અખંડ ભગવદ્ પરાયણ પૂજ્યપાદ્ જોગી સ્વામીની પાવન સ્મૃતિમાં શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્-છારોડી દ્વારા બી. ટી. સવાણી કીડની હોસ્પિટલ રાજકોટના સહકારથી અમરેલી ખાતે પ્રોસ્ટેટ, પથરી જેવા યુરીનલ રોગો માટેનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં નિદાનથી માંડીને ઓપરેશન સુધીની તમામ સેવા વિનામૂલ્ય પૂરી પાડવામાં આવે હતી. અમરેલીના વિસ્તારના ગામડાઓમાંથી આશરે ૨૫૦ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પના આયોજક તેમજ પ્રેરક સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામીએ બી. ટી. સવાણી હોસ્પિટલના સુપ્રસિદ્ધ ડો. શ્રીપ્રદીપભાઇ કણસાગરા, ડો. શ્રી જે. આર. દહીયા સાહેબ, ડો. શ્રીપંકજભાઇ ઢોલરીયા, ડો. શ્રીઅમિતભાઇ પટેલ, ડો. શ્રીતુષારભાઇ ગાંધી વગેરેનું બહુમાન કર્યું હતું અને એમની સાથે સેવા આપનાર સર્વે ડોક્ટર અને સહાયક સ્ટાફને હૃદયથી અભિનંદન આપ્યા હતા.
આ કેમ્પને સફળ કરવા માટે અમરેલીના સુપ્રસિદ્ધ ડોક્ટર શ્રીગજેરા સાહેબ તેમજ ડોક્ટર શ્રીપટોળિયા સાહેબે પોતાની બહુમૂલ્ય સેવાઓ અર્પણ કરી હતી. આ ડોક્ટર મિત્રોના સહકારથી આ કેમ્પ સારી રીતે સફળ થયો હતો.
આ પ્રસંગે મંગલ ઉદ્બોધન કરતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, ‘આ વિસ્તાર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રીધર્મજીવનદાસજીની પ્રાગટ્યભૂમિ અને કર્મભૂમિ છે. એટલે જ આ વિસ્તારમાં સેવા કરતા અમારું અંતર આનંદ અનુભવે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવપ્રાણીમાત્રના અંતરમાં બિરાજે છે. એટલે જ આ કેમ્પમાં ભાગ લેનાર દર્દીઓ આપણા માટે દર્દી નારાયણ છે. દર્દી નારાયણના રુપમાં નારાયણ આપણી સેવા સ્વીકારે છે, એ જ આપણા સદ્ભાગ્ય છે.’ સમાજના વિશાળ મધ્યમ વર્ગની ચિંતા કરતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘સમાજનો એક વર્ગ એવો છે કે જેના ઉપર મા લક્ષ્મીજીએ ખૂબ જ કૃપા કરેલી છે. તેઓ ક્યારેય સહાયની અપેક્ષા રાખતા નથી. એટલુ જ નહિ એમની સંપત્તિનો પ્રવાહ અન્યની સેવામાં સતત વહેતો રહેતો હોય છે. સમાજનો એક વર્ગ એવો છે કે જેને સરકાર તરફથી ભરપૂર સહાયતા પ્રાપ્ત થાય છે. જ્યારે સમાજનો વિશાળ મધ્યમ વર્ગ સર્વ પ્રકારની સહાયતાથી વંચિત છે. આ વર્ગ પુરુષાર્થી છે. લાંબો હાથ કરતા પણ અચકાય છે. આ મધ્યમ વર્ગ સમાજની કરોડરજ્જુ સમાન છે. આ મધ્યમ વર્ગ વિશેષ સુખી થાય, એવી યોજનાઓ બનવી જોઇએ. ધર્મસ્થાનોએ કેટલી મૂડી ભેગી કરી તે મહત્ત્વનું નથી પરંતુ નાનામાં નાના વર્ગના ઉત્કર્ષ માટે આરોગ્ય, શિક્ષણ વગેરે સેવાઓમાં કેટલુ બજેટ ફાળવે છે, તે મહત્ત્વનું છે.’ સ્વામીશ્રીએ બી. ટી. સવાણી કીડની હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને ડો. પ્રદીપભાઇ કણસાગરા વગેરે સર્વે ડોક્ટર મિત્રોનો હૃદયથી આભાર માન્યો હતો અને કહ્યું હતુ કે, ‘એમની સેવાભાવના અને સહકારને લીધે જ આ કેમ્પ શક્ય બને છે. ’
