રુગનાથપુર મહોત્સવ 14-16 Nov 2013
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રુગનાથપુર ગામમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ નવ્ય ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરને વીસ વર્ષ પુરા થતા, તેમજ રુગનાથપુર ગામની મધ્યમાં બિરાજીત શ્રી સિદ્ધશ્વેર મહાદવેના જીર્ણ શિવાલયના સ્થાને નુતન શિવાલયનું નિર્માણ થતાં, ‘શ્રી સ્વામિનારાયણ મંદિર વિંશતિ મહોત્સવ તથા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ નુતન શિવાલય ઉદ્ઘાટન મહોત્સવ’નું આયોજન ગ્રામવિકાસ સેવા ટ્રસ્ટ તથા સત્સંગ સમાજ તરફથી કરવામાં આવ્યું હતું.
આશરે સવાસો વર્ષ પૂર્વે અહીં ચારણનો ઉજ્જડ ટીંબો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી વીરા શેલડીયાના પરિવારજનો તેમજ અરજણ બાપા વેકરીયાએ આ ટીંબો વસાવેલ. સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ આ ગામનું તોરણ બાંધ્યું અને રુગનાથ નામ પાડ્યું અને ગામના પાદરમાં વહેતી દેદુમે નદીમાં બારમાસી પાણી રહેશે એવા આશીર્વાદ આપેલ.
પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ચારણ ટીંબાના આ પ્રાચીન શિવાલયનો જીર્ણોદ્ધાર કરવામાં સુરતના ગુજરાત ગાર્ડીયન દૈનિક પત્રના તંત્રી શ્રી મનોજભાઇ મીસ્ત્રી અને અન્ય મિત્ર વર્તુળે આ કાર્ય માટે ખુબ જ યોગદાન આપ્યું. તેમજ ગામ સમસ્ત ભાઇ બહેનોએ પણ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તન, મન અને ધનથી સહકાર આપ્યો. અને જોત જોતાનાં નવ્ય ભવ્ય શિવાલય તૈયાર થઇ ગયું.
આ મહોત્સવ દરમ્યાન સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને ગ્રન્થરાજ શ્રીમદ્ સત્સંગીજીવન કથા અંતર્ગત શ્રી હરિ ચરિત્રનું તથા શિવગાથા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કથા પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે આ પ્રસંગ ધાર્મિક અને સામાજિક સમરસતાનો છે. ગામના સત્સંગીઓએ શિવાલયનું મંદિર નિર્માણ કરી ધાર્મિક ઉદારતાનું ઉદાહરણ પુરું પાડ્યું છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે શિવજી અને નારાયણ વચ્ચે એકાત્મતા દર્શાવી છે. શિવ પરિવારમાં ભારે સંપ છે અને સહૃદભાવ છે. એટલે શિવ પરિવારના દરેક સભ્યોનું પૂજન થાય છે. આવો સંપ અને સહૃદભાવ હર પરિવારમાં હોવો જોઇએ.
આ મહોત્સવમાં બ્રાહ્મણથી માંડીને સર્વ ઉજળિયાત કોમ, દેવી પૂજકો, હરિજન બંધુઓએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ ગામે સામાજિક સમરસતાનું ઉદાહરણ પુરું પાડ્યું હતું. સાથે સાથે ગામ લોકોએ ઉત્સવ દરમ્યાન ગામમાં તેમજ સીમમાં વસતા તમામ ભાઇ બહેનોને દિવસમાં ત્રણેય વખત પ્રસાદ-જમાડવાની વ્યવસ્થા કરી હતી.
આ સાથે દેદુમે નદી ઉપર ચેક ડેમ બાંધવાનું નક્કી કરી ખાત મૂહુર્ત પણ કરવામાં આવ્યું હતું. તેમાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી સાથે સૌરાષ્ટ્ર જલધારાના ટ્રસ્ટી શ્રી મથુરભાઇ સવાણી પણ ખાસ જોડાયા હતા.
આ પ્રસંગે તુલસી વિવાહ ભવ્ય રીતે ઉજવાયો હતો. અને ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ઉત્સવમાં પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી શ્રીહરિ દાસજી સ્વામીએ પણ ખાસ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરી આશીર્વાદ પાઠવ્યા હતાં.
પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ઉત્સવ દરમિયાન સેવા કરનાર તમામ યુવકો અને કાર્યકર્તાઓને ફૂલથી વધાવ્યા હતા.
Picture Gallery