શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, કેન્ટન, લંડન
Fun Day Celebration
યુકે ખાતે વિચરણ દરમિયાન સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી લંડન – કેન્ટન ખાતેના શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરમાં પધાર્યા હતા. મંદિરના અગ્રણીઓએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું.
આગામી ડિસેમ્બર માસમાં આ સ્વામિનારાયણ મંદિરની ૫૦ વર્ષની સુવર્ણ જયંતી ઉજવવાનું આયોજન થયેલું છે. જેના ભાગરૂપે મંદિરના બાલ-યુવક મંડળના સભ્યોએ વર્ષ દરમિયાન અનેક પ્રેરણાદાયક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
આ ઉજવણીના ભાગ રૂપે મંદિરના વિશાળ પ્રાંગણમાં બાળકોએ આકર્ષક ‘ફન ડે – આનંદ મેળો’ યોજ્યો હતો સાથોસાથ અનેકવિધ બોડી ચેક અપના કાર્યક્રમો પણ યોજાયા હતા.
આ ફન ડેની મંગલ શરૂઆત સ્વામીશ્રીની મંગલ નિશ્રામાં બેન્ડના સુમધુર સૂરો સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના પ્રમુખ શ્રી વિશ્રામભાઈ વાઘજી માયાણી, ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ રાબડીયા, સેક્રેટરી શ્રી કાનજીભાઈ, કમિટિના અગ્રણી સભ્યો શ્રીધનજીભાઈ હાલારીયા, દેવજીભાઈ માયાણી તથા શિવજીભાઈ વગેરેએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આકર્ષક સ્ટોલ બનાવ્યા હતાં તેમજ ભાત ભાતની સ્વાદિષ્ટ વાનગીઓ જાતે બનાવી સર્વને હોંશથી જમાડ્યા હતા. આ પ્રસંગે ભાવિક ભક્તજનોએ પણ ઉદાર મનથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ફંડ રેઈઝીંગમાં ભાગ લઈને સારો એવો સહકાર આપ્યો હતો.
આ નિમિત્તે આશરે દશ હજાર પાઉન્ડ જેટલી રકમ બાળકોએ એકઠી કરી હતી અને એ બધી જ રકમ અહીંની સેન્ટ લુકેઝ હોસ્પીસમાં જીવનની અંતિમ ક્ષણોની રાહ જોઈ રહેલા દર્દીઓ માટે તેમજ નેપાળ ભૂકંપ સહાય, એશિયાના માનસિક દર્દીઓની સેવામાં અને ‘મેન કેપ’ સંસ્થા દ્વારા ચાલી રહેલી દર્દીઓની સેવામાં અર્પણ કરવામાં આવશે.
બાળકો તેમજ યુવાન ભાઈ-બહેનો દ્વારા ઉત્સાહથી થઈ રહેલા આ સેવાકાર્યોને જોઈને સ્વામીશ્રીએ સર્વને બિરદાવીને પ્રોત્સાહિત કર્યા હતા અને કહ્યુ હતું કે, ‘આ ઈંગ્લેન્ડની ધરતી ઉપર જન્મેલા દિકરા-દિકરીઓ આટલું સુંદર સેવાકાર્ય કરી રહ્યા છે તે અભિનંદનીય છે. ધર્મ પ્રત્યેની તેમની નિષ્ઠા સરાહનીય છે. મંદિરની વિવિધ રચનાત્મક સેવા-પ્રવૃત્તિમાં આ યુવાનોની એનર્જી વપરાય રહી છે. અન્યથા આ જ એનર્જી બીજે માર્ગે વેડફાઈ ચૂકી હોત.’
વિશેષમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘જ્યારે ૫૦ વર્ષ ઉજવાય રહ્યા છે ત્યારે આ મંદિરના પાયાના પથ્થરોને ક્યારેય ભૂલશો નહીં. આ મંદિરનું નિર્માણ શૂન્યમાંથી સર્જન થયા બરાબર છે. આ મંદિરના વિકાસના એક એક તબક્કાના અમે સાક્ષી છીએ. કોઈ પણ મંદિર જ્યારે આવા સેવાકાર્યો કરે ત્યારે અમને બહુ જ ગમે છે અને આ જ સાચો ધર્મ છે.’
આ પ્રસંગે મંદિરના આગેવન કાર્યકર્તાઓએ મંદિરની ગોલ્ડન જ્યુબિલી મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું.
