Photo Gallery
ચૈત્ર સુદ પુનમ તા. ૨૭ એપ્રિલ ૨૦૨૧, હનુમાનજી મહારાજના જન્મદિન પર્વે SGVP ગુરુકુલ પરિસરમાં આવેલ હનુમાન ગઢી ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં હનુમાનજી મહારાજનું ષોડશોપચાર સાથે પૂજન કરી મારુતિ યજ્ઞ કર્યો હતો.
આ મારુતિ યજ્ઞમાં ઘી, તલ, સરસવ, આંકડો, પાયસ, વગેરે પંચદ્રવ્યોથી હનુમદ્ મંત્ર તથા હનુમાન માલા મંત્રથી અગ્નિનારાયણને ૧૦૮ આહુતિ આપવામાં આવી હતી. પૂજ્ય સ્વામીજીએ યજ્ઞાન્તે પૂર્ણાહૂતિની આરતિ ઉતારી હતી.
હનુમાન જયંતીનુ માહાત્મ્ય સમજાવતા સ્વામીજીએ કહ્યું હતું કે હનુમાનજી મહારાજનો જન્મ તિરુપતિ ક્ષેત્રમાં આકાશ ગંગા તીર્થમાં માતા અંજનિના કુખે થયો હતો. જે હનુમાનજી મહારાજને કેસરી નંદન, પવનપુત્ર, અંજનિપુત્ર અને શંકર સુવન પણ કહેવાય છે. જેમ રામચંદ્રજી ભગવાનના ચરિત્રો સાગર જેવા અનંત અને અપાર છે તેમ હનુમાનજી મહારાજના ચરિત્રો પણ સાગર જેવા અનંત અને અપાર છે. અત્યારે કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે અને પવનની ગતિએ પ્રસરી રહ્યો છે ત્યારે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી એ કે, જેમ આપે અનેક અસુરોનો સંહાર કર્યો હતો તેમ આ કોરોના મહામારીનો પણ નાશ કરી સર્વનું રક્ષણ કરો.
સ્વામીજીએ વિશેષમાં જણાવ્યું હતુ કે જેમ આજે હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે તેમ કચ્છ કડવા પાટિદાર સત્સંગ સમાજના પ્રેરણામૂર્તિ અને ભકતરાજ કેસરા પરમેશ્વરાનો પણ જન્મ દિવસ છે. તેમનો જન્મ વિ.સંવત ૧૮૨૪માં થયો હતો.
વિ.સં.૧૮૬૫માં ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંતશ્રી મુક્તાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવી સત્સંગી થયા હતા. તેમણે પ્રથમ કચ્છ નેત્રા ગામે સ્વામિનારાયણનું મંદિર બંધાવી આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ હસ્તે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી હતી.
તેમણે કડવા પાટિદાર સત્સંગ સમાજને આગળ લાવવા તેમજ વિશાળ સમાજને હિન્દુ ધર્મ સાથે જોડી રાખવા પ્રબળ પુરુષાર્થ કર્યો હતો. એમણે સમાજમાં વર્ષોથી ઘર કરી ગયેલા અનેક કુરિવાજોને તિલાંજલિ અપાવી હતી. આજે પણ ભારતના ખૂણે ખૂણે કડવા પાટિદારોએ ધાર્મિક સંસ્કારો જાળવી રહ્યા છે.
શાખા ગુરુકુલોમાં પણ હનુમાન જયંતિ પ્રસંગે પૂજન, પાઠ અને અભિષેક થયા હતા.
સવાનાહ ગુરુકુલ, અમેરિકા ખાતે પ્રતિષ્ઠિત શ્રી ઘનશ્યામ મહારાજ અને સનાતન ધર્મના ઉપાસ્ય, પૂજનીય સ્વરૂપોનો દ્વિતીય પ્રતિષ્ઠા ઉજવવામાં આવ્યો હતો.