Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami along with Sant Mandal is on Satsang Yatra to USA from 14 July to 22 Oct 2015.
(Cell) – 973-747-8225
New Jersey
Arrival – Newark International Airport on 14th July.
Los Angeles
Arrival – 16th July for 2015
Satsang Sadhana Shibir – Richmond
SGVP ગુરુકુલ ધર્મજીવન મિશન ટ્રસ્ટના ઉપક્રમે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામિની નિશ્રામાં ૪-૫-૬ સપ્ટેમ્બર, ૨૦૧૫ દરમ્યાન ત્રિદિવસીય સાધના શિબિરનું આયોજન થયું.
જેમાં અમેરિકાના વિવિધ રાજ્યો તથા કેનેડાથી અનેક સમર્પિત પરિવારોએ ભાગ લીધો. આ શિબિર રીચમન્ડના રાજેશભાઇ લાખાણી પરિવારના યજમાન પદે યોજવામાં આવી હતી.
શિબિરનો આરંભ ઘનશ્યામ ભગતના કંઠે ગવાયેલા સુમુધર કીર્તનો અને ધૂનથી થયો હતો. વેદાંત સ્વામીએ સાધના-સત્રની વિગતોથી સર્વને માહિતગાર કર્યા હતા.
સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, પરિવારમાં પરસ્પર પ્રેમ અને આદરથી સુસંસ્કૃત અને સદાચારી વાતાવરણનું સર્જન કરવું એ પણ એક સાધના જ છે.
સંસ્કારી પરિવારનું સર્જન પ્રેમની ઇંટોથી થાય છે, સ્વાર્થની ગણતરીના મલોખડાંથી નહિ. પરસ્પર સ્નેહ, સમજણ અને સમર્પણ પરિવારને શ્રેષ્ઠ બનાવવાનો પાયો છે.
સાધના શિબિર પ્રસંગે સ્વામીશ્રીએ આંતરયાત્રાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, જે પોતાના મન ઉપર શાસન કરી શકે છે એ જ સાચો સમ્રાટ છે.
સ્વામીશ્રીએ મનને જીતવાની કેટલીક રીતો સમજાવી હતી. સ્વામીશ્રીએ શિબિરમાં સાધના ઉપરાંત પરસ્પર પ્રશ્નોતરીનું મહત્ત્વ સમજાવ્યું હતું. સભામાં પ્રશ્નોતરીનો કાર્યક્રમ અત્યંત રસપ્રદ રહ્યો હતો.
શિબિર દરમિયાન જન્માષ્ટમીનું મંગલ પર્વ આવતું હોવાથી સહુ ભક્તજનોએ સાથે મળીને ધામધૂમથી નંદમહોત્સવ ઉજવ્યો હતો. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી હૃદયમાં પરમાત્મા ન પ્રગટે ત્યાં સુધી આ ઉત્સવ પરંપરા અધૂરી છે અને ચાલું રહેશે. બહારના મંદિરોને સજાવીએ એથી વિશેષ દિલના મંદિરને સજાવવાની જરૂર છે.
જ્ઞાનનો દીપક, ભાવના પૂષ્પો, સત્કર્મની અગરબત્તી એ દિલ મંદિરની પૂજાની સામગ્રીઓ છે. ‘હૈયાની ભક્તિ હાથેથી વરસવી જોઇએ’ અર્થાત આપણા હાથેથી નિસ્વાર્થભાવે સેવા અને સત્કર્મો થતા રહેવા જોઇએ.
