રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા ઓક્ટોબર ૧૦-૧૧-૧૨, ૨૦૧૪
સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન નવી દિલ્હી આયોજિત, શ્રી વરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય, શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા – તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડીના યજમાન પદે ઓક્ટોબર ૧૦-૧૧-૧૨, ૨૦૧૪ દરમ્યાન રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન થયું હતું.
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, ભાગવતવિદ્યાપીઠના અધ્યક્ષ શ્રી ભાગવતઋષિજી, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધાનાચાર્ય શ્રી રામપ્રિયજી, ડાકોર સંસ્કૃત વિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી અજયભાઇ ઠાકર દ્વારા રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું દિપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન બાદ પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ પવિત્ર સ્થળ રસરાજ ભગવાનની રમણભૂમિ છે. અને પવિત્ર ઋષિતુલ્ય શ્રી કૃષ્ણશંકર દાદાની તીર્થ ભૂમિ છે. આ પ્રસંગના આયોજનથી દાદાનો ગોલોક વિહારી આત્મા અત્યંત પ્રસન્ન થતો હશે.
ભારત હંમેશા રાજાઓ કરતા ઋષિમુનિઓનું અને ધનવાનો કરતા જ્ઞાનીઓનું બહુમાન કરતું રહ્યું છે. સંસ્થાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા સ્વામીજીએ જણાવ્યું હતું કે આપ સર્વે ભારતીય સંસ્કૃતિના રક્ષકો છો. ભારત વર્ષના ભાગ્યનું નિર્માણ આપના હાથમાં છે. સંસ્કૃત ભાષા વિશ્વની પ્રાચીનતમ ભાષા છે.સંસ્કૃત ભાષા જ્ઞાનનો ભંડાર છે. આવી સ્પર્ધાને લીધે સ્વાધ્યાયને ઉત્તેજન મળેછે. સ્પર્ધા મહત્વની નથી પણ સ્વાધ્યાય મહત્વનો છે. વેદના ઋષિ કહે છે કે જમણા હાથમાં પુરુષાર્થ છે ને વિજય તો મારા ડાબા હાથમાં છે.
આ ત્રિદિવસીય સ્પર્ધામાં ભાગવત વિદ્યાપીઠ ખાતે ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. જેમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડીના વિદ્યાર્થીઓએ નવ સુવર્ણ ચંદ્રક, સાત રજત ચંદ્રક અને બે કાંસ્ય ચંદ્રક મેળવીને ગુજરાતભરમાં પ્રથમ સ્થાન મેળવી વિજય વૈંજયંતી ટ્રોફી મેળવી છે.
બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય, સાંદીપનિ પોરબંદરના વિદ્યાર્થીઓએ સાત સુવર્ણ ચંદ્રકો અને ત્રણ રજત ચંદ્રકો અને સાત કાંસ્ય ચંદ્રકો મેળવી દ્વિતીય સ્થાન મેળવેલ છે, જ્યારે વરતન્તુ મહાવિદ્યાલય ભાગવત વિદ્યાપીઠ, સોલા ના વિદ્યાર્થીઓએ છ સુવર્ણ ચંદ્રકો અને પાંચ રજત ચંદ્રકો અને પાંચ કાંસ્ય ચંદ્રકો મેળવી તૃતીય સ્થાન મેળવેલ છે.આ ઉપરાંત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, કૃષ્ણાશ્રમ વૈદિક પાઠશાળા, સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલય,ડાકોર સંસ્કૃત મહાવિદ્યાલય, વાનપ્રસ્થ સાધક આશ્રમ વગેરે વિદ્યાર્થીઓએ સુવર્ણ ચંદ્રકો મેળવેલ છે. સ્પર્ધાને અંતે સમાપન સમારોહમાં લકુલેશ યોગ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો.બંસીધર ઉપાધ્યાય તેમજ પૂજ્ય સ્વામીજીના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.
સ્થાનિક સંયોજક તરીકે હિતેન્દ્રભાઇ વ્યાસ સારી રીતે સંયોજન કર્યું હતું. ડાકોરથી શ્રી અજયભાઇ, સંસ્કૃત અધ્યાપક મંડળના અધ્યક્ષ મેહુલભાઇભટ્ટ, વાચસ્પતિ મિશ્રાજી વગેરેએ સૌને પ્રોત્સાહિત કર્યા હતા.નિર્ણાયક તરીકે ડો.વાસુદેવ પાઠક, શંકરલાલ શાહ, કમલેશ ચોક્સી, વૈદ્ય સાહેબ, ગજેન્દ્ર પંડા, રવિન્દ્ર પંડા, રામપાલ શુક્લ, પ્રજ્ઞાબેન જોષી અને યોગિનીબેન વ્યાસે ન્યાયપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ સમસ્ત પ્રસંગને ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ કરવામાં ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજ ટ્રસ્ટી મંડળે ઉત્સાહ પૂર્વક સેવા બજાવી હતી.
સુવર્ણ ચંદ્રક વિજેતા ઋષિકુમારો : – ૧. અભિષેક દવે (સાહિત્ય ભાષણ), ૨.સ્વામી ધર્મપ્રકાશદાસજી (મિમાંસા ભાષણ), ૩. હર્ષલકુમાર ભટ્ટ (વેદાન્ત ભાષણ), ૪ કુલદિપ ઉપાધ્યાય (વેદાન્ત શલાકા), ૫.જાની સ્વસ્તિક (ન્યાય શલાકા ), ૬.દિવ્યાંગ ત્રિવેદી (સાહિત્ય શલાકા), ૭. પુરોહિત પુનિત (ધાતુ કંઠપાઠ), ૮.સ્વામી નિરંજનદાસજી (શાસ્ત્રાર્થ વિચાર), ૯. હાર્દિક જોષી (શાસ્ત્રાર્થ વિચાર).
રજત ચંદ્રક વિજેતા ઋષિકુમારો : – ૧.પંડ્યા તુષાર (વ્યાકરણ ભાષણ), ૨.દિપ ભટ્ટ (ધર્મશાસ્ત્ર ભાષણ), ૩. ભાર્ગવ ત્રિવેદી (ન્યાય ભાષણ), ૪. મિતેશ પાઠક (સાંખ્ય ભાષણ), ૫. જોષી કિશન (મિમાંસા શલાકા), ૬. જોષી ભરત (જ્યોતિષ શલાકા), ૭.જોષી સંજય (પુરાણ શલાકા).
કાંસ્ય ચંદ્રક વિજેતા ઋષિકુમારો : – ૧.ઘનશ્યામ ભટ્ટ (જ્યોતિષ ભાષણ), ૨.આચાર્ય ભાવેશ (અન્ત્યાક્ષરી)
સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ રાષ્ટ્ર સ્તરીય સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
Picture Gallery