Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shreemad Bhagawat Katha, Rushikesh

શ્રીમદ્ ભાગવત કથા, ઋષિકેશ

હિમાલયની ગોદમાં ગંગા મૈયાના કિનારે, પવિત્ર ભાદરવા મહિનામાં, તા. ૬ થી ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમ્યાન પરમ ભગવદીય શ્રી પ્રવીણભાઈ નારાયણભાઈ ભંડેરી (ગોંડળ) દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં વ્યાસાસને વિરાજમાન પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શ્રીમદ્ ભાગવત આપણને કેવી રીતે જીવન જીવવું અને કેવી રીતે મરણ સુધારવું તે અંગેની આધ્યાત્મિક સદ્વિદ્યા શીખવાડે છે.

શ્રીમદ્ ભાગવતમાં ભગવાનના અનેક અવતારો તેમજ ભગવાનના ભાગવતો અર્થાત્ ભક્તજનોની કથાઓ ખૂબ જ રોચક રીતે ભગવાન વ્યાસજીએ વર્ણવેલી છે.

પરમહંસ માત્રના ગુરુ એવા શુકદેવજી મહારાજના મુખે પરીક્ષિત મહારાજને સાત દિવસમાં મોક્ષપ્રાપ્તિ માટે ગંગાજીના કિનારે પ્રગટ થયેલી આ અધ્યાત્મગંગા આજ દિવસ સુધી અનેક મુમુક્ષુને પ્રેરણા અને ઉત્તમ પ્રાપ્તિની દિવ્ય રીત શીખવતી આવી છે.

પરમ ભગવદીય શ્રી પ્રવીણભાઈ ભંડેરીએ આપણને સૌને આ દિવ્ય લાભ આપ્યો છે, તેમના પુત્ર શ્રી પિયુષભાઈ ભંડેરી પણ પિતાના આ પાવન ધર્મ કાર્યમાં તન મન ધનથી સમર્પિત ભાવે સેવા કરી રહ્યા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શ્રી પ્રવીણભાઈ ભંડેરી પોતાની પાછલી ઉંમરમાં પોતાના જીવનનું આ ઉત્તમ કાર્ય કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સર્વે સંતો હરિભક્તોનો રાજીપો પ્રાપ્ત કર્યો છે.

પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને ભંડેરી પરિવાર તેમજ કથા શ્રવણ કરવા પધારેલા સર્વે ભક્તજનોને રૂડા આશીર્વાદ પાઠવીને ગંગામૈયાના કિનારે કથા શ્રવણ સાથે ભજન, અનુષ્ઠાનની ખૂબ જ સુંદર પ્રેરણા આપી હતી.

આ કથામાં ગુરુકુળ પરિવારના શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી તેમજ શાસ્ત્રી શ્રી સર્વમંગલદાસજી સ્વામીએ પણ શ્રીમદ્ ભાગવત કથાના વિવિધ પ્રસંગો વર્ણવીને સૌ હરિભક્તોનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.

માત્ર પોતાના પરિવારને જ નહીં પરંતુ હરિભક્તોમાં ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, સુરત, વાપી, વલસાડ વગેરેના હરિભક્તોને પણ આ કથાગંગામાં સ્નાન ધ્યાનનો લાભ આપવા માટે ભંડેરી પરિવારે આમંત્રિત કર્યા હતા.

પતિત પાવની ગંગાનદીને કિનારે, ગીતા ભવનમાં આયોજિત આ કથાગંગાનો લાભ લઈ સૌ હરિભક્તો ધન્યભાગી થયા છે.

Achieved

Category

Tags