શિબિરમાં રોજ સવારે વેદાંત સ્વામી ધ્યાન કરાવતા હતા. પાર્ષદ ઘનશ્યામ ભગતના કીર્તનો અમૃતરસ રેલાવતા હતા. કુંજવિહારી સ્વામી, ભક્તિપ્રિયસ્વામી પ્રાસંગીક તૈયારીઓ કરવાની સેવા બજાવતા રહેતા. પાર્ષદવર્ય પરશોત્તમભગત પ્રસંગોપાત કથાવાર્તાનો લાભ આપતા હતા. શિબિરના અંતે વીરજીભાઇ પાઘડાળ, વિજયભાઇ સોલંકી, તેજસ શાહ, ધર્મેશ પટેલ, કાંતિભાઇ દેવાણી વગેરેએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. રાજેશભાઇ લાખાણી પરિવારે શિબિરાર્થીઓના અતિથિ સત્કારમાં કોઇ કચાશ રહેવા દીધી નહોતી. હેગર્સટાઉનવાળા ભરતભાઇ પટેલ પરિવારે પણ ઉત્સાહથી સાથ આપ્યો હતો.
Picture Gallery
Satsang Satra – Raleigh, North Carolina (USA)
સત્સંગ સત્ર, રાહલે સીટી
સતંસગ યાત્રા દરમિયાન પૂજ્ય સ્વામીજી રાહલે પધાર્યા હતા. અહીંના રોકાણ દરમ્યાન વિવિધ સત્સંગ સભાઓના આયોજનો કરવામાં આવ્યા હતા.
રાહલેમાં સત્સંગ વિચરણ દરમિયાન રાહલે સત્સંગ મંડળ દ્વારા બે દિવસનું સત્સંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગસત્ર દરમ્યાન પૂજ્ય સ્વામીજીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્રો સાથે સદાચાર વિશે પ્રેરણાત્મક વાતો કરી હતી.
આ ઉપરાંત અહીંના હિન્દુ ટેમ્પલમાં પણ સત્સંગ સભા તેમજ કૃષ્ણજન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પધારી કથાવાર્તાનો લાભ લીધો હતો. અહીં પૂજ્ય સ્વામીજીએ શ્રીકૃષ્ણ જન્મોત્સવનું મહત્ત્વ, ઉત્સવ પાછળનું રહસ્ય તથા કૃષ્ણલીલાનું ગાન કર્યું હતું તથા સાથે ના સંતોએ કથાવાર્તા અને કીર્તન ભક્તિનો લાભ આપ્યો હતો.
Picture Gallery
Click Here For Picture Gallery
Satsang Sabha – Atlanta
અમેરિકામાં સત્સંગ વિચરણ દરમિયાન સ્વામીશ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંતમંડળ સાથે આટલાન્ટા પધાર્યા હતા. અહીં આટલાન્ટા ઇવેન્ટ હોલમાં સંકીર્તન સંધ્યા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રી સાથે પધારેલ પાર્ષદ શ્રી ઘનશ્યામ ભગતે મીરાંબાઇનું ‘કબહું મીલે પીયા મોરા’ એ સુંદર પદ ગાઇને સભાને ભાવવિભોર બનાવી હતી.
મીરાંબાઇની આ રચનાનો મર્મ સમજાવતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આપણા અંતરમાં મીરાંબાઇની જેમ હરિમિલનનો તલસાટ હોવો જોઇએ. દુનિયામાં નાસ્તિકોની સંખ્યા ઘણી ઓછી છે અને આવા નાસ્તિકો પણ મુશ્કેલીમાં સપડાય છે ત્યારે પરમાત્મામાં આસ્થા ધરાવતા થાય છે. દુનિયાના નેવું ટકા લોકો ભગવાનમાં માને છે, પરંતુ પ્રભુમિલનની પ્યાસ તો કરોડોમાં કોઇકને જ હોય છે. જ્યાં સુધી આવી પ્યાસ જાગતી નથી ત્યાં સુધી ખાલી માન્યતા અર્થહીન બની રહે છે. આપણો હરિ આપણા હૈયામાં જ વસે છે, પરંતુ એની સાથે મુલાકાતનો સમય આપણે ભાગ્યે જ કાઢીએ છીએ. આપણે જાતજાતના સંબંધીઓ શોધીએ છીએ, પરંતુ આપણા જન્મોજન્મના સાથીને ભૂલી જઇએ છીએ.
