On the Occasion of Hindu Lifestyle Seminar and Katha Parayan, Sadguru Shastri Shree Madhavpriyadasji Swami ans Saint-Mandal are on Satsang Yatra of UK.
For Contacts :Sadguru Shastri Shree Madhavpriyadasji Swami: 0778 737 6672 Sant Mandal: 0779 353 1382 Govindbhai Raghvani: 0795 822 6807 / 0208 452 6375 Ravjibhai (Kanti) Hirani: 0796 035 9999Govindbhai Patel (Kerai): 0783 109 2042
Heathrow, London 24 May 2013
કાર્ડિફ :-
કાર્ડિફ ખાતે ત્રિદિનાત્મક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભામાં SGVP ખાતે ઉજવાયેલા હિંદુ સદ્ગુરુઓ અને સંસ્કૃતિની ચોદિશામાં સુવાસ પ્રસરાવનારા ‘સદ્ગુરુ વંદના મહોત્સવ’માં સહયોગ દેનારા અનેક સહયોગીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું અને મહોત્સવની સ્મૃતિ અર્પણ કરવામાં આવી હતી.આ સભામાં પૂજ્ય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલીફોનીક આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સદ્ગુરુ વંદના મહોત્સવ દ્વારા અનેક મૂલ્યવાન કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં બે મુખ્ય કાર્યો રહ્યા. સમસ્ત વિશ્વ ધાર્મિક સમરસતાથી એક બને અને સમાજથી તરછોડાયેલી પ્રજા પ્રેમ, લાગણી અને હૂંફ મેળવીને પ્રગતિ સાધે.આ મહોત્સવમાં વિવિધ ધર્મના અનેક ધર્માચાર્યોએ પધારીને હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરી. આ મહોત્સવ નિમિત્તે આર્થિક સંકડામણને કારણે વિદ્યાભ્યાસ માટે ચિંતિત પરિવારની ૧૦૮ દિકરીઓને વિદ્યાસહાય અર્પણ કરવામાં આવી. જરૂરીયાતમંદ દર્દીઓની ફ્રી ઓપરેટીવ કેમ્પ દ્વારા સેવા કરવામાં કરવામાં આવી.મહોત્સવમાં થનારા અનેક પ્રસંગોને યાદ કરીને સ્વામીજીએ ઉમેર્યું કે, ભગવાનની પૂજા ઉપરાંત જરૂરીયાત મંદ વ્યક્તિઓને મદદ કરવી તે પણ ઠાકોરજીની જ સેવા છે. આપ સૌ ભક્તજનો સત્સંગની સાથો સાથ સત્કર્મ પણ કરતા રહેશો.આ સભાના કાર્યક્રમને સફળ કરવા માટે શ્રી કચ્છી લેવા પટેલ સમાજના તમામ કાર્યકર્તા ભાઈ-બહેનોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
લેસ્ટર :-
લેસ્ટરમાં નિવાસ કરનારા ભક્તજનોના ઘરે પધરામણી, મહાપૂજા અને સત્સંગ ઉપરાંત શુક્રવારના રોજ સંધ્યા સમયે હિંદુ સનાતન મંદિરમાં વિશેષ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભામાં સારી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોને પ્રેરણાત્મક વચનો કહેતા પૂ. સ્વામીજીએ જણાવ્યું હતું કે, “સર્વ હિંદુઓએ અમે વૈદિક સંસ્કૃતિના સનતાન છીએ એવું ગૌરવ ધારવું જોઈએ. નિત્ય શાસ્ત્રનો સ્વાધ્યાય અને ભગવાનના મંત્રનો જપ એ આપણા જીવનને આનંદથી ભરી દેશે. પોતાનું કલ્યાણ ઈચ્છતા માનવે સદ્ગુરુ સંગ અવશ્ય રાખવો જોઈએ.”જીવનને નિત્ય પ્રેરણા આપનારા વચનો સાંભળીને તથા ગુરુકુલ દ્વારા થઈ રહેલી અનેકવિધ સેવાપ્રવૃત્તિઓથી સૌ ભાવિકો અત્યંત પ્રસન્ન થયા હતા.આ સભાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સનાતન મંદિરના અધ્યક્ષ શ્રી રમણભાઈ, શ્રી હરિભાઈ જેઠાભાઈ, શ્રી રોહિતભાઈ ત્રિવેદી, શ્રી યોગેશભાઈ ગાંધી, શ્રી હસમુખભાઈ વાઢેર તથા ગુરુકુલ પરિવારના ભક્તજનોએ ખૂબ જ સારો પ્રયાસ કર્યો હતો.
