કાશી વિદ્વત્ સભા દ્વારા સંપ્રદાયના સિદ્ધાંતોનું અનુમોદન તથા સન્માન
બાબા વિશ્વનાથજીની નગરી કાશીમાં ભારતવર્ષમાં સુપ્રસિદ્ધ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટીના વૈદિક વિજ્ઞાન સંકાયના સભાગૃહમાં એક અપૂર્વ વિદ્વતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સિદ્ધાતનો જયજયકાર થયો હતો.
આ સભામાં ઉપસ્થિત કાશીના દિગ્ગજ પંડિતોએ એક અવાજે કહ્યું હતું કે, ભગવાન શ્રીસ્વામિનારાયણ પ્રબોધિત વચનામૃત – શિક્ષાપત્રીના વચનો સનાતન વૈદિક પરંપરાના પોષક છે. શ્રીસંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ધર્માગમ વિભાગમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીનો અભ્યાસ ક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ મૂળ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પ્રસ્થાપિત કરેલ બે આચાર્યપીઠ ઉપર બિરાજીત આચાર્યશ્રીઓનો અમે આદર કરીએ છીએ.
આ વિદ્વત સભામાં ઉપસ્થિત કાશીના માનનીય વિદ્વાનોએ ભગવાનશ્રી સ્વામિનારાયણનો વચનામૃત ગ્રંથ તેમજ એમના જ સમયમાં પ્રસ્થાનત્રયી ઉપર લખાયેલ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી અને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી રચિત બ્રહ્મસૂત્રભાષ્ય, ગીતા ભાષ્ય અને દશોપનિષદ્ ભાષ્ય અને સ્વામી માધવપ્રિયદાસજી લીખિત શ્રી સ્વામિનારાયણદર્શનસારસંગ્રહ (વચનામૃત ભૂમિકા)ને મુક્તકંઠે બિરદાવીને કહ્યું હતું કે, આ ગ્રંથો સનાતન વૈદિક પરંપરાના પોષક છે. વિશેષમાં આ સંપ્રદાયમાં ભક્તિ અને જ્ઞાનની સાથે સાથે આચરણ છે, તપ છે. પરિણામે આજે દેશ વિદેશમાં સનાતન પરંપરાનું પોષણ થઈ રહ્યું છે. મૂળ સંપ્રદાય દ્વારા સદ્વિદ્યા પ્રવર્તન અને અનેકવિધ સર્વજીવહિતાવહ સેવાકાર્યો થઈ રહ્યા છે એ અમારો અનુભવ છે.
વિશેષમાં આ વિદ્વતસભામાં ઉપસ્થિત ગણમાન્ય વિદ્વાનોએ પોતાના પ્રવચનોમાં મૂળ સંપ્રદાયમાં એક પરમેશ્વર જ ઉપાસ્ય, ધ્યેય, પ્રાપ્ય, સર્વકર્મફળપ્રદાતા અને સર્વકર્તા છે વગેરે… સિદ્ધાંતોની મુક્તકંઠે પ્રસંશા કરીને મંડન કર્યું હતું અને વર્તમાન સમયે સ્વમતિ અનુસાર કલ્પિત ભાષ્યો દ્વારા પ્રતિપાદિત અક્ષરપુરુષોત્તમ મતનું ખંડન કર્યું હતું.
આ કાશીકેય પંડિતોની વિદ્વતસભાનું અધ્યક્ષપદ કાશીવિશ્વનાથ મંદિર ન્યાસના અધ્યક્ષ વયોવૃદ્ધ પંડિત શ્રી નાગેન્દ્ર પાંડેયજીએ શોભાવ્યુ હતું. વિશેષમાં કાશી વિદ્વત્ પરિષદના વર્તમાન અધ્યક્ષ પદ્મવિભૂષણ શ્રી વશિષ્ઠજી ત્રિપાઠી ગુરુજીના પણ આ અંગે આશિર્વાદ અને માન્યતા પ્રાપ્ત થયા હતા.
આ વિદ્વત સભાનું સંચાલન બી.એચ.યુ.ના સુપ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય શ્રીવ્રજભૂષણ ઓઝાજીએ કર્યુ હતું. આ વિદ્વત સભામાં પંડિત રામકિશોર ત્રિપાઠી, પ્રો ધનંજય પાંડે, પ્રો. હરિપ્રસાદ અધિકારી, પ્રો. કમલેશ ઝા, પ્રો. પતંજલિ મિશ્રા, પ્રો જયશંકરલાલ ત્રિપાઠી, પ્રો. ઉમાશંકર શુક્લ, પ્રો. સુધાકર મિશ્ર, પ્રો. ઉપેન્દ્ર ત્રિપાઠી, પ્રો. રામપૂજન પાંડે, પ્રો. વિનોદરાવ પાઠક, પ્રો. સરોજ ત્રિપાઠી વગેરે બી.એચ.યુ. તેમજ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય તેમજ શ્રીસંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વિવિધ વિભાગોના અધ્યક્ષશ્રીઓ, પૂર્વ કુલપતિશ્રીઓ તેમજ વિવિધ પાઠશાળાઓના વિવિધ વિષયોના નિષ્ણાંત વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્વામી શ્રી માધવપ્રિયદાસજી લિખિત શ્રી સ્વામિનારાયણદર્શનસારસંગ્રહ (વચનામૃત ભૂમિકા)ને વિદ્વત્સભાએ માન્યતા આપી હતી અને સ્વામીજીને “વેદાંતવિદ્યામાર્તંડ” ઉપાધિ આપીને એમને સન્માનિત કર્યા હતા. સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ પીઠ વડતાલ સંસ્થાના મુખ્ય કોઠારી ડો. શ્રી સંતવલ્લભ સ્વામીનું “સારસ્વત અલંકાર” પદવીથી સન્માન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને આ પ્રસંગે ગુજરાતથી શ્રી બળવંત જાની (કુલપતિ-સાગર યુનિ. મધ્યપ્રદેશ), શ્રી નિરંજન પટેલ, (ઉપકુલપતિ, સરદાર પટેલ વિશ્વવિદ્યાલય-વિદ્યાનગર), શ્રી ગીરીશ ભીમાણી (ઉપકુલપતિ – સૌરાષ્ટ્ર યુનિ.) શ્રી લલીત પટેલ (પૂર્વ ઉપકુલપતિ-સોમનાથ), ડો. રામપાલ શુક્લ (સંસ્કૃત મહાવિદ્યાલય, વડોદરા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સોમનાથથી શ્રી ભાનુપ્રકાશદાસજી સ્વામી, વડતાલથી શ્રી હરિઓમ સ્વામીજી, સરધારથી શ્રી યોગેશ્વરદાસજી સ્વામી, વડતાલથી શ્રી શ્યામવલ્લભદાસજી સ્વામી, રાજકોટથી શ્રી સ્વરૃપદાસજી સ્વામી વગેરે સંતો, ઋષિકુમારો ઉપરાંત સંશોધનકર્તા છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.
