમાલયના આધ્યાત્મિક રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું: “હિમાલયને ભગવાનનું ધામ કહેવામાં આવ્યું છે અને આ ઋષિકેશ તેનું પવિત્ર દ્વાર છે. ત્યારે આ દિવ્ય ભૂમિ પર આપણાં સૌના હૃદયના દ્વાર ખૂલે અને સાક્ષાત્ ભગવાન આપણાં હૃદયમાં પધારે, એવા શુભઆશય સાથે આપણે કથાવાર્તાનો પ્રારંભ કરીએ છીએ.”
પૂજ્ય સ્વામીજીએ ભારપૂર્વક જણાવ્યું કે, માનવજીવનનું સાચું લક્ષ્ય છે – પરમાત્માની પ્રસન્નતા અને આ પ્રસન્નતા મેળવવાનો માર્ગ છે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, સત્સંગ, સ્મરણ અને સમર્પણનો પવિત્ર સમન્વય. આ શિબિર સાધકો માટે માત્ર પ્રવચન-શ્રવણનું નહીં, પણ આધ્યાત્મિક પ્રયોગશાળા સમાન છે, જ્યાં સાંભળેલાં જ્ઞાનને આત્મસાત કરી હૃદયને ભગવદ્ભાવનાથી સમૃદ્ધ અને હરિયાળું બનાવવાનું છે.
આ સાત દિવસ દરમિયાન પૂજ્ય સ્વામીજી ગંગાજીના કિનારે, સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ‘સારસિદ્ધિ ગ્રંથ’ના ગૂઢ રહસ્યોનું પાન કરાવીને શિબિરાર્થીઓને મોક્ષના માર્ગે દોરી રહ્યા. આ શુભારંભ જાણે કે અધ્યાત્મની મહાયાત્રાનો મંગલ પ્રારંભ હતો.
અનુભવોની એરણેથી : સત્સંગ-સાધનાનો મહિમા
પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી – અનુભવોની એરણેથી નીકળતા એક એક શબ્દો સાધકોના હૃદયને સ્પર્શી જતા હતા. પૂજ્ય સ્વામીએ નિત્ય સાધકોની સાધનાઓના પ્રસંગો, હિમાલયમાં વસતા યોગીઓની કથાઓ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની હિમાલયની યાત્રા જેવા વિષયોને લક્ષ્યમાં લઈને શિબિરાર્થીઓને પ્રેરણા આપી હતી. પૂજ્ય સ્વામીના એક-એક શબ્દોમાં સત્સંગનો મહિમા અને સાધનાની આવશ્યકતાનું ગૂઢ રહસ્ય છૂપાયેલું હતું. સ્વામીના મુખેથી નીકળતા અનુભવસિદ્ધ શબ્દો સાધકોને નવા જોમ અને પ્રેરણા આપતા હતા.
સાધના આત્મ-સાક્ષાત્કાર માટે અનિવાર્ય છે. નિત્ય સાધનાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે મુક્તિના માર્ગે અવિરત પ્રયાસની જરૂર છે. આ માર્ગ ભલે ગહન હોય, પરંતુ સદ્ગુરુ અને સત્સંગના બળે તેને પાર કરી શકાય છે. હિમાલયમાં તપ કરતા યોગીઓની કથાઓ દ્વારા આ ગહનતાને સમજાવવામાં આવી હતી.
નિત્ય નવા વિચાર અને અદ્ભુત અનુભૂતિઓના અનુભવોનું વર્ણન કરતા પૂજ્ય મુનિજી મહારાજે સાધકોને સૂત્રાત્મક ભાષામાં અદ્ભુત વાતો કરી હતી. જેનું શ્રવણ કરતા ન થકાય તેવા જીવનોપયોગી વિચારોનું શ્રવણ કરી સૌ સાધકોને ખૂબ આનંદ આવ્યો.
સાથે સાથે પૂજ્ય શ્રી શામજી ભગત, પૂજ્ય શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી શ્રૃતિવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વમંગલદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી બ્રહ્મવિહારીદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિનંદનદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી વગેરે યુવાન સંતોએ નિત્ય વ્યાખ્યાનમાળા દ્વારા સત્સંગ-કથાવાર્તાનો લાભ આપ્યો હતો.