બોલ્ટન :-
પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના વિચરણ સમયથી માંડીને અત્યાર સુધી અખંડ ગુરુકુલ સાથે સ્નેહ ધરાવનારા શ્રી કચ્છી લેવા પટેલ સમાજ-બોલ્ટનનાં ભાવિકોએ ત્રિદિનાત્મક સત્સંગ સભાનું આયોજન કર્યું હતું.જેમાં સંકીર્તન, સત્સંગ સભા, ઠાકરથાળી વગેરે આયોજનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી મનજીભાઈ શીયાણીનો જન્મદિન પણ ઉજવવામાં આવ્યો હતો.ત્રિદિનાત્મક સત્સંગ સભામાં પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ કથાવાર્તા કરી હતી. પૂજ્ય સ્વામીજીએ ભક્તજનોને ભગવાન શ્રી સ્વામિનારાયણનો દિવ્ય મહિમા વર્ણવીને ભગવાન શ્રી સ્વામિનારાયણનો દિવ્ય મહિમા વર્ણવીને ભગવાનના શરણે ભરોસો રાખવાની ભલામણ કરી હતી. વ્યસનોથી મુક્ત રહીને સંસ્કાર અને સત્સંગથી નજીક રહેવાની તથા સામુહિક હરિભજન કરવાની ભલામણ પણ કરી હતી.આ ત્રણેય દિવસ દરમ્યાન ખૂબ જ સારી સંખ્યામાં ભક્તજનોએ એકત્રિત થઈને કથાવાર્તાનો લાભ લીધો હતો અને સમાજના આગેવાનોએ ખૂબ જ પ્રેમથી બધી વ્યવસ્થાઓ સંભાળી હતી.
ઓલ્ડહામ :-
માન્ચેસ્ટર અને ઓલ્ડહામમાં નિવાસ કરતાં ભક્તજનોને સત્સંગનો લાભ મળે તેવા હેતુથી ભગવાન શ્રી રાધાકૃષ્ણદેવના મંદિરમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સત્સંગ સભામાં પૂ. સ્વામીજીએ ભાવિકોને વૈદિક ઋષિમુનિઓની દિવ્ય વાણી અને ભારતીય શાસ્ત્રોની વિશાળ ભાવનાની મહત્તા સમજાવતા “સર્વે સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત્ દુઃખભાગ્ભવેત્” મંત્રનું વિસ્તાર પૂર્વક વર્ણન કર્યું હતું.ઋષિમુનિઓની દિવ્યવાણીનો મર્મ સમજ્યા બાદ પ્રસન્ન થયેલા મંદિરના આગેવાનોએ પૂ. સ્વામીજીનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને પુનઃ પુનઃ પધારવા વિનંતી કરી હતી.સુંદર સત્સંગ સભાનું આયોજન કરવામાં શ્રી રાધાકૃષ્ણ મંદિરના આગેવાનો તથા ગુરુકુલ પરિવારના ભક્તજનોએ હૃદયપૂર્વક પ્રયાસ કર્યો હતો.
