Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Vandu Sahajanand Anushthan – Vadatal Dham 2024

વંદુ સહજાનંદ અનુષ્ઠાન, વડતાલ

વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે, ‘વંદુ સહજાનંદ રસરૂપ’ – પદની ૨૦૦ મી જયંતિ વર્ષ દરમ્યાન સંપ્રદાયમાં અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે.

આજથી ૨૦૦ વર્ષ પૂર્વે સંવત્ ૧૮૮૦ મહાવદ ૧૪, શનિવાર તા. ૨૮ ફેબ્રુઆરી ૧૮૨૪ (વચનામૃત ગઢડા મધ્યનું ૪૮) ના રોજ સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીએ ‘વંદુ સહજાનંદ રસરૂપ’ – પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સમક્ષ, એ પ્રત્યક્ષ મૂર્તિનું વર્ણન કરતાં ગરબીના કીર્તનનું ગાન કર્યું અને સ્વયં શ્રીજી મહારાજે તેમને સભામાં બિરદાવ્યા.

આ દિવ્ય કીર્તનની ૨૦૦મી જયંતિ, તા. ૦૯ માર્ચ ૨૦૨૪, સંવત્ ૨૦૮૦, મહાવદ ૧૪, શનિવારના રોજ સંપ્રદાયના પરમધામરૂપ વડતાલધામ ખાતે પ્રાસાદિક સભામંડપમાં પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં, સંતો અને દેશદેશના હરિભક્તોની સભામાં ‘વંદુ સહજાનંદ રસરૂપ’ – એ કીર્તનનું સમૂહ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયા સત્સંગ વિચરણ કરતાં પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની મંગલ પ્રેરણાથી, સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી અને SGVPના સંતોએ પણ મોટી સંખ્યામાં અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો.

ગુરુકુલ અને સંપ્રદાયના સુપ્રસિદ્ધ સંગીતકાર અને ભક્તહૃદય શ્રી હસમુખભાઇ પાટડીયાએ ભાવવાહી સુમધુર કંઠે અનુષ્ઠાનનું ગાન કર્યું હતું. વડતાલધામના કોઠારી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ પોતાના વક્તવ્યમાં આજના દિવસ અને વંદુના પદનો મહિમા સમજાવ્યો હતો.

ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા, પૂજ્ય સ્વામીજી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલ પરિવાર દ્વારા ‘વંદુ સહજાનદ રસરૂપ’ – કીર્તનના ૨૦૦મી જયંતિના વર્ષ નિમિત, અનુષ્ઠાનના અનેકવિધ આયોજનો બદલ અભિનંદન આપ્યા હતા અને સવિશેષ ‘વંદુ સહજાનંદ રસરૂપ’ – એ કીર્તન ઉપર મહિમાસભર મનનીય કથાવાર્તા દ્વારા હજારો સંતો-હરિભક્તોને શ્રીજી મહારાજની મૂર્તિનો મહિમા સમજવી તેમનામાં ભક્તિનું પોષણ કરવા બદલ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી ઉપર અંતરનો ખૂબ ખૂબ રાજીપો દર્શાવ્યો હતો.

આ મંગલ સમૂહ અનુષ્ઠાનમાં વંદુ સહજાનંદ કીર્તનના બે પુરશ્ચરણ ઉપરાંત પાઠ થયા હતા.

Achieved

Category

Tags