સ્વામીશ્રીનું આ પ્રવચન શ્રોતાઓના હૃદયમાં સુતેલી ચેતનાને જગાડવા માટે ભૈરવી સમાન રહ્યું હતું. સભામાં પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ભારે રસપ્રદ રહ્યો હતો. સભાને અંતે સર્વભક્તજનોએ મહાપ્રસાદ લીધો હતો.
ઉત્સાહી બહેનોએ ભાવથી જાતે જ મહાપ્રસાદ તૈયાર કર્યો હતો. આ પ્રસંગના યજમાન પદે ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ઘનશ્યામભાઇ ઢોલરીયા રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળતાથી પૂર્ણ કર્યો હતો.
આટલાન્ટા, ગઢપુરધામ ખાતે સ્વામીશ્રીની સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મનસુખભાઇ ધાનાણી તથા અન્ય ભક્તજનોએ તેમજ મંદિરના પૂજારીશ્રી નિલકંઠ સ્વામીએ સ્વામીશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.
Picture Gallery
પૂ. માધવપ્રિયદાસજીના દર્શને પ્રસિદ્ધ બાસ્કેટ બોલ પ્લેયર શ્રી સતનામસિંહ
પંજાબ પ્રાંતના સુપ્રસિદ્ધ બાસ્કેટબૉલ પ્લેયર શ્રી સતનામસિંહ પોતાના મિત્ર મહેન્દ્ર સાવલિયાને સાથે લઇને શ્રી હીરાભાઈ સુતરિયાના નિવાસ સ્થાને સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના દર્શને આવ્યા હતા.
સતનામસિંહ પંજાબના બરનાલા શહેર પાસેના નાનકડાં ગામમાં ખેડુત પરિવારમાં જન્મેલા છે. ઉંમર માત્ર ૧૯ વર્ષ છે. ઉંચાઇ પૂરી સાત ફૂટ અને બે ઇંચ છે. બાસ્કેટબૉલના નેશનલ ખેલાડી છે. આનંદ અને આશ્ચર્યની વાત એ છે કે અમેરિકા ખાતેની સુપ્રસિદ્ધ ડલાસ મેવરિક બાસ્કેટબૉલ ટીમમાં તેઓ એકમાત્ર ભારતીય પસંદગી પામ્યા છે અને આખરે નેશનલ બાલ્કેટબૉલ અમેરિકાએ એમની નેશનલ લેવલે પસંદગી કરી છે. આ રીતે સતનામસિંહે અમેરિકામાં ભારતનું નામ રોશન કરેલ છે. આ રીતે પસંદગી પામનાર તેઓ પહેલા ભારતીય ખેલાડી છે. તેમનું નામ અમેરિકાના ખેલજગતમાં આજે ભારે પ્રસિદ્ધ છે.
સામાન્ય ગામડાંના પરિવારમાં જન્મેલ અને અંગ્રેજી ભાષા પણ પૂરી ન આવડતી હોય, છતાં આવી સિદ્ધિ મેળવીને સતનામસિંહ સર્વ યુવાનો માટે પ્રેરણારૂપ બનેલ છે. સ્વામીશ્રી માધવપ્રિયદાસજી સતનામસિંહજીને તુલસીની માળા પહેરાવીને સમસ્ત અમેરિકામાં ભારતનું નામ રોશન કરવા બદલ આશીર્વાદ અને અભિનંદન આપ્યા હતા અને હજુ વિશેષ આગળ વધવા પ્રેરણા આપી હતી. સાથોસાથ SGVP ગુરુકુલના સ્પોર્ટસ્ સેન્ટરની મુલાકાત લઇને યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવા પધારવા આમંત્રણ આપ્યું હતું. સતનામસિંહે ભારે આદર સાથે સ્વામીશ્રીને વંદન કરીને આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.