શીશુકુંજ ભવન ઉદ્ધાટન. લંડન
બાલ વિકાસ માટે દુનિયાના અનેક દેશોમાં શીશુકુંજ સંસ્થા કાર્ય કરી રહી છે. યુ.કે.ના વિવિધ વિસ્તારમાં પણ શીશુકુંજ કેન્દ્રો ચાલી રહ્યા છે. આ સંસ્થા દ્વારા બાળકોમાં સંસ્કાર યુક્ત વિવિધ કલાના પોષણનું સુંદર કાર્ય થાય છે. જેમાં મ્યુઝીક, ડાન્સ, વક્તૃત્ત્વ, પ્રાર્થના, રંગપૂરણી વગેરે અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાલવિકાસના કાર્યો થઈ રહ્યા છે.
શીશુકુંજના કેન્દ્રમાં આવનારા બાળકો ઉપરાંત ભારતના અંતરીયાળ વિસ્તારમાં બાળકોના વિકાસ માટે ચાલતી પ્રવૃત્તિના પોષણ માટે શીશુકુંજ દ્વારા સહાય કરવામાં આવે છે.
યુરોપ ખાતે ચાલી રહેલી પ્રવૃત્તિના મુખ્ય કેન્દ્રનું લંડન ખાતે નિર્માણ કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં બાળકો એકત્રિત થઈને શીશુકુંજની પ્રવૃત્તિઓ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ ‘શીશુકુંજ ભવન’ના ઉદ્ઘાટન સત્ર પ્રસંગે આયોજકોના આમંત્રણને માન આપીને સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ખાસ પધાર્યા હતા. પૂજ્ય સ્વામીજી પણ ગુરુકુલના માધ્યમથી બાળ વિકાસની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે; જેથી શીશુકુંજના કાર્યકર્તાઓને સ્વામીજી સાથે સ્નેહભરી લાગણી છે.
શીશુકુંજના ઉદ્ઘાટન પ્રસંગે યોજાએલ કાર્યક્રમમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘શીશુકુંજ સાથે અમારો વર્ષો જૂનો સંબંધ છે. આપણું ધ્યેય એક છે.’
‘બાળકો ભગવાનનું સ્વરૂપ છે. બાળકોમાં રહેલ શક્તિઓને વિકસવાનો અવસર આપવો એ આપણી સેવા છે. શીશુકુંજમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વિશાળ દૃષ્ટિકોણ ધરાવતા બાળકો તૈયાર કરવામાં આવે છે તે આનંદની વાત છે.’
આ પ્રસંગે શીશુકુંજના આગેવાન શ્રી રમેશભાઈ માવજી પટેલ, વાઈસ પ્રસિડેન્ટ શ્રી રાજેશભાઈ શાહ તથા શ્રી રાજભાઈ મિસ્ત્રી, ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ ધાનાણી, જગદીપભાઈ શાહ, ભરતભાઈ ધાનાણી, બિલ્ડીંગ ટીમ ચેરમેન શ્રી નીતિનભાઈ મહેતા વગેરેએ પૂજ્ય સ્વામીજીનો આભાર વ્યક્ત કર્યો હતો.
Hindu Lifestyle Seminar: 10 – 11 – 12 July @ Northolt, London
SGVP ગુરુકુલ પરિવાર – યુકે દ્વારા શ્રી કચ્છ લેવા પટેલ સમાજ – નોર્થહોલ્ટ, લંડન ખાતે ત્રિદિનાત્મક ‘હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર-૨૦૧૫’નું આયોજન થયું હતું.
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાએલ આ સેમિનારમાં હિંદુ ધર્મની જીવનરીતિને અનુસારે ‘દિવ્ય જીવન’ જીવવાની મંગલ પ્રેરણા પાઠવી હતી.
સેમિનારના પ્રારંભે દીપ પ્રાગટ્ય બાદ જીવન સંદેશ પાઠવતા પૂજ્ય સ્વામીશ્રી કહ્યું હતું કે, “દિવ્ય જીવનનો અર્થ છે, સદ્ગુણોથી ભરેલું જીવન. જેમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર વગેરે કશું જ ન હોય એવું જીવન. વેદ, ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ ગીતા દિવ્ય જીવનનો માર્ગ ચિંધે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતો પણ આપણને એ જ માર્ગે દોરે છે. વચનામૃત કોઈ સાંપ્રદાયિક ગ્રંથ ગણી શકાય નહીં. વેદ, ગીતાજી અને ઉપનિષદોની જેમ જ વચનામૃત એક આધ્યાત્મિક ગ્રંથ છે.”
