શ્રી રામ-શ્યામ-ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ SGVP ખાતે પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી તથા સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે, સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના સાંનિધ્યમાં શ્રી રામ-શ્યામ-ઘનશ્યામ મહારાજનો ૧૯ મો પાટોત્સવ તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪, વસંત પંચમીના શુભ પર્વે ભવ્યતા સાથે ઉજવાયો હતો.
ઐતિહાસિક તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રસાદીભૂત અડાલજની વાવ, નર્મદાના નીર તથા વિવિધ તીર્થજળથી પૂર્ણ ૧૦૮ કળશોનું બહેનો દ્વારા પૂજન કરી ભવ્ય જળયાત્રા કાઢવામાં આવી હતી.
વસંત પંચમીના મંગલ પ્રભાતે શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજને પંચામૃત, તીર્થ જળ, કેસર જળ અને વિવિધ ઔષધિઓના જળથી અભિષેક કરવામા આવ્યો હતો. ત્યારબાદ ઠાકોરજીને ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરાવી આરતિ ઉતારવામાં આવી હતી.
ભગવાન શ્રી સ્વામિનારાય દ્વારા લખાયેલ સંપ્રદાયની આચાર સંહિતા ગ્રંથ શિક્ષાપત્રીની વસંતપંચમીના રોજ ૧૯૮મી જયંતીના શુભ પર્વે, ૫૦૦ વિદ્યાર્થીઓ અને સંતો હરિભક્તો દ્વારા સમૂહમાં પાઠ, પૂજન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ શાકોત્સવનું પણ આયોજન થયું હતું.
ઓસ્ટ્રેલિયા દેશમાં સત્સંગ વિચરણ કરી રહેલા પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ ટેલિફોનિક માધ્યમથી આશીર્વાદ પાઠવ્યા હતા.
પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ૧૦૦૦ કિલો ઉપરાંત સમગ્ર અન્નકૂટનો પ્રસાદ દિવ્યાંગ શાળાઓ, ગરીબો અને મજૂર વર્ગમાં વિતરણ કરવામાં આવ્યો હતો.