સ્વામીશ્રીની અમેરિકાની યાત્રાનો આ યાદગાર પ્રસંગ હતો. આ પ્રસંગે શ્રી હીરાભાઇ સુતરિયા તથા કિરીટભાઇ પટેલ પણ સ્વામીશ્રી સાથે જોડાયા હતા. સ્વામીશ્રીના દર્શન કરાવવા બદલ મહેન્દ્ર સાવલિયાનો તેમણે આભાર માન્યો હતો.
સત્સંગ સભા : ટેમ્પા
સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પોતાના અમેરિકા ખાતે તેના વિચરણ દરમિયાન સંતમંડળ સાથે ટેમ્પા પધાર્યા હતા. ટેમ્પામાં ડૉ. શ્રી નૈષધભાઇ માંડલિયા તથા ડૉ. શ્રી જેરામભાઇ કણકોટિયા વગેરે ભક્તજનોએ જાહેર સત્સંગસભાનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીશ્રીએ ભક્તજનોને ઉદ્દેશીને ઉપનિષદ્, ભગવદ્ગીતા અને વચનામૃતનો મહિમા સમજાવ્યો હતો. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, વચનામૃતને સાંપ્રદાયિક ગ્રંથ ગણી શકાય નહિ. વચનામૃત સર્વ મુમુક્ષુઓ માટે અધ્યાત્મમાર્ગનો ભોમિયો છે. વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સંતો અને ભક્તો સાથે સુંદર પ્રશ્નોત્તરી કરેલી છે. જેમાંથી મુમુક્ષુઓને મોક્ષમાર્ગે સેંકડો પ્રશ્નોના સમાધાન મળે છે. વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સમગ્ર ભારતીય દર્શન ઘારાઓનો સમન્વય કર્યો છે . ભગવાન શ્રી સ્વામિનારાયણની સમજાવવાની શૈલી અદ્ભૂત છે. અધ્યાત્મની ગહન વાતો તેઓ સીધા-સાદા દૃષ્ટાંતોથી સરળ ભાષામાં સમજાવે છે. એક દૃષ્ટિએ જોઇએ તો વચનામૃત અભણ લોકો માટે સરળ અને વિદ્વાનો માટે ગહન ગ્રંથ છે.
આ સત્સંગ સભામાં ટેમ્પાના ભાવિક ભાઇ-બહેનોએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. શ્રી ઘનશ્યામભાઇ બોરડ, શ્રી શ્રેયાંસ માંડલિયા, શ્રી મુકેશ પટેલ, શ્રી વિજય સોલંકી વગેરે ઉત્સાહી ભાઇ-બહેનોએ ભોજનપ્રસાદ વગેરે સર્વ સેવાઓ ઉત્સાહથી ઉઠાવી લીધી હતી. પાર્ષદશ્રી ઘનશ્યામ ભગતે સુંદર કિર્તનોનું રસપાન કરાવ્યું હતું. શ્રી વેદાંતસ્વામીએ સભા સંચાલન કર્યું હતું.
ટેમ્પાથી સ્વામીશ્રી ઓરલાંડો પધાર્યા હતા. અહીં ડૉ. શ્રી કાંતિભાઇ ભલાનીએ સત્સંગસભાનું આયોજન કર્યું હતું.
સત્સંગ સભા- ડલાસ
સત્સંગ વિચરણ દરમિયાન સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ડલાસ પધાર્યા હતા. ડલાસ શ્રી સ્વામિનારાયણ મંદિર ગ્રાન્ડપેરી ખાતે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રમુખ શ્રી ભરતભાઇ, ડૉ. શ્રી રાજેશભાઇ, અતુલ પટેલ વગેરે ભક્તજનોએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું.
સત્સંગમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આપણે જે આંખોથી જોઇ રહ્યા છીએ એથી પણ સૂક્ષ્મ વિશ્વ છે. જે વિશ્વને આપણે આપણી આંખોથી કે દૂરદર્શક યંત્રોથી અથવા સૂક્ષ્મદર્શક યંત્રોથી જોઇ શકતા નથી. શાસ્ત્રોએ દેવતાઇ સૃષ્ટિનું વર્ણન કર્યું છે તે દેવતાઓમાં આપણી શ્રદ્ધા હોવી જોઇએ.
