Photo Gallery
શ્રી હનુમાન જયંતિ મહોત્સવ અને ચતુર્થ પાટોત્સવ
SGVP – અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના પ્રચાર પ્રસારાર્થે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી વિશ્વના અનેક દેશોમાં સતત વિચરણ કરતા રહે છે અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરતા રહે છે.
પૂજ્ય સ્વામીજી દ્વારા અમેરીકા ખાતે એક સુંદર પ્રયાસ કરવામાં આવેલ છે. અમેરીકાના જ્યોર્જીયા સ્ટેટના સવાનાહ શહેરમાં આજથી ચાર વર્ષ પહેલા SGVP ગુરુકુલનો મંગલ પ્રારંભ કરવામાં આવેલ છે. આ ગુરુકુલ દ્વારા સનાતન ધર્મની તમામ વૈદિક ધારાઓનો સમન્વય કરવાનો અનોખો આદર કરવામાં આવેલ છે.
હનુમાનજયંતિના પાવન પ્રસંગે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં બિરાજમાન દેવોનો ચતુર્થ પાટોત્સવ ઉજવવામાં આવ્યો. પૂર્ણિમાના મંગલ પ્રભાતે વૈદિક મંત્રોના દિવ્ય ઘોષ સાથે ભગવાનના દિવ્ય સ્વરૂપનો મહાભિષેક કરવામાં આવ્યો. અભિષેક પૂર્ણ થયા બાદ સ્વામીશ્રીએ અભિષેકના દિવ્ય મહિમાની સમજૂતિ આપી હતી.
પાટોત્સવના મંગલ પ્રસંગે સવાનામાં રહેતા ભાવિક બહેનો ભક્તોએ ભગવાનને ધરાવવા માટે વિવિધ વાનગીઓ બનાવી હતી. આ બધી જ સામગ્રીઓ વિશાળ અન્નકૂટ સ્વરૂપે ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. આ દિવ્ય અવસરે એકત્રિત થયેલા ભાવિક ભક્તજનોએ વિવિધ પ્રકારના થાળનું ગાન કરીને ભગવાનને પ્રેમથી જમાડ્યા હતા.
ભવ્ય અન્નકૂટની આરતી થયા બાદ સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘આપણા હૈયાનો ભાવ ભગવાન અન્નકૂટ સ્વરૂપે સ્વીકારી રહ્યા છે. આ અન્નકૂટનો પ્રસાદ ભક્તજનો સ્વીકારે તે સારી વાત છે, પરંતુ અમારા મનમાં તો ત્યારે અન્નકૂટ પૂર્ણ થયો કહેવાય કે જ્યારે આ અન્નકૂટનો પ્રસાદ એવા વ્યક્તિ સુધી પહોંચે કે જેમના ઘરે ક્યારેય મીઠાઈ બનાવવાની સગવડતા નથી હોતી.
‘SGVP ગુરુકુલમાં દર વર્ષે ચાર વાર અન્નકૂટ ઉજવાય છે. આ અન્નકૂટનો પ્રસાદ અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ ઉપરાંત દરિદ્રનારાયણને અર્પણ કરવામાં આવે છે, જેને અમે અન્નકૂટોત્સવની પૂર્ણતા માનીએ છીએ.’
હનુમાનજયંતિના પાવન પ્રસંગે આયોજીત વિશાળ સભામાં સવાનાહ શહેરના મેયર શ્રી વેન આર. ઝોન્સન પધાર્યા હતા. પૂજ્ય સ્વામીજીએ સાફો બાંધી, ખેસ ઓઢાડી મેયરશ્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંદિરના આગેવાન શ્રી અનિલભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી ગૌત્તમભાઈ પટેલ તથા સુમનભાઈ પટેલે પુષ્પ ગુચ્છ અર્પણ કરીને તેઓનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નિખિલભાઈ પટેલે સભા સંચાલન કર્યું હતું.
આ પ્રસંગે સ્વામીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘આ મંદિર સંવાદિતાનું મંદિર છે. આ મંદિરને લીધે સવાનાહ સીટીની સુંદરતામાં વધારો થશે. આ મંદિર વિવિધ ધર્મો વચ્ચે સમન્વયનો સેતુ સર્જશે. અમેરીકામાં સાયન્સ અને ટેકનૉલોજી છે. ભારત સ્પીરીચ્યુઆલીટીની દ્રષ્ટિએ મહાન છે. સાયન્સ અને સ્પીરીચ્યુઆલીટીનો સંગમ સમગ્ર માનવજાત માટે મંગલકારી બની રહેશે.’
પૂજ્ય સ્વામીજીની વાત સાંભળીને મેયરશ્રીએ પોતાના હૈયાની પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘આ સુંદર અને શાંતિદાયક સ્થાનમાં આવીને મારૂં મન પ્રસન્ન થયું છે. પૂજ્ય સ્વામીજી અહીંયા પધારીને એક વ્યક્તિના હૈયાને બીજી વ્યક્તિના હૈયા સાથે જોડવાના પ્રયાસ સ્વરૂપ બ્રિજનું કામ કરી રહ્યા છે. સવાનાહ શહેરના મેયર તરીકે હું સ્વામીશ્રીનો આભાર વ્યક્ત કરૂં છું.’
આ મહોત્સવનો તથા પૂજ્ય સ્વામીશ્રી દ્વારા પ્રાપ્ત થતો સત્સંગ લાભ મેળવવા માટે અમેરીકાના વિવિધ વિસ્તારના ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.