Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

World Religion Summit – USA

વિશ્વ ધર્મ પરિષદ – ૨૦૧૫, અમેરિકા                  ૧૫-૧૯ ઓકટોબર ૨૦૧૫
અમેરિકામાં વિચરણ કરી રહેલ સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી વર્લ્ડ રિલિજીયન પાર્લામેન્ટમાં ભાગ લેવા માટે સોલ્ટ લેઇક સીટી પધાર્યા હતા.આ ધર્મ પરિષદમાં આશરે એંસી દેશોના ધર્માચાર્યો ઉપરાંત પચાસથી વધારે ધાર્મિક પરંપરાઓના આગેવાનોએ પોતાના બહુમૂલ્ય વિચારો આદાન-પ્રદાન કર્યા હતા. લગભગ દસ હજાર જેટલા ભાઇ-બહેનોએ આ પરિષદમાં ભાગ લીધો હતો.
અમેરિકાના ઉટાહ રાજ્યના સોલ્ટ લેઇક મહાનગરના મધ્યભાગે સુપ્રસિદ્ધ ‘સોલ્ટ પેલેસ’ આવેલો છે. આ પેલેસ છ લાખ અને એંસી હજાર સ્ક્વેર ફુટમાં બંધાયેલો ભવ્ય પેલેસ છે. દશ હજાર માણસો બેસી શકે તેવો ભવ્ય હૉલ છે. અનેક વર્કશોપ એક સાથે થઇ શકે તેવા નાના નાના બીજા અનેક હૉલ છે. હજારો માણસો એક સાથે બેસીને ભોજન લઇ શકે તેવા પણ હૉલ છે. સોલ્ટ પેલેસની ભવ્યતા અદ્‌ભૂત છે. વર્લ્ડ રિલિજીયન પાર્લામેન્ટનું આયોજન આ સોલ્ટ પેલેસ ખાતે રાખવામાં આવ્યું હતું.
આ ધર્મ પરિષદની સ્થાપના ઇ. સ. ૧૮૯૩ માં શિકાગો ખાતે થયેલી. ભારતના સુપ્રસિદ્ધ સન્યાસી સ્વામી વિવેકાનંદજીએ આ પરિષદમાં હિન્દુધર્મનું ગૌરવ વધાર્યું હતું. વિશ્વની સુપ્રસિદ્ધ હસ્તિઓએ આ પરિષદના માધ્યમથી સમસ્ત વિશ્વમાં ધર્મના પાયાના સિદ્ધાંતો ગુંજતા કર્યા છે. આશરે લગભગ ચારવર્ષે આ વિશ્વ ધર્મ પરિષદનું આયોજન થાય છે. આ વખતના અધિવેશનનો મુખ્ય ધ્યેય હતો વિશ્વના બધા ધર્મો એકબીજાની નજીક આવે, એકબીજાને સમજે, એકબીજાને આદર આપે અને વિશ્વની પાયાની સમસ્યાઓના સમાધાન માટે સંયુક્ત રીતે કામ કરે.
આ ધર્મ પરિષદનું ઉદ્‌ઘાટન અમેરિકાના મૂળ વસાહતી રેડ ઇન્ડિયનોના પારંપરિક નૃત્ય તથા હિન્દુ, જૈન, મુસ્લિમ, યહુદી, બહાઇ વગેરે ધર્મોની પ્રાર્થના સાથે થયું હતું. પરિષદના પ્રમુખ શ્રી ઇમામ અબ્દુલ મલિક, ઉટાહ રાજ્યના ગવર્નર ગેરી હરબટ, મેયર રાહબેકર, કાઉન્ટી મેયર બેનમોકાદમ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરિષદનું ઉદ્‌ઘાટન ભવ્ય રીતે થયું. સોલ્ટ પેલેસનો વિશાળ હૉલ હજારો ભાઇ-બહેનોથી ભરચક હતો. વિશ્વની સુપ્રસિદ્ધ હસ્તિઓ રોજ પોતાના વિચારો મંચ ઉપરથી વ્યક્ત કરતી હતી. મુખ્ય સેશન સિવાયના સમયમાં અનેકવિધ વર્કશોપ ચાલતા હતા.
આ વિશ્વધર્મ પરિષદ અત્યંત પ્રેરણાદાયક રહી હતી. યુનોના વડા બાનકીમુન તથા માનનીય શ્રી દલાઇ લામાએ વીડીયો પ્રેઝન્ટેશન દ્વારા શુભકામના અને આશીર્વાદ પાઠવ્યા હતા. મક્કા ખાતેના વડા ધર્મગુરુ ઇમામ સાહેબે વિશ્વધર્મ પરિષદની સમાપ્તિ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી વિશ્વને ભાઇચારાનો સંદેશ આપ્યો હતો.
શ્રી પરમાર્થ નિકેતન આશ્રમ, ઋષિકેશના અધ્યક્ષ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ(મુનિજી)ની આગેવાની નીચે ભારતના પ્રતિનિધીઓએ આ પરિષદમાં મહત્ત્વપૂર્ણ ભાગ લીધો હતો અને પ્રેરક વિચારો વ્યક્ત કર્યા હતા. સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજે જણાવ્યું હતું કે ધર્માચાર્યોએ સંયુક્ત રીતે શુદ્ધ જળ, સેનીટેશન, સ્વચ્છતા અને પર્યાવરણની શુદ્ધિ માટે કાર્ય કરવું જોઇએ.
સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, ‘આજે મારો ધર્મ શ્રેષ્ઠ છે’ એવું સ્થાપિત કરવાની માથાકુટો કરવાનો સમય નથી. આવી વાતો સમાજમાં વિષમતા પેદા કરે છે. આજે સમય છે એકબીજાને પૂર્ણ આદર આપવાનો અને પાયાની સમસ્યાઓના સમાધાન માટેનો.
સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે આજે હ્યુમન રાઇટ્‌સ માટે લડત ચાલી રહી છે તે સારી વાત છે, પરંતુ સાથોસાથ સર્વજીવ પ્રાણીમાત્રને જીવવાનો હક છે એ અંગે પણ જાગૃતિ લાવવાની જરૂર છે. પોતાના સ્વાર્થ ખાતર માનવજાતને કોઇ એવો અધિકાર નથી કે જે પશુ-પંખી જળચર, ભૂચર, ખેચર પ્રાણીઓના જીવ ઝુંટવી લે, વનસ્પતી કે જંગલોને નુકશાન કરે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ પ્રવર્તનીયા સદ્વિદ્યાના સિદ્ધાંતને સામે રાખીને સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે સંસ્કારયુક્ત શિક્ષણની ખૂબ જરૂર છે. સ્વામીશ્રીએ ટકોર કરી હતી કે ધર્મનું અંતિમવાદી શિક્ષણ અણુશસ્ત્ર કરતા પણ વધારે ખતરનાક છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ સ્વચ્છતાના સિદ્ધાંતને સામે રાખીને સ્વામીશ્રીએ વર્શીપ ફોર વૉશ પ્રોગ્રામ તથા ૧૦૮ ગામડાઓમાં ચલાવેલ સ્વચ્છતા અભિયાનની વાત કરી ત્યારે સર્વએ એ વાતને હર્ષભેર વધાવી લીધી હતી.
સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આ સ્વચ્છતા અભિયાન તેમજ વર્શિપ ફૉર વોશ પ્રોગ્રામના પ્રેરણાશ્રોત સ્વામીશ્રી ચિદાનંદ સરસ્વતીજી (મુનિજી) મહારાજ છે.
ભારતથી આવેલ પ્રતિનિધી મંડળમાં સમસ્ત ભારતના ઇમામોની કાઉન્સિલના અધ્યક્ષ શ્રી ઇલયાસીજી, ગ્લોબલ ઇમામ કાઉન્સેલના ઇમામ લુકમાન શ્રી તારાપુરીજી, દિલ્હીના જૈન સંત શ્રી લોકેશમુનિજી, લેહ-લદ્દાખના ભિખ્ખુ સંઘસેનાજી, શીખ ધર્મના એમ્બેસેડર અમેરિકા નિવાસી ભાઇ સાહેબશ્રી સતપાલસિંહજી ખાલસા વગરે ેજાડે ાયા હતા.
આ ઐતિહાસિક પરિષદમાં જોડાયેલા હજારો ભાઇ-બહેનોને લંગરમાં જમાડવાનું સેવાકાર્ય અમેરિકા સ્થિત શીખ ભાઇ-બહેનોએ ભારે પ્રેમ અને ઉત્સાહથી વધાવી લીધું હતું. શીખ ભાઈ-બહેનો લંગરમાં જે પ્રેમ અને ભાવથી સર્વને જમાડતા હતા એ દૃશ્યો અત્યંત પ્રેરક અને ભાવવાહી હતા. ગુરુદેવ નાનક સાહેબનો ઉપદેશ અહીં મૂર્તિમંત થતો હતો. આ સમસ્ત સેવાકાર્યના અધ્યક્ષ ભાઇશ્રી મહેન્દ્રસિંહજીનું ભારતીય પ્રતિનીધી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય પરિષદ પ્રસંગે દિલ્હી સ્થિત હરિજન સેવક સંઘ તરફથી રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનને લગતા પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. જેમાં ગાંધીજીના સુપ્રસિદ્ધ હસ્તલિખિત પત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનું સંચાલન આમદાવાદ સાબરમતી આશ્રમના પાયાના કાર્યકર શ્રી જયેશ ઇશ્વરભાઇ કરી રહ્યા હતા. આ પ્રદર્શની સ્થળે સર્વધર્મ પ્રાર્થનાનું મંગલ આયોજન કરવામાં આવ્યું હતું.
એકદંરે આ વિશ્વધર્મ પરિષદ અત્યંત પ્રેરણાદાયી રહી હતી.

Achieved

Category

Tags