Photo Gallery
અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના ઐતિહાસિક ભૂમિપૂજનના દિવ્ય પ્રસંગે, શ્રી રામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભરતભરમાંથી હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયોના ફક્ત ૧૩૫ જેટલા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. SGVP ગુરુકુલના અધ્યક્ષ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને આ દિવ્ય અને ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનું ભાવભર્યું નિમંત્રણ મળતા સમગ્ર ગુરુકુલ પરિવારમાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી.
પૂજ્ય સ્વામીજીની સાથે, હિન્દુ આચાર્ય સભાના વડા સ્વામી શ્રી પરમાત્માનંદજી (રાજકોટ), અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સતકેવલ સંપ્રદાય સારસાના ગાદીપતિ શ્રી અવિચલદાસજી મહારાજ, પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ (જામનગર) પણ આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ મળ્યું હતું.
આ શુભ પ્રસંગે પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી SGVP ગુરુકુલ પરિવારના હરિભક્તોએ, શ્રી રામ મંદિરના નિર્માણના પવિત્ર કાર્યમાં સહયોગી બનવાનો અનેરો લાભ લીધો અને ટૂંક સમયમાં પ્રાપ્ત થયેલ સહયોગમાંથી સાત કિલો જેટલી ચાંદીની ઈંટો બનાવી, ભારતવર્ષના આ ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ કાર્યમાં સમર્પિત કરી હતી.