મનુષ્ય અને દેવતાઓના શરીર, સ્વભાવ અને શક્તિમાં ભારે તફાવત હોય છે. વેદોમાં કહ્યું છે કે, મનુષ્યો અન્ન-જળથી તૃપ્ત થાય છે, પિતૃઓ તથા દેવતાઓ માત્ર સુંઘીને તૃપ્ત થાય છે. ઉચ્ચ કોટીના દેવતાઓ દર્શનમાત્રથી તૃપ્ત થાય છે. એક વખતે લોકોમાં દેવતાઓ અને એમના લોક વિશે જાતજાતની અંધશ્રદ્ધા હતી. આજે જેમ જેમ વિજ્ઞાન વિકસતું ગયું છે તેમ તેમ આ અસીમ બ્રહ્માંડમાં અનંત બ્રહ્માંડથી પાર પણ અનેક પ્રકારના લોક અને અનેક પ્રકારના અસ્તિત્વની સંભાવનાઓ હોઇ શકે છે તે સાબિત થઇ ચૂક્યું છે અને આપણી શ્રદ્ધાને મજબૂત આધાર મળ્યો છે.
સભાને અંતે ડૉ. રાજેશભાઇએ મંદિર દ્વારા થઇ રહેલા મેડીકલ કેમ્પ જેવી વિવિધ સેવા-પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સ્વામીશ્રીએ કહ્યું હતું કે, ગ્રાન્ડપ્રેરીના સેવાકાર્યો પ્રસંશનીય છે. પ્રત્યેક મંદિરમાં આવા સેવાકાર્યો થતા રહે તો હિન્દુ ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય દીપી ઉઠે. આ પ્રસંગે મંદિરના કોઠારી શ્રી હરિપ્રસાદ સ્વામી તથા શાસ્ત્રી શ્રી નિર્લેપ સ્વામીએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું.
વિશ્વ ધર્મ પરિષદ – ૨૦૧૫, અમેરિકા ૧૫-૧૯ ઓકટોબર ૨૦૧૫
અમેરિકામાં વિચરણ કરી રહેલ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી વર્લ્ડ રિલિજીયન પાર્લામેન્ટમાં ભાગ લેવા માટે સોલ્ટ લેઇક સીટી પધાર્યા હતા.આ ધર્મ પરિષદમાં આશરે એંસી દેશોના ધર્માચાર્યો ઉપરાંત પચાસથી વધારે ધાર્મિક પરંપરાઓના આગેવાનોએ પોતાના બહુમૂલ્ય વિચારો આદાન-પ્રદાન કર્યા હતા. લગભગ દસ હજાર જેટલા ભાઇ-બહેનોએ આ પરિષદમાં ભાગ લીધો હતો.
અમેરિકાના ઉટાહ રાજ્યના સોલ્ટ લેઇક મહાનગરના મધ્યભાગે સુપ્રસિદ્ધ ‘સોલ્ટ પેલેસ’ આવેલો છે. આ પેલેસ છ લાખ અને એંસી હજાર સ્ક્વેર ફુટમાં બંધાયેલો ભવ્ય પેલેસ છે. દશ હજાર માણસો બેસી શકે તેવો ભવ્ય હૉલ છે. અનેક વર્કશોપ એક સાથે થઇ શકે તેવા નાના નાના બીજા અનેક હૉલ છે. હજારો માણસો એક સાથે બેસીને ભોજન લઇ શકે તેવા પણ હૉલ છે. સોલ્ટ પેલેસની ભવ્યતા અદ્ભૂત છે. વર્લ્ડ રિલિજીયન પાર્લામેન્ટનું આયોજન આ સોલ્ટ પેલેસ ખાતે રાખવામાં આવ્યું હતું.
