Photo Gallery
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે તારીખ ૧૨ ઓગસ્ટના રોજ ૪૫-મા જ્ઞાનસત્ર અંતર્ગત કવિવર શ્રી ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસની પવિત્ર સ્મૃતિમાં ‘ત્રિભુવનસત્ર’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં યોજાયેલા આ સત્રમાં ગુરુકુલ સંસ્થાની સ્થાપના અને વિકાસમાં જેમનું અપાર યોગદાન રહ્યું છે એવા કવિવર શ્રી ત્રિભુવનભાઈના સાહિત્ય વિશે મનનીય પ્રવચનો થયા હતા.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ગોઠિયા મિત્ર, ઉત્તમ શિક્ષક, સ્વાતંત્ર્ય સેનાની, કવિ, લેખક વગેરે અનેક પ્રતિભાઓના સ્વામી એવા શ્રી ત્રિભુવનભાઈ વ્યાસ દ્વારા ખૂબ મોટા પાયે સાહિત્ય સર્જન થયું છે. આ સાહિત્યે ગુજરાતી ભાષાને ગૌરવવંતી બનાવી છે. ત્યારે એ કવીશ્વરને વંદના કરવાનો પ્રયાસ ગુરુકુલ દ્વારા કરવામાં આવ્યો હતો.
ત્રિભુવનસત્રમાં શ્રી ત્રિભુવનભાઈ દ્વારા રચાયેલા સાહિત્ય ઉપર વક્તાશ્રીઓએ ખૂબ મનનીય અને રસેયુક્ત પ્રવચનો કરી સહુને પ્રભાવિત કર્યા હતા. જેમાં શ્રી ડૉ. સતીશ વ્યાસે ‘સત્ત્વશોધના સાહિત્યકાર ત્રિભુવન વ્યાસ’, શ્રી ચંદ્રકાન્ત વ્યાસે ‘ત્રિભુવન વ્યાસનાં બાળકાવ્યો’, ડૉ. સમીર ભટ્ટે, ‘ઘરદીવડે ચીંધેલ મારગ હરિનો’ તથા ડૉ. જગદીશ ત્રિવેદીએ ‘ત્રિભુવન વ્યાસના ચંદ્રાવળા’ વિષય ઉપર પ્રવચનો કર્યા હતા.
સાથે સાથે પૂજ્ય સ્વામીજી તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ ત્રિભુવનભાઈ વ્યાસ સાથેના પોતાના સંસ્મરણો તથા તેમના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સાથેના અનોખા સંબંધ વિષે કેટલીક રસપ્રદ વાતો કરી હતી.
આ સત્રમાં સર્વશ્રી કવિ રાજેન્દ્ર શુક્લ, રજનીકુમાર પંડ્યા, માધવ રામાનુજ, મનસુખભાઈ સલ્લા, શરદ ઠાકર, ચંદ્રકાંત વ્યાસ, રાઘવજી માધડ, હરદ્વાર ગૌસ્વામી, કિશોરસિંહ સોલંકી, અરવિંદ બારોટ, મહેશ યાજ્ઞિક, ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી, છાયાબેન ત્રિવેદી, પૂર્વિબેન ઓઝા, રક્ષાબેન શુક્લ વગેરે મોટી સંખ્યામાં ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારો પધાર્યા હતા.
ખાસ કરીને આ પ્રસંગે ત્રિભુવનભાઈના દીકરીઓ શ્રી રશ્મિબેન, પુષ્પાબેન, ચંદાબેન તથા વિમલભાઈ દવે વગેરે અન્ય પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી ત્રિભુવનભાઈ દ્વારા રચાયેલા ચંદ્રાવળાનું સંકલન કરીને ‘ચંદ્રવળા’ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત SGVP કેમ્પસના ડાયરેક્ટર શ્રી જયદેવભાઈ સોનગરા તથા ગુરુકુલના ટ્રષ્ટી અને ભૂતપૂર્વ હાઈકોર્ટ જસ્ટીસ શ્રી ઢોલરિયા સાહેબે કર્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું સુચારું સંચાલન નિસર્ગ આહીરે સંભાળ્યું હતું. આભારવિધી ડૉ. અશ્વિન આણદાણીએ કરી હતી.