શ્રી ગણેશ મહોત્સવ
શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે, સનાતન ધર્મની પંચધારામાં શ્રી ગણેશજીનો અનેરો મહિમા છે. ભાદરવા સુદી ચતુર્થીએ શ્રી ગણેશજીનું સવિશેષ પૂજન અર્ચન કરવાની પણ શ્રીજીએ આજ્ઞા કરી છે. ભારતીય ઉત્સવ પરંપરામાં પણ ભાદરવા સુદ ચતુર્થી થી આનંદ/અનંત ચતુર્દશી સુધી ૧૧ દિવસનો શ્રી ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP અને તેની શાખા સંસ્થાઓમાં તા. ૭ થી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમ્યાન શ્રી ગણેશ મહોત્સવ ભક્તિસભર વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.
ભાદરવા સુદ ૪, તા. ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ શોભાયાત્રા સાથે શ્રી ગણપતિજીનું સ્થાપન કરી ષોડ્શોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. ઋષિકુમારો દ્વારા મોદક લાડુની આહુતિઓ સાથે શ્રી ગણેશ યાગ કરવામાં આવ્યો હતો.
ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં, જીવનમાં અને સમાજમાં ભારતીય ઉત્સવ પરંપરા અને શ્રી ગણેશજીના પ્રેરણાસભર ઉત્સવનું મહત્ત્વ સમજાય તેવા હેતુથી દૈનિક પૂજન, સમૂહ મહાઆરતી, સમૂહ મહાપૂજા, શ્રી ગણેશ યાગ, અન્નકૂટ, માટીના ગણેશમૂર્તિનું નિર્માણ, ડાયરો, રાસ, પ્રવચનો, ચિત્ર સ્પર્ધા, વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.