ઈસ્ટ લંડન :-
શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર – ઈસ્ટ લંડન મુકામે નિવાસ દરમિયાન મંદિરના ભાવિક ભાઈ-બહેનો તથા ગુરુકુલના ભૂતપુર્વ વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રેમપૂર્વક સત્સંગનો લાભ લીધો હતો.નિત્ય સભામાં કથાવાર્તા ઉપરાંત ઉપરાંત ઠાકરથાળી, યુવા સત્સંગ સભા, ઠાકોરજીની પધરામણી, મહાપૂજા જેવા અનેક આયોજનોમાં ભક્તજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વિવિધ પ્રકારના આયોજનોને સફળ કરવામાં મંદિરના પ્રમુખ શ્રી શામજીભાઈ વેકરીયા તથા કમિટિના સભ્યશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તથા નાના-મોટા યુવાનોઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
કેન્ટર, હેરો :-
વિદુરનીતિ સપ્તાહ પારાયણ:-
લંડન સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર – કેન્ટર, હેરો ખાતે સપ્તદિનાત્મક ‘વિદુરનીતિ’ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.અ.નિ. માતુશ્રી રંજનાબેન હરીશ પ્રેમજી પીંડોરીઆ તથા અ.નિ. પ્રેમજીભાઈ કરશન પીંડોરીઆ તથા અ.નિ. કરશનભાઈ નારાણ પીંડોરીઆ તથા અ.નિ. રામબાઈ કરશન પીંડોરીઆના મોક્ષાર્થે સુપુત્ર ચિ. મેહુલ કુમાર, કુમારી ચિ. હર્શિતા, પ.ભ.શ્રી હરીશ પ્રેમજી પીંડોરીઆ તથા સમસ્ત પરિવારના યજમાનપદે ભગવાન શ્રી સ્વામિનારાયણે અષ્ટ સત્શાસ્ત્રોમાં જેમને ગણાવેલ છે એવા ધર્મશાસ્ત્ર તુલ્ય ‘વિદુરનીતિ’ની સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવેલ.આ પારાયણ દરમ્યાન પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વ્યાસાસન પર બિરાજીને વિદુરનીતિમાં દર્શાવેલા ધર્મોના અલૌકિક રહસ્યો જણાવ્યા હતા. ગ્રંથના સરળ અર્થોની સાથે જે તે ધર્મોના વર્તમાન સંદર્ભે થતો અર્થવિસ્તાર કર્યો હતો.તદુપરાંત વિદુરનીતિમાં દર્શાવેલા ધર્મોનું લૌકિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્યને સમજાવતા હતા.વિદુરનીતિમાં રહેલા અનેક સહસ્યોને જાણીને સર્વે ભાવિક ભક્તજનો અત્યંત પ્રસન્ન થયા હતા.આ કથાના આયોજનને સફળ બનાવવામાં યજમાનોની સાથે મંદિરના પ્રમુખ શ્રી વિશ્રામભાઈ, કમિટિના સભ્યશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તથા અનેક ભાઈ-બહેનોએ ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો.
Visit of St. Luke’s Hospice
લંડન, કેન્ટન વિસ્તારમાં આવેલ ‘સેન્ટ લુક્સ હોસ્પીસ’ની મુલાકાતે પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી પધાર્યા હતા. અહીં થતી માનવ સેવાને જોઈને પ્રસન્નતા વ્યક્ત કરતાં સ્વામીજીએ જણાવ્યું હતું કે, “મરવાનું તો સર્વેને છે, પરંતુ અહીંયા જે રીતે મૃત્યુની પળોને સંતોષ અને શાંતિમય બનાવવામાં આવી છે તે જોઈને સંતોષ થાય છે.”સ્વામીશ્રીએ આ હોસ્પીસ સેન્ટરની મુલાકાત લીધી ત્યારે આ સેન્ટરના ડાયરેકટર શ્રી ડૉ. માઈક કોનાર્ડ તથા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ વેલજી ભંડેરીએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું.ડૉ. માઈકે આ સેન્ટરનો પરીચય આપતા જણાવ્યું હતું કે, કેન્સર વગેરે જીવલેણ રોગથી ગ્રસ્ત લોકોને જ્યારે ડૉક્ટરો રજા આપી દે છે તેવા દર્દીઓ પોતાના અંતિમ દિવસો શાંત અને રમણીય વાતાવરણમાં પસાર કરી શકે તે માટે આ સેન્ટર સેવા બજાવી રહ્યું છે. આ સેન્ટર જાહેર જનતાના દાનથી ચાલે છે. સેવાભાવી યુવાન ભાઈ-બહેનો, વડીલો મીડનાઈટ વોક જેવા કાર્યક્રમો યોજીને લાખો પાઉન્ડ ભેગા કરે છે અને આ સેન્ટરને ચલાવવામાં મદદ કરે છે.અહીં જેમને જીંદગીમાં છેલ્લા દિવસો બાકી રહ્યા છે તેવા લોકોને સર્વ પ્રકારે સુવિધાઓ પુરી પાડી સતત આનંદ અને શાંતિમય વાતાવરણમાં રાખવામાં આવે છે.અહીંયા હોસ્પિટલોમાંથી રજા અપાયેલા દર્દીઓ યુવાન હોય કે વૃદ્ધ હોય તેમને વિના મૂલ્યે રાખવામાં આવે છે અને રહેવા, જમવાની તેમજ ડૉક્ટરો અને નર્સોની સંપૂર્ણ સગવડતા પુરી પાડવામાં આવે છે.મૂળ રામપર વેકરાના અને કચ્છી સમાજના અગ્રણી શ્રી રમેશભાઈ ભંડેરી અહીં ટ્રસ્ટી તરીકેની જવાબદારી વહન કરી પોતાની સેવાઓ અર્પણ કરે છે. એ જ રીતે શ્રીમતિ અંજનાબેન દિપક વેકરીયા (દેવશી ધનજી વેકરીયા પરિવાર-નાઈરોબી), મનિષાબેન હિરાણી વગેરે અનેક ભારતીય ભાઈ-બહેનો આ સેન્ટરમાં સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે. પૂ. સ્વામીશ્રીએ આવા પવિત્ર સેન્ટરમાં સેવા આપનારા ભાઈ-બહેનોને બિરદાવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય તથા ભારતીય સંસ્કૃતિના સંસ્કારો તેમને નિઃસ્વાર્થભાવે સેવા કરવા પ્રેરી રહ્યા છે.શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર તરફથી પણ આ કેન્દ્રને અવારનવાર સહકાર આપવામાં આવે છે.કચ્છના મનિષાબેન હિરાણીએ પોતાની વર્ષગાંઠ પ્રસંગે પોતાના માથાના વાળ ઉતારી સ્પોન્સરશીપ દ્વારા આશરે રૂા. ૨૫ લાખ ભેગા કર્યા અને આ સેન્ટરને અર્પણ કર્યા હતા.પૂ. સ્વામીશ્રીની પ્રેરણાથી યુ.કે. સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવારવતી આ કેન્દ્રને રૂા. ૫૧,૦૦૦નું યોગદાન આપવામાં આવ્યું હતું અને પૂ. સ્વામીશ્રીએ આવા પવિત્ર સેન્ટરમાં સેવા આપનારા ભાઈ-બહેનોને બિરદાવ્યા હતા.ચારેય બાજુ બાગ-બગીચા અને રમણીય વાતાવરણને જોઈ સ્વામીશ્રીએ કહ્યું હતું કે, અહીં જે સેવાઓ થઈ રહી છે તે ખરેખર પરમાત્માની સેવા છે.સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, દેશ હોય કે વિદેશ. જ્યારે અમે આવા સેવાના સેન્ટરો જોઈએ છીએ ત્યારે અમને મંદિરમાં દર્શન કર્યા જેટલો જ આનંદ આવે છે. ભારતના લોકોએ વિદેશોની અનેક સારી વસ્તુઓનું અનુકરણ કરવું જોઈએ.સ્વામીશ્રીની સાથે સંતો તથા ગુરુકુલ પરિવારના સભ્યો શ્રી ગોવિંદભાઈ કેરાઈ, શ્રી અરવિંદભાઈ હાલાઈ, શ્રી જયંતિભાઈ વેકરીયા, આશિષ સાવલિયા પણ જોડાયા હતા.
Religious Meeting Catholic Pope in the Vatican City, Rome