શિતળતાનો સ્પર્શ – ગંગાસ્નાન
પ્રત્યેક શિબિરાર્થીની સવાર જાણે કે સાક્ષાત્કારના સૂર્યોદયથી થતી. વહેલી સવારે, જ્યારે આકાશમાં તારલાઓનો મંદ પ્રકાશ અને વાતાવરણમાં ગુલાબી ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું હોય, ત્યારે શિબિરાર્થીઓ ઠંડા અને નિર્મળ
બપોરના સમયે ગંગાકિનારે થતો ઠાકોરજીના અભિષેક સૌને આકર્ષતો. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાંનિધ્યમાં ગંગાજીના શીતળ, અમૃતમય અને કલ્યાણકારી જળ દ્વારા સર્વપ્રથમ ઠાકોરજીનો અભિષેક કરવામાં આવે. સંતો-ઋષિકુમારોના મુખમાંથી નીકળતા વેદ મંત્રોનું ગુંજન અને ભક્તો દ્વારા થતા કિર્તન-ભજનના નાદથી વાતાવરણ ભક્તિરસથી છલકાઈ ઊઠતું. અભિષેક સમયે ઠાકોરજીના ચરણોમાં ગંગાજળનો સ્પર્શ થતાં જ, એ જળ જાણે કે મોક્ષનો સંદેશ લઈને વહેતું હોય તેવો ભાસ થતો હતો. સંતો દ્વારા અભિષેક બાદ, ઉપસ્થિત તમામ શિબિરાર્થી ભક્તજનો, સંતો સાથે ક્રમશઃ ઠાકોરજીના દિવ્ય વિગ્રહનો અભિષેક કરીને જીવનને ધન્ય બનાવતા હતા.
અભિષેક પૂર્ણ થયા બાદ વાતાવરણમાં એક અનેરો અને ભાવવિભોર ઉલ્લાસ છવાઈ જતો. સંતો અભિષેકના પ્રસાદીરૂપ પવિત્ર જળનો સૌ ભક્તજનો ઉપર છંટકાવ કરે. આ જળનું એક એક બુંદ જાણે કે પરમાત્માના આશીર્વાદ બનીને શરીર અને અંતરાત્માને મહાસુખ પ્રદાન કરે. ત્યારબાદ, સૌ શિબિરાર્થીઓ ગંગાજીના વહેતા પ્રવાહમાં ઊતરી સામૂહિક સ્નાનનો દિવ્ય અનુભવ કરતા.
ગંગાજીના પ્રત્યેક બૂંદમાં પાપથી ઉગારવાની શક્તિ છે. શિબિરાર્થીઓને ગંગાજીના આ અલૌકિક સાંનિધ્યમાં સ્નાન, અભિષેક અને સત્સંગનો જે દિવ્ય અવસર પ્રાપ્ત થયો, તે ખરા અર્થમાં જીવનની અણમોલ મૂડી બની રહી.
ગંગા આરતી
ઋષિકેશ ગંગાકિનારે અનેક નાના-મોટા આશ્રમો સાધકોને આશ્રય આપે છે. આ આશ્રમોમાંથી એક અદ્ભુત અને સુંદર આશ્રમ એટલે- પરમાર્થ નિકેતન. આ આશ્રમ અધ્યાત્મનું કેન્દ્ર છે. અહીં દેશ-વિદેશના અનેક લોકો જગતના વ્યવહાર ભૂલી અધ્યાત્મની અનુભૂતિ મેળવે છે. આ આશ્રમનું એક એલૌકિક અને અનોખું આકર્ષણ નિત્ય થતી ગંગા આરતી છે. આ આરતીના દર્શન કરતા દિવ્યતા, ભવ્યતા અને વૈદિક પરંપરાનો જીવંત અનુભવ મળે છે.
ખળખળ નિર્મળ વહેતો ગંગાજીનો પ્રવાહ અને શિવજીની ભવ્ય પ્રતિમાના સાંનિધ્યમાં આરતીના પ્રારંભે વેદના મંત્રો, પ્રાર્થના તથા સૂક્તોનું ગાન વાતાવરણને શુદ્ધ અને દિવ્યતાથી ભરી દે છે. સૂર્યાસ્ત થતાં જ આરતીનું દૃશ્ય ભવ્ય અને મનમોહક બની જાય છે, જે દુનિયાભરના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને આકર્ષે છે.
આરતી પૂર્ણ થયા બાદ ભક્તો દ્વારા પુષ્પના પડિયાઓ વચ્ચે ઝળહળતા દીવડાઓ જ્યારે ગંગાપ્રવાહમાં વહેતા મૂકવામાં આવે ત્યારે ગંગાજી જાણે દીવડાઓના વસ્ત્રો પહેરી વહેતા, હોય એવું રમણીય દૃશ્ય સર્જાય છે.