વચનામૃતને આધારે માર્ગદર્શન આપતા સ્વામીશ્રીએ કહ્યું હતું કે, “પરમાત્મા અને આત્માની વચ્ચે માયાએ સર્જેલું મોટું આવરણ છે. પુરુષાર્થ કરવા છતાં પણ જીવ માયાના આવરણને ભેદીને પરમાત્મા સુધી પહોંચી શકતો નથી તેથી જીવાત્માને સુખી કરવા માટે પરમાત્મા સ્વયં અવતાર ધારણ કરીને પૃથ્વી પર પધારે છે અને મૂર્તિરૂપે પણ બિરાજે છે. જેની ઉપાસના કરીને જીવ પરમ તત્ત્વને પામે છે.”
“પરમાત્મા જીવાત્માની સાથે અખંડ બિરાજે છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે પરંતુ રાજસી-તામસી આહારના કારણે જીવના અંતઃકરણમાં છવાયેલી મલિનતાને કારણે જીવાત્મા પરમાત્માનો આનંદ માણી શકતો નથી. અંતઃકરણને શુદ્ધ કરવા માટે હરિનામ સ્મરણ મહત્ત્વનો ભાગ ભજવે છે.”
ગહન તત્ત્વજ્ઞાનને સરળતાથી સમજાવવાની સ્વામીશ્રીની અનોખી રીત અને સ્વામીશ્રી સાથે થયેલી પ્રશ્નોત્તરીથી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનો અત્યંત પ્રસન્ન થયા હતા.
પૂજ્ય સ્વામીશ્રીની સાથે પધારેલા સંતોએ માનવતાનું મૂલ્ય, સંસ્કારનું મહત્ત્વ, દિવ્ય સંત જીવન તથા આદર્શ માનવજીવન વગેરે વિષયોને આધારે જીવનપ્રેરક વાતો કરી હતી.
આ સેમિનાર દરમિયાન લંડનના બાળકો તથા યુવાનો તેમજ બાલિકા તથા બહેનો દ્વારા ખૂબ જ રસપ્રદ અને પ્રેરક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. જેમાં વિવિધ પ્રકારના નૃત્યો, દેશભક્તિ સભર નૃત્યો, વાર્તા કથન, રૂપક, પિયાનો વાદન, ભરતનાટ્યમ્ વગેરે અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
એકાદશીના પવિત્ર દિવસે સવારે સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજામાં જોડાએલા ભક્તજનોને પૂજ્ય સ્વામીશ્રીએ મહાપૂજાનો મહિમા સમજાવીને પૂજાવિધિ કરાવી હતી.
આ સેમિનારને માણવા માટે શ્રી શશીભાઈ વેકરીયા(વાસક્રોફટ બિલ્ડર્સ), શ્રી હરિભાઈ હાલાઈ, શ્રીકૃષ્ણ ત્યાગીજી (IAS ટ્રેઈનર, નિવૃત્ત બીબીસી રીપોર્ટર), કૈલાશકુમાર સિંગ (નિવૃત્ત મેનેજર, એર ઈન્ડિયા), શ્રી ગોપાલભાઈ પોપટ(ચેરમેનશ્રી, એશિયન ફાઉન્ડેશન), શ્રી સુનિલભાઈ નાણાવટી (સ્ટ્રક્ચર એન્જી. અમદાવાદ), શ્રી રામજીભાઈ વેકરીયા – નાઈરોબી, શ્રી રવજીભાઈ વરસાણી- મોશી, શ્રી માવજીભાઈ વેકરીયા (પ્રમુખશ્રી, શ્રી ક.લે.પ.સ.- લંડન), શ્રી ભરતભાઈ શાહ (શીગ્મા ફાર્મસી), શ્રી મનુભાઈ રામજી (કિંગ્સ કીચન) તેમજ લંડન ઉપરાંત યુ.કે.ના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ ભાગ લીધો હતો.
આ સેમિનાર સફળતાપૂર્વક સંપન્ન થાય તેવા હેતુથી SGVP ગુરુકુલ પરિવાર- યુકેના સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ સારી મહેનત કરીને તમામ વિભાગનું સુપેરે સંચાલન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ શ્રી શામજીભાઈ વેકરીયાની આગેવાની નીચે ઈસ્ટ લંડનના ભાઈબહેનોએ રસોડાની સેવા ઉત્સાહથી કરી હતી.