બી. ટી. સવાણી કીડની હોસ્પિટલના ટ્રસ્ટી અને ચેરમેનશ્રી ડો. કણસાગરા સાહેબે જણાવ્યું હતુ કે, ‘મેડીકલ કેમ્પ ઘણા થાય છે, જરૂરી છે, પરંતુ આ કેમ્પ સામાન્ય નિદાન કેમ્પ નથી. આ કેમ્પમાં સોનોગ્રાફી, બ્લડ-યુરીન ટેસ્ટ અને ઓપરેશન સુધીની તમામ સુવિધાઓ વિનામૂલ્ય પુરી પાડવામાં આવે છે, એટલે જ આવા કેમ્પો અમને ગમે છે. બી. ટી. સવાણી હોસ્પિટલમાં આ કેમ્પના ઓપરેશન લાયક દર્દીઓને તે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે જે હોસ્પિટલમાં સર્વ દર્દીઓને ઉપલબ્ધ છે, અર્થાત્ આ કેમ્પ ફ્રી છે એવી કોઇ માનસિકતા એમાં નહિ હોય. પૂજ્ય સ્વામીશ્રીની પ્રેરણાથી રાજકોટ ખાતે આવો એક કેમ્પ યોજાય ચૂક્યો છે, જેમાં આશરે ૪૦૦ દર્દીઓના નિદાન કરવામાં આવ્યા હતા. એમાંથી ૧૨૮ દર્દીઓના ઓપરેશન થયા હતા અને આ ઓપરેશન સોએ સો ટકા સફળ રહ્યા હતા. આ માટે હું મારા સાથી ડોક્ટર મિત્રોનો જેટલો આભાર માનુ એટલો ઓછો છે. આ ડોક્ટરોની કાર્ય-પદ્ધતિ અને કુશળતાથી અમેરિકા જેવા વિદેશના ડોક્ટરો પણ પ્રભાવિત થયેલા છે. આ અમરેલીમાં રહીને ભણ્યો છુ અને મોટો થયો છુ એટલે જ અમરેલીમાં આવા સેવાકાર્ય માટે મને વિશેષ આનંદ થાય છે.’
જી. જી. વિઠ્ઠલાણી ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કૂલના ટ્રસ્ટીશ્રી દિનેશભાઇ વિઠ્ઠલાણી વગેરેએ આ કેમ્પ માટે ગ્રાઉન્ડ તેમજ સ્કૂલની તમામ સુવિધા અત્યંત ભાવથી પુરી પાડી હતી.
આ પ્રસંગે રાજકીય અગ્રણી દિલીપભાઇ સંઘાણી, શ્રીસ્વામિનારાયણ મંદિર, પાણી દરવાજાના વિદ્વાન શાસ્ત્રી શ્રીહરિસ્વરુપદાસજી, શ્રીશુક સ્વામી, અમરેલીના જેસંગપરા, ગજેરાપરા વગેરે વિસ્તારના શ્રીહરિભાઇ સાંગાણી, શ્રીમગનભાઇ બાબુભાઇ માંગરોલીયા, શ્રીમનુભાઇ વગેરે અગ્રણી સત્સંગીઓ, લાયન્સ ક્લબ તેમજ રોટરી ક્લબના અગ્રણીઓ, શ્રીકચ્છી લેવા પટેલ સમાજના અગ્રણી શ્રી પ્રેમજીભાઇ ડોબરીયા, અમરેલીના સુપ્રસિદ્ધ ડોક્ટર મિત્રો, શ્રીપરેશભાઇ ધાનાણી વગેરે રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજુભાઇ ધાનાણી પરિવાર તરફથી દર્દીઓ તેમજ ઉપસ્થિત જન-સમુદાય ઉપરાંત, ભાગ લેનારા સર્વ ડોક્ટરો, સ્વયંસેવકો વગેરે સર્વેની જમવાની વ્યવસ્થા રાજુભાઇ ધાનાણી પરિવાર તરફથી કરવામાં આવી હતી.