Photo Gallery
દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ વૈદિક મંત્રો સાથે આદરણીય શ્રી કેશુબાપાને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રદ્ધાંજલિ સભા | ૩૧ ઑક્ટોબર ૨૦૨૦
ભાજપના ભીષ્મ પિતામહ, ખેડૂતોના મસીહા, સૌરાષ્ટ્રના કદાવર નેતા, ગોકુલ ગ્રામના પ્રણેતા, એવા ગુજરાતના માજીમુખ્ય મંત્રી શ્રી કેશુભાઇ પટેલ (કેશુબાપા) ૯૨ વર્ષની વયે સ્વર્ગસ્થ થતા તા. ૩૧ ઑક્ટોબર ૨૦૨૦ના રોજ શરદ પૂર્ણિમાના દિવસે એમની શ્રદ્ધાંજલિ સભા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર ખાતે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોના પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઓન લાઇન યોજાઇ હતી. કેશુબાપાના દુ:ખદ નિધનને લીધે ગુરુકુલમાં નિયમિત રીતે યોજાતો શરદપૂર્ણિમા ઉત્સવ બંધ રાખવામા આવ્યો હતો.
શ્રદ્ધાંજલિ સભામાં પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, શ્રી ગુણવંતભાઇ સોજીત્રા તેમજ ડૉ. મયુરભાઇ પટેલ વગેરે કેશુબાપાના કુટુંબીજનો અને અન્ય ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ, કેશુબાપાએ સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે જેજે સમજોપયોગી આયોજનો કર્યા હતા, જેવા કે, કુંબરબાઇનું મામેરું, જળસંચય અભિયાન, નર્મદા યોજના, કલ્પસર યોજના વગેરે કામોનું વર્ણન કર્યું હતું તથા મેમનગર ગુરુકુલ અને છારોડી ગુરુકુલની જમીન સંપાદનમાં આદરણીય શ્રી કેશુભાઇએ જે જે સહયોગ આપેલ તે પ્રસંગોનું વર્ણન કર્યુ હતું.
શ્રી ભીખુદાનભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે કેશુભાઇ પટેલના રોમે રોમમાં રાષ્ટ્રભક્તિ નીતરતી હતી. કેશુભાઇને ગમતા પ્રસંગોનું પણ ભીખુદાનભાઇ ગઢવીએ આબેહુબ વર્ણન કર્યું હતું.
પૂજ્ય સ્વામીજીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે કેશુબાપા તો ઘેઘુર વડલો હતા. તેના છાયામાં લાખો લોકો આનંદ કરતા હતા. તેઓ ગમે તેવા સમયમાં ડગતા નહી, તેમનું મનોબળ મજબૂત હતું. ધરતીની તરસ છીપાવવા એમણે જળ-સંચય અભિયાન માટે ૬૦+૪૦ ની સ્કીમ મૂકી હતી, જેને લીધે અમને જળમંદિરો બનાવવામાં ઘણીજ અનુકૂળતા રહી હતી. એ સમયે ગુરુકુલ દ્વારા આશરે નાના મોટા એક હજાર ચેક-ડેમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા નાઘેર-ઉના વિસ્તારમાં અમે એ ડેમોની મુલાકાત લીધી હતી. જળ મંદિરને છલકતા જોઇને અંતરમાં ટાઠક વળી હતી. ત્યારે કેશુબાપા ખૂબજ યાદ આવ્યા હતા.
રાજકોટ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુજરાતમાં પ્રાચીન ગુરુકુલ પદ્ધત્તિનો પુનરુધ્ધાર કર્યો હતો. પૂજ્ય ગુરુદેવ કોઠાસૂઝવાળા હતા અને કેશુબાપા પણ કોઠાસૂઝવાળા હતા. પરિણામે બન્ને વચ્ચે અત્યંત પ્રેમ અને લાગણી હતી. પૂજ્ય ગુરુદેવના પરોપકારી સેવાકર્યોને જોઇને તેમણે મેમનગર ગુરુકુલ અને એસજીવીપી ગુરુકુલની જમીન સંપાદન કરવામાં ખૂબ સારો સહકાર આપ્યો હતો.