શ્રી વ્યાસ પૂજન
જીવપ્રાણીમાત્રને પરમાત્માની સૃષ્ટિનું અંગ જાણી, સર્વની મંગલ કામનાની પ્રેરણા આપનાર ભારતીય સંસ્કૃતિનું મૂળ, જ્ઞાનનો સ્રોત ભગવાન વેદ છે. એ વેદના જ્ઞાનને પુરાણો અને ઇતિહાસ ગ્રંથો દ્વારા જન-સામાન્ય સુધી પહોંચાડનાર ભગવાન વેદ વ્યાસનો મહિમા અદ્વિતીય અને અપરંપાર છે. તેમના આ નિઃસ્વાર્થ પરોપકાર પ્રત્યે સમગ્ર ભારતવર્ષ અને વિશ્વ સદાય ઋણી રહેશે. એટલે જ ભારતીય ઉત્સવ પરંપરામાં, ભગવાન વેદ વ્યાસજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના અવસર રૂપ વ્યાસ પૂર્ણિમા – ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ અનેરું છે. ગુરુ પૂર્ણિમાએ ભગવાન વેદ વ્યાસજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમના જ્ઞાન વારસાને આત્મસાત કરી નવી પેઢી માટે એ જ્ઞાન પ્રવાહને વહાવવા માટે કૃત સંકલ્પ થવાનો દિવસ છે.
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી દર વર્ષે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે, SGVPની વિશાળ યજ્ઞશાળામાં, શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સંતો, વિદ્વાનો અને ઋષિકુમારો દ્વારા યજ્ઞમાં આહુતિઓ આપી, ભગવાન શ્રી વેદ વ્યાસજી અને સાથોસાથ તેમના દ્વારા વિભાજીત ભગવાન વેદ, પુરાણો અને ઇતિહાસ ગ્રંથોનું પૂજન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય સ્વામીજીએ પણ યજ્ઞમાં આહુતિ પ્રદાન કરી, વ્યાસ વંદના કરી આનદ વ્યક્ત કર્યો હતો. અને ભગવાન વેદ વ્યાસજી અને તેમની જ્ઞાન પરંપરાનું સાંપ્રત સમયમાં મહત્ત્વ સમજાવ્યું હતું.