પરમાર્થ નિકેતનની ગંગા આરતી માત્ર જોવાલાયક નથી, પરંતુ ગહન આધ્યાત્મિક અનુભવ કરાવે છે. ગંગાજીનો કિનારો, ઋષિકુમારો દ્વારા મધૂર કંઠે થતું વેદ મંત્રોનું ગુંજન, દીવાઓની દિવ્ય જ્યોત અને વાતાવરણની શીતળતાનો અનુભવ મન અને આત્માને અપાર શાંતિ આપે છે.
આ આરતી ભારતીય સંસ્કૃતિની ભવ્યતા, આધ્યાત્મિકતાની ઊંડાઈ અને પ્રકૃતિ પ્રત્યેના આદરભાવનું અદ્ભુત પ્રતીક છે. ઋષિકેશની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ માટે આ આરતી એક અણમોલ અને હૃદયસ્પર્શી સ્મૃતિ બની રહે છે. સાધના શિબિર દરમિયાન દરરોજ પૂજ્ય સંતોના સાંનિધ્યમાં શિબિરાર્થીઓએ આ દિવ્ય-ભવ્ય આરતીનો લાભ લઈ અદ્ભુત અનુભવ હૃદયમંદિરમાં કંડારી લીધો.
ઠાકરથાળી ઉત્સવ તથા નિત્ય યજ્ઞ
સત્સંગ-સાધના શિબિરના આધ્યાત્મિક વાતાવરણની સાથે, શિબિરાર્થીઓએ બે અતિ વિશિષ્ટ કાર્યક્રમોનો ભરપૂર લાભ લીધો હતોઃ ઠાકરથાળી ઉત્સવ અને ગંગા કિનારે નિત્ય યજ્ઞ.
સાધનાના ઊંડાણમાંથી બહાર આવીને, સૌ ભાઈ-બહેનોએ ઠાકરથાળી ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉત્સવ માત્ર મનોરંજન પૂરતો સીમિત નહોતો, પરંતુ તે ભગવાન પ્રત્યેના પ્રેમ અને ભક્તિની અભિવ્યક્તિનું માધ્યમ બન્યો હતો. ઉત્સવ દરમિયાન સૌ શિબિરાર્થીઓ પરંપરાગત સંગીતના તાલે મન મૂકીને રાસ રમ્યા હતા. નાના-મોટાના ભેદ ભૂલી સૌ ભાઈ-બહેનો તાલબદ્ધતા સાથે રાસમય બન્યા હતાં.
શિબિર દરમિયાન દરરોજ ગંગાજીના પવિત્રકિનારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તજનો માટે આ અનુભવ અદ્ભુત બની રહ્યો. ભક્તજનોએ શુદ્ધ ઘી અને સામગ્રીની આહૂતિ યજ્ઞનારાયણને અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે થતી આહૂતિઓએ વાતાવરણને અત્યંત પવિત્ર અને દિવ્ય બનાવી દીધું હતું. પાવનકારી ગંગા નદીના કિનારે યજ્ઞ થવાથી તેની પવિત્રતા અને મહત્તા અનેકગણી વધી ગઈ હતી. ખાસ આ પ્રસંગે કેન્યા-આફ્રિકા નિવાસી શ્રી કે. વરસાણીના પંચોતેર વર્ષ પૂર્ણ થતા વિશેષ યજ્ઞ કરીને ભગવાનને પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત અમદાવાદ ગુરુકુલના વિદ્યાર્થીઓએ સૌ શિબિરાર્થીઓને રાજી કરવા ગંગાઅવતરણ નૃત્યનાટિકા પ્રસ્તુત કરી હતી. આ અદ્ભુત નૃત્યનાટિકા નિહાળી સૌ પ્રસન્ન થયા હતા.
અમૃત પર્વ સન્માન
૨૬ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના દિવ્ય અવસર એટલે કે અમૃતપર્વ નિમિત્તે, આધ્યાત્મિક જગતનો એક વિરલ પ્રસંગ બન્યો. હિમાલયની ગોદમાં ગંગાજીના તટ પર સ્થિત પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ, પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતીજી મહારાજ (મુનિજી) સાધના શિબિરની સભામાં પધાર્યા.
ખાસ નોંધનીય બાબત એ છે કે આ પ્રસંગે સભામાં ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિને, ખુદ પૂજ્ય સ્વામીજીને પણ, તેમના ૭૫ વર્ષ પૂર્ણ થયાની કે અમૃતપર્વનાં આયોજનની જરાય જાણ નહોતી. મુનિજી મહારાજે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પોતાની રીતે ગુપ્ત જ રાખ્યું હતું.
પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતિજી મહારાજે પોતાનાં પ્રવચનની શરૂઆત કરી અને સૌ પ્રથમ વખત આ પ્રસંગને ખુલ્લો મૂક્યો. મુનિજી મહારાજે જાહેર કર્યું કે આજે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના જીવનના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
આ અણધારી જાહેરાત સાંભળીને સભામાં ઉપસ્થિત સૌ સાધકોના મુખ પર આશ્ચર્ય સાથે અપાર આનંદની લાગણી છવાઈ ગઈ હતી. મુનિજી મહારાજે સ્વામીજીના ૭૫ વર્ષના સેવામય જીવનની કૃતજ્ઞતા રૂપે તેમનું ભાવપૂર્વક પૂજન કર્યું હતું. આ પૂજન અંતર્ગત મુનિજી મહારાજે સ્વામીજીને પુષ્પહાર, શાલ તથા પર્યાવરણ અને આધ્યાત્મિકતાના પ્રતીક રૂપે રુદ્રાક્ષનો છોડ અર્પણ કરીને સન્માનિત કર્યા. આ સન્માન માત્ર એક ઔપચારિકતા નહોતી, પરંતુ એક મહાન સંત પ્રત્યેનો આદર અને સ્નેહનું પ્રતીક હતું. જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ધર્મ, સમાજ અને સંસ્કૃતિની સેવામાં સમર્પિત કર્યું છે એવા સંતના પૂજનનો આ અવસર હતો.
આ પ્રસંગે, પરમ પૂજ્ય મુનિજી મહારાજે પૂજ્ય સ્વામીજીના સમગ્ર જીવન વિશે વાત કરી હતી. જેમાં સ્વામીજીના ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ એવં પ્રચાર-પ્રસાર માટે કરેલા અથાક અને નિષ્ઠાવાન પ્રયત્નોને ખૂબ ભાવથી બિરદાવતા જણાવ્યું હતું કે : “પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનું જીવન એ તપ, ત્યાગ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે પોતાની વાણી અને કર્મ દ્વારા સનાતન ધર્મના મૂલ્યોને માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ફેલાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. શિક્ષણ, આધ્યાત્મિકતા અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમના ૭૫ વર્ષ પૂર્ણ થવા એ આપણા સૌ માટે એક ઉત્સવ છે. ગંગાજી તથા ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે કે પરમ પૂજ્ય સ્વામીજીનું આયુષ્ય ખૂબ દીર્ઘ રહે અને તેમની પ્રેરણાથી અનેક સેવાકાર્યો નિરંતર થતા રહે. તેમનું દીર્ઘાયુષ્ય, જ્ઞાન અને સેવાભાવ સમાજને લાંબા સમય સુધી માર્ગદર્શન આપતા રહે.”
આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજય બાલકૃષ્ણદાસજી સ્વામી, સૌ સંતો તથા સાધના શિબિરમાં ઉપસ્થિત દેશ-
વિદેશના ભક્તોએ પણ સ્વામીજીના લાંબા અને સ્વસ્થ જીવન માટે હૃદયપૂર્વક પ્રાર્થના સાથે સ્વામીજીને શુભકામનાઓ પાઠવી હતી.
વિશેષમાં સાયંકાળે થતી ગંગાજીની આરતીમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વયં મુનિજીએ પ્રથમ પૂજ્ય સ્વામીજીના જીવનને પ્રસ્તુત કરતી શોર્ટફિલ્મનું દર્શન કરાવ્યું હતું. ત્યારબાદ પુનઃ સ્વામીજીના જીવનની સફળતાઓનું દર્શન કરાવતા સન્માનનો વિધિ કર્યો હતો. આ અવસરે ખાસ સૌએ સાથે મળી આરતીની સાથે વિશેષ પ્રાર્થના પણ કરી હતી.
આમ, આ અમૃતપર્વ સન્માન સમારોહ પૂજ્ય સ્વામીજીના જીવનનો આધ્યાત્મિક પ્રભાવ અને સમર્પણની શાશ્વત ગાથાનું ગાન કરતો અનમોલ પ્રસંગ બની રહ્યો. આવા અનેક સંસ્મરણો સાથે દિવ્ય-ભવ્ય સાધના શિબિરની અનુભૂતિ મેળવી ગંગાજીની વિદાઈ લઈ ૨૦૨૮ની દિવાળીના દિવસોમાં ફરી મળવાનાં વચન સાથે છૂટા પડ્યા હતા.



