ઓપન હાર્ટ સર્જરીથી SGVP હોલીસ્ટીક હોસ્પિટલમાં ૬ બાળકોને નવજીવન મળ્યું.
અમદાવાદના આંગણે ખુબજ જટિલ એવી બાળકોની ઓપન હાર્ટ સર્જરીમાં મળી મોટી સફળતા મળી છે.
માં-બાપની પ્રાર્થના અને SGVP હોલીસ્ટીક હોસ્પિટલના ડોકટરોની મહેનત ફળતા ગુજરાતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે SGVP હોલીસ્ટીક હોસ્પિટલે નવતર સિદ્ધી હાંસલ કરી છે.
સંસ્થાના અધ્યક્ષ ગુરુવર્ય શ્રી મધવપ્રિયદાસજી સ્વામીએ બાળકોના સ્વસ્થ જીવન અને દીર્ઘ આયુષ્ય માટે શુભાશીર્વાદ સાથે મેડિકલ ટીમને આ અનેરી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તાજેતરમાં તા. 08-09-10 ડિસેમ્બર, ૨૦૨૩ દરમ્યાન ૩ દિવસમાં ૬ થી ૧૪ કિલો વજન અને ૧ વર્ષ થી ૧૨ વર્ષના બાળકોની કુલ ૬ ઓપન હાર્ટ સર્જરી અને દૂરબીનથી ૪ બાળકોના હૃદયનાં ઓપરેશન કરવામાં આવ્યા. હૃદયમાં કાણું, વાલ્વ ખરાબ, જેવી સમસ્યાથી પીડાતા કુમળા બાળકો આજે સફળ સર્જરી બાદ થોડા સમયમાં ઘરે પરત ફરશે અને સ્વસ્થ જીવન જીવશે.
ઓપરેશન પહેલા બાળ હૃદય રોગ નિષ્ણાત ડો. વિશાલ ચાંગેલા અને SGVP હોલીસ્ટીક હોસ્પિટલના વાત્સલ્ય વિભાગના વડા ડો. અમિત ચિતલીયા દ્વારા બધા બાળકોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ સાથે કીમ્સ હૈદરાબાદની ટીમ દ્વારા ડો.અનીલ ધર્માપુરમના નેતૃત્વ હેઠળ SGVP હોલીસ્ટીક હોસ્પિટલ ખાતે ગત ૩ દિવસમાં હ્રદયના ૧૦ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા.
એક જ બાળકના હૃદયમાં કાણું, વાલ્વની સમસ્યા અને નળી પણ સાંકડી હોય તેવી ગંભીર સ્થિતિમાં પણ સફળ સર્જરી કરવામાં આવી. તે ડો.અનીલ ધર્માપુરમની અને SGVP હોલીસ્ટીક હોસ્પિટલની મોટી સિદ્ધી કહી શકાય.
વધુમાં બાળ હ્રદયરોગ નિષ્ણાત ડો. વિશાલ ચાંગેલાએ જણાવ્યુ હતું કે, જો બાળ હૃદય રોગની સમસ્યા હોય તો સમયસર નિદાન અને સારવાર બાદ તેમને નિવારી શકાય છે અને એ બાળકો આવનારા સમયમાં સામાન્ય બાળકોની જેમ બધાજ પ્રકારની પ્રવૃતિઓ કરી શકે છે.
SGVP હોલીસ્ટીક હોસ્પિટલમાં બાળકોના આ મલ્ટીસ્પેશીયાલીટી વિભાગ ‘વાત્સલ્ય’ આધુનિક સાધનોથી સજ્જ છે અને બાળ હૃદય રોગ તથા બાળકોને લગતા દરેક પ્રકારના રોગોનું નિદાન અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આયુષ્માન કાર્ડ PMJAY અંતર્ગત આ બધા બાળકોની સર્જરી નિ:શુલ્ક કરવામાં આવી હતી.