યુરોપની યાત્રા દરમ્યાન સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી કેથોલિક ખ્રીસ્તી સમુદાયના અત્યંત પવિત્ર સ્થળ ‘વાટીકન’(રોમ) ખાસ પધાર્યા હતા.વાટીકનના માનનીય કાર્ડીનલ તાઉરન સાથે સ્વામીજીની ખાસ ધાર્મિક બેઠક યોજાઈ હતી.આશરે સીત્તેર વર્ષના કાર્ડીનલ તાઉરન કેથોલિક ખ્રીસ્તી સમુદાયમાં આદરણીય સ્થાન ધરાવે છે. વર્તમાન માનનીય પોપ શ્રીફ્રાન્સીસની વરણીના સમાચાર સર્વપ્રથમ માનનીય કાર્ડીનલ તાઉરન દ્વારા વિશ્વમાં પ્રસારીત થયા હતા.માનનીય કાર્ડીનલશ્રી તથા તેમના સેક્રેટરી રેવરન્ડ ફાધર મિગ્વેલ દ્વારા સ્વામીશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક બેઠકમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચાઓ થઇ હતી.પરસ્પર વિચારોની આપ-લે કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘બે ધર્મો વચ્ચે મતભેદ હોય તે સ્વાભાવિક છે પરંતુ સાથોસાથ બે ધર્મોમાં ઘણી બધી સમાનતાઓ પણ હોય છે. આપણે સમાનતાઓને આગળ રાખીને ચાલવું જોઇએ.’આદરણીય કાર્ડીનલે જણાવ્યું હતું કે, ‘સમય પરિવર્તિત થયો છે, આપણે એકબીજાને આદર આપતાં શીખવું જોઇશે.’ભારતવાસીઓને સંદેશ આપતાં કાર્ડીનલે જણાવ્યું હતું કે, ‘ભારતમાં જેમ બને તેમ નવી પેઢી વધારેને વધારે સુશિક્ષિત થાય, એ જરૂરી છે.’સ્વામીશ્રીએ સંસ્કાર સાથે શિક્ષણ આપનાર ગુરુકુલ શિક્ષણ-પદ્ધતિની તેમજ એસજીવીપીના સેવાકાર્યોની વાત કરી હતી, જે સાંભળીને કાર્ડીનલે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કાર્ડીનલના સેક્રેટરી રેવરન્ડ ફાધર મિગ્વેલે જણાવ્યું હતું કે, ‘વર્તમાન સમયે ભૌતિકવાદની અસરને લીધે ધાર્મિકતામાં ઓટ આવતી દેખાય છે. જેનાથી નિરાશ થયા સિવાય ધર્મગુરુઓએ સીધાં-સાદાં જીવન અને ઉત્તમ સેવાકાર્યોથી યુવાપેઢીમાં ધર્મ પ્રત્યે વિશ્વાસ ટકાવી રાખવો જોઇએ.’સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘જગતના ધર્મગુરુઓએ પરસ્પર ખુલ્લા હૃદયથી ચર્ચાઓ કરવી જોઇએ, એક-બીજાને સમજવાનો પ્રયાસ કરવો જોઇએ અને એક-બીજાની માન્યતાને આદર આપવો જોઇએ, જેથી ધાર્મિક સમન્વયનો સેતુ સુદૃઢ બને.’ કાર્ડીનલનો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત હતો, તેઓ બહાર જવાના હતા પરંતુ આ ધાર્મિક બેઠકને માટે તેઓશ્રીએ પોતાના પ્રોગ્રામમાં પરિવર્તન કર્યું હતું. આ બેઠક યોજવામાં અમેરીકન યહુદી કોમ્યુનિટીના અધ્યક્ષ રબાઈ ડેવીડ રોઝન તથા રેવરન્ડ ફાધર મિગ્વેલે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. બેઠક અત્યંત પ્રસન્ન વાતાવરણમાં પૂર્ણ થઇ હતી.આદરણીય કાર્ડીનલની ઓફિસની દીવાલમાં વિવિધ ધર્મના આગેવાનો અને માનનીય પોપ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સુંદર અને વિશાળ રેખાચિત્ર રાખવામાં આવેલ છે. આ રેખાચિત્રની પશ્ચાત્ ભૂમિકામાં સમૂહ તસ્વીર ખેંચવામાં આવી હતી. આ રેખાચિત્ર ખ્રીસ્તી જગતમાં મહાત્મા ગાંધીજી પ્રત્યે આદર અને સન્માનનું સૂચક છે. રેવરન્ડ ફાધર મિગ્વેલના આસીસ્ટન્ટ ડો. માઈકેલે આ બેઠકમાં સંયોજક તરીકેની ભૂમિકા ભજવી હતી. બનારસમાં અભ્યાસ કરેલો હોવાથી ડો. માઈકેલ હિન્દી ભાષા સારી રીતે જાણે છે. સ્વામીશ્રીએ પણ બનારસમાં વેદાંતાચાર્યની ડીગ્રી મેળવેલી હોવાથી ભારતની પવિત્ર નગરી વારાણસીની સ્મૃતિઓ તાજી થઇ હતી. આ યુરોપ ખંડની યાત્રામાં સ્વામીશ્રીની સાથે આદરણીય શ્રીગોવિંદભાઇ કેરાઈ તથા શ્રીગોવિંદભાઇ રાઘવાણી તેમજ શ્રીરામસુખદાસજી સ્વામી, શ્રીકુંજવિહારીદાસજી સ્વામી, શ્રીશ્રુતિવલ્લભદાસજી સ્વામી, શ્રીમુનિવત્સલદાસજી સ્વામી અને પાર્ષદ શ્રીઘનશ્યામ ભગત પણ જોડાયા હતા.