શ્રી ધર્મજીવન સત્ર
પ્રાચીન ગુરુકુલ શિક્ષાપધ્ધતિના પુનરોદ્ધારક સદ્વિદ્યાસદ્ધર્મરક્ષક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જીવન કવન ગ્રંથ ‘શ્રી ધર્મજીવન ગાથા’ ના આધારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર ખાતે તા. ૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ શ્રી ધર્મજીવન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું બહુઆયામી જીવન – વ્યક્તિ, પરિવાર, સમાજ, સંપ્રદાય, રાષ્ટ્ર કે સમગ્ર સૃષ્ટિના વિશાળ ફલક સુધી શ્રીજી મહારાજના સર્વજીવહિતાવહ સંદેશાઓ અને પ્રવૃત્તિઓને સફળ રીતે કાર્યાન્વિત કરવામાં સવિશેષ પ્રેરક રહ્યું છે.
તેમના અંતેવાસી પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ‘શ્રી ધર્મજીવન ગાથા’ એ વિશિષ્ટ જીવનનું દર્શન, ગ્રંથ-ગાથાના માધ્યમથી જગત સમક્ષ મૂક્યું છે.
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને સાનિધ્યમાં આયોજિત આ શ્રી ધર્મજીવન સત્રમાં, શ્રી વી. એસ. ગઢવી (પ્રસિદ્ધ વક્તા અને નિવૃત્ત આઇએએસ ઓફિસર), શ્રી અરવિંદભાઇ બારોટ (જાણીતા કવિ અને સંગીતકાર), શ્રી સમીરભાઈ ભટ્ટ (મહામંત્રીશ્રી, ગુજરાતિ સાહિત્ય પરિષદ) વગેરેએ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના જીવન પ્રેરક પ્રસંગોને વર્ણવ્યા હતા.
તાજેતરમાં ભાઇશ્રી રમેશભાઈ ઓઝા (પોરબંદર) દ્વારા ‘દેવર્ષી’ પદથી સન્માનિત પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજ (સંયોજકશ્રી, હિન્દુ ધર્મ આચાર્ય સભા) તથા પરમ પૂજ્ય શાસ્ત્રી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ (મુખ્ય કોઠારીશ્રી, શ્રી વડતાલધામ) વિશેષ ઉપસ્થિતિ રહી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
પૂજ્ય સ્વામીજી પણ ગુરુદેવના બહુલક્ષી જીવનનું વિવરણ કર્યું હતું.
પ્રોફેસર શ્રી નિસર્ગ આહીર અને પ્રોફેસર શ્રી અશ્વિનભાઈ આણદાણીએ સત્રનું સંચાલન કર્યું હતું.