વંદુ સહજાનંદ મહાઅનુષ્ઠાન, વડતાલ
વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે, ‘વંદુ સહજાનંદ રસરૂપ’ – પદની ૨૦૦ મી જયંતિ વર્ષ દરમ્યાન સંપ્રદાયમાં અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે.
આજથી ૨૦૦ વર્ષ પૂર્વે સંવત્ ૧૮૮૦ મહાવદ ૧૪, શનિવાર તા. ૨૮ ફેબ્રુઆરી ૧૮૨૪ (વચનામૃત ગઢડા મધ્યનું ૪૮) ના રોજ સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીએ ‘વંદુ સહજાનંદ રસરૂપ’ – પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સમક્ષ, એ પ્રત્યક્ષ મૂર્તિનું વર્ણન કરતાં ગરબીના કીર્તનનું ગાન કર્યું અને સ્વયં શ્રીજી મહારાજે તેમને સભામાં બિરદાવ્યા.
આ દિવ્ય કીર્તનની ૨૦૦મી જયંતિ, તા. ૦૯ માર્ચ ૨૦૨૪, સંવત્ ૨૦૮૦, મહાવદ ૧૪, શનિવારના રોજ, ઓસ્ટ્રેલિયા સત્સંગ વિચરણ કરતાં પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની મંગલ પ્રેરણાથી, સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના પાવન સાંનિધ્યમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ મેમનગર ખાતે, ૨૫૦૦ ઉપરાંત સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તોની સભામાં ‘વંદુ સહજાનંદ રસરૂપ’ – એ કીર્તનનું સમૂહ મહાઅનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રી શ્રી ભક્તવત્સલદાસજી સ્વામી તથા કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પૂજ્ય સ્વામીજીએ ટેલિફોનિક માધ્યમથી આજના દિવસ અને વંદુ સહજાનંદ રસરૂપ’ – એ કીર્તનનો મહિમા સમજાવ્યો હતો.
આ મંગલ સમૂહ અનુષ્ઠાનમાં વંદુ સહજાનંદ કીર્તનના ૪૦,૦૦૦ ઉપરાંત પાઠ થયા હતા.