આ ધર્મ પરિષદની સ્થાપના ઇ. સ. ૧૮૯૩ માં શિકાગો ખાતે થયેલી. ભારતના સુપ્રસિદ્ધ સન્યાસી સ્વામી વિવેકાનંદજીએ આ પરિષદમાં હિન્દુધર્મનું ગૌરવ વધાર્યું હતું. વિશ્વની સુપ્રસિદ્ધ હસ્તિઓએ આ પરિષદના માધ્યમથી સમસ્ત વિશ્વમાં ધર્મના પાયાના સિદ્ધાંતો ગુંજતા કર્યા છે. આશરે લગભગ ચારવર્ષે આ વિશ્વ ધર્મ પરિષદનું આયોજન થાય છે. આ વખતના અધિવેશનનો મુખ્ય ધ્યેય હતો વિશ્વના બધા ધર્મો એકબીજાની નજીક આવે, એકબીજાને સમજે, એકબીજાને આદર આપે અને વિશ્વની પાયાની સમસ્યાઓના સમાધાન માટે સંયુક્ત રીતે કામ કરે.
આ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન અમેરિકાના મૂળ વસાહતી રેડ ઇન્ડિયનોના પારંપરિક નૃત્ય તથા હિન્દુ, જૈન, મુસ્લિમ, યહુદી, બહાઇ વગેરે ધર્મોની પ્રાર્થના સાથે થયું હતું. પરિષદના પ્રમુખ શ્રી ઇમામ અબ્દુલ મલિક, ઉટાહ રાજ્યના ગવર્નર ગેરી હરબટ, મેયર રાહબેકર, કાઉન્ટી મેયર બેનમોકાદમ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરિષદનું ઉદ્ઘાટન ભવ્ય રીતે થયું. સોલ્ટ પેલેસનો વિશાળ હૉલ હજારો ભાઇ-બહેનોથી ભરચક હતો. વિશ્વની સુપ્રસિદ્ધ હસ્તિઓ રોજ પોતાના વિચારો મંચ ઉપરથી વ્યક્ત કરતી હતી. મુખ્ય સેશન સિવાયના સમયમાં અનેકવિધ વર્કશોપ ચાલતા હતા.
આ વિશ્વધર્મ પરિષદ અત્યંત પ્રેરણાદાયક રહી હતી. યુનોના વડા બાનકીમુન તથા માનનીય શ્રી દલાઇ લામાએ વીડીયો પ્રેઝન્ટેશન દ્વારા શુભકામના અને આશીર્વાદ પાઠવ્યા હતા. મક્કા ખાતેના વડા ધર્મગુરુ ઇમામ સાહેબે વિશ્વધર્મ પરિષદની સમાપ્તિ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી વિશ્વને ભાઇચારાનો સંદેશ આપ્યો હતો.
શ્રી પરમાર્થ નિકેતન આશ્રમ, ઋષિકેશના અધ્યક્ષ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ(મુનિજી)ની આગેવાની નીચે ભારતના પ્રતિનિધીઓએ આ પરિષદમાં મહત્ત્વપૂર્ણ ભાગ લીધો હતો અને પ્રેરક વિચારો વ્યક્ત કર્યા હતા. સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજે જણાવ્યું હતું કે ધર્માચાર્યોએ સંયુક્ત રીતે શુદ્ધ જળ, સેનીટેશન, સ્વચ્છતા અને પર્યાવરણની શુદ્ધિ માટે કાર્ય કરવું જોઇએ.
સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, ‘આજે મારો ધર્મ શ્રેષ્ઠ છે’ એવું સ્થાપિત કરવાની માથાકુટો કરવાનો સમય નથી. આવી વાતો સમાજમાં વિષમતા પેદા કરે છે. આજે સમય છે એકબીજાને પૂર્ણ આદર આપવાનો અને પાયાની સમસ્યાઓના સમાધાન માટેનો.
સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે આજે હ્યુમન રાઇટ્સ માટે લડત ચાલી રહી છે તે સારી વાત છે, પરંતુ સાથોસાથ સર્વજીવ પ્રાણીમાત્રને જીવવાનો હક છે એ અંગે પણ જાગૃતિ લાવવાની જરૂર છે. પોતાના સ્વાર્થ ખાતર માનવજાતને કોઇ એવો અધિકાર નથી કે જે પશુ-પંખી જળચર, ભૂચર, ખેચર પ્રાણીઓના જીવ ઝુંટવી લે, વનસ્પતી કે જંગલોને નુકશાન કરે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ પ્રવર્તનીયા સદ્વિદ્યાના સિદ્ધાંતને સામે રાખીને સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે સંસ્કારયુક્ત શિક્ષણની ખૂબ જરૂર છે. સ્વામીશ્રીએ ટકોર કરી હતી કે ધર્મનું અંતિમવાદી શિક્ષણ અણુશસ્ત્ર કરતા પણ વધારે ખતરનાક છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ સ્વચ્છતાના સિદ્ધાંતને સામે રાખીને સ્વામીશ્રીએ વર્શીપ ફોર વૉશ પ્રોગ્રામ તથા ૧૦૮ ગામડાઓમાં ચલાવેલ સ્વચ્છતા અભિયાનની વાત કરી ત્યારે સર્વએ એ વાતને હર્ષભેર વધાવી લીધી હતી.
સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આ સ્વચ્છતા અભિયાન તેમજ વર્શિપ ફૉર વોશ પ્રોગ્રામના પ્રેરણાશ્રોત સ્વામીશ્રી ચિદાનંદ સરસ્વતીજી (મુનિજી) મહારાજ છે.
ભારતથી આવેલ પ્રતિનિધી મંડળમાં સમસ્ત ભારતના ઇમામોની કાઉન્સિલના અધ્યક્ષ શ્રી ઇલયાસીજી, ગ્લોબલ ઇમામ કાઉન્સેલના ઇમામ લુકમાન શ્રી તારાપુરીજી, દિલ્હીના જૈન સંત શ્રી લોકેશમુનિજી, લેહ-લદ્દાખના ભિખ્ખુ સંઘસેનાજી, શીખ ધર્મના એમ્બેસેડર અમેરિકા નિવાસી ભાઇ સાહેબશ્રી સતપાલસિંહજી ખાલસા વગરે ેજાડે ાયા હતા.
આ ઐતિહાસિક પરિષદમાં જોડાયેલા હજારો ભાઇ-બહેનોને લંગરમાં જમાડવાનું સેવાકાર્ય અમેરિકા સ્થિત શીખ ભાઇ-બહેનોએ ભારે પ્રેમ અને ઉત્સાહથી વધાવી લીધું હતું. શીખ ભાઈ-બહેનો લંગરમાં જે પ્રેમ અને ભાવથી સર્વને જમાડતા હતા એ દૃશ્યો અત્યંત પ્રેરક અને ભાવવાહી હતા. ગુરુદેવ નાનક સાહેબનો ઉપદેશ અહીં મૂર્તિમંત થતો હતો. આ સમસ્ત સેવાકાર્યના અધ્યક્ષ ભાઇશ્રી મહેન્દ્રસિંહજીનું ભારતીય પ્રતિનીધી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય પરિષદ પ્રસંગે દિલ્હી સ્થિત હરિજન સેવક સંઘ તરફથી રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનને લગતા પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. જેમાં ગાંધીજીના સુપ્રસિદ્ધ હસ્તલિખિત પત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનું સંચાલન આમદાવાદ સાબરમતી આશ્રમના પાયાના કાર્યકર શ્રી જયેશ ઇશ્વરભાઇ કરી રહ્યા હતા. આ પ્રદર્શની સ્થળે સર્વધર્મ પ્રાર્થનાનું મંગલ આયોજન કરવામાં આવ્યું હતું.
એકદંરે આ વિશ્વધર્મ પરિષદ અત્યંત પ્રેરણાદાયી રહી હતી.
Picture Gallery