Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

શરદોત્સવ, 2014

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્‌ગુરુ સંતોના સાનિધ્યમાં અને વિશાળ સંખ્યામાં ગુરુકુલ પરિવારની ઉપસ્થિતિમાં ભવ્ય શરદોત્સવ- શરદ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શરદ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શ્રીજી પ્રસાદીભૂત અડાલજ વાવના જળની જલયાત્રા અને પૂજન – સ્થાપન કરવામાં આવ્યું હતું.
શરદ પૂર્ણિમાના દિવસે સવારે સહજાનંદમ્ – સંત નિવાસમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે કેસર જળ, પંચામૃત, ઔષધિઓ, ફળોના રસ, તીર્થ જળ તથા શ્રીજી પ્રસાદીભૂત અડાલજ વાવના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ અન્નકૂટ દર્શન અને પૂજ્ય પુરાણી સ્વામી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતાં.
સાંજે શરદોત્સવના પ્રારંભે ઠાકોરજી, સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને ગુરુદેવ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના પૂજન બાદ સદ્‌ગુરુ સંતોએ ઠાકોરજીની પ્રથમ આરતી ઉતારી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો.
સુરેન્દ્રનગરની માલધારી મંડળની રાસમંડળીએ ગોપ રાસ, હુડો રાસ વગેરે જુદા જુદા રાસ રમીને લોકોના મનને રંજિત કર્યા હતા. ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓએ ધરતી ધ્રુજાવતો મણીયારો રાસ રમીને સૌને આનંદિત કર્યા હતાં.
ઉત્સવ દરમ્યાન ૧) પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી લિખિત ‘નંદ સંત કવિઓ’ ૨) પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીના પ્રવચનનું રૂપાંતરિત પુસ્તક ભજ ગોવિંદમ્  ભાગ -૩, ૩) શ્રી હરદાસભાઈ સાવલીયા લિખિત નારી રત્નો ભાગ-૨, અને ૪) માધવ – ધ અલ્ટીમેટ લીડર (લેખક – સુરેશ-અલ્કા પ્રજાપતિ) પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આફ્રિકા, યુ,કે., અમેરિકા દેશોમાં સતત ચાર માસ સુધી ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુધર્મના પ્રચાર અને પ્રસાર કરી પરત આવતા પૂજ્ય સ્વામીજીનું સભામાં હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીએ જણાવેલ કે આજે જેમ ચંદ્ર પૂર્ણ સોળે સોળ કળાએ ખીલેલ છે તેમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ છે. જેમણે કાલવાણીમાં એક દિવસમાં પાંચસો પરમહંસોને ભાગવતી દિક્ષા આપી ચમત્કાર સર્જ્યો છે. પોતાની પચીસ વર્ષની ઉંમરમાં બે હજાર જેટલા સંતો ભગવાન શ્રી સ્વામિનારાયણની આંખને ઇશારે ગુજરાત ભરમાં ફરી, અનેક સંકટો વેઠી ધર્મ પ્રચારમાં જોડાઇ ગયા હતા.
આજે અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો પણ જન્મ દિવસ છે. ભગવાન જ્યારે આ બ્રહ્માંડમાં પધારે છે ત્યારે એકલા પધારતા નથી પણ મુકતો સાથે પધારે છે. પરબ્રહ્મ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી સાથે અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા છે.
આજનો દિવસ સમસ્ત ભારત માટે અતિ આનંદ, ઉત્સાહ અને રાસનો દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે શરદપૂર્ણિમાના પુનિત પર્વે ગોપીઓ સાથે રાસ લઇ ગોપીઓને અમર બનાવી દીધી છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં રસરાજ છે. તેનો રસ ક્યારેય નિરસ થતો નથી.
આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં હરિભકતો ભાઇઓ-બાઇઓ ઉત્સવમાં લાભ લેવા પધાર્યા છો જોઇ અત્યંત આનંદ થાય છે. આપણા વડિલ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી યજ્ઞપ્રિય છે. શ્રીજી મહારાજની યજ્ઞ પરંપરા તેઓ જતન કરીને પ્રવર્તાવી રહ્યા છે. તેઓનો સંકલ્પ છે કે આગામી ૨૦૧૫, ડીસેમ્બર માસમાં છારોડી ગુરુકુલને આંગણે વિશ્વશાંતિ માટે ૧૦૦૦ કુંડી મહાવિષ્ણુયાગ યોજાય. ડિસેમ્બર ૨૩ થી ૨૭, ૨૦૧૫ દરમ્યાન આયોજિત આ શ્રી મહાવિષ્ણુયજ્ઞમાં આખો દિવસ આહુતિઓ અપાશે. દરરોજ સાંજે કથા-વાર્તાનો લાભ મળશે. ભારતના શ્રેષ્ઠ ધર્માચાર્યો પધારી સત્સંગનો લાભ આપશે. વચનામૃતના સંહિતા પાઠ પણ યજ્ઞ દરમ્યાન કરવામાં આવશે. તો ભાવિક ભકતો આ સહસ્રકુંડી મહાયજ્ઞમાં તન, મન અને ધનથી જોડાય.
ગુરુકુળના વિદ્યાર્થી શ્રી અરવિંદભાઈ ડુંગરાણી (શ્રીજી આર્ટ)એ The All India Federation of Master Printers, New Delhi દ્વારા આયોજિત National Awards Excellence in Printing 2014માં ફોઈલ, સ્ટેમ્પીંગ અને એમ્બોઝ કેટેગરીમાં સમસ્ત ભારતમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલ છે.
શ્રી ધીરૂભાઈ અર્જુનભાઈ દામાણીને ઔદ્યોગિક સુરક્ષા – ઉત્પાદક – કલ્યાણ – શાંતિના ક્ષેત્ર માટે તેમજ સંકટ સમયની આત્મસૂઝ અંગેની વિશિષ્ટ કામગીરી બદલ શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય શ્રમ પુરસ્કાર અને પ્રશંસા પત્રથી સન્માનિત કરવામાં આવેલ છે. શરદોત્સવના આ પુનીત પ્રસંગે ગુરુકુલ પરિવારના આ બંને સભ્યોનું પૂજ્ય સ્વામીજીના હસ્તે બહુમાન કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતાં.
પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ ભાગવતમાં જે ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓની સાથે જે રાસ ક્રિડા કરેલી તેનું આબોહુબ વર્ણન કર્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી નવિનભાઇ દવે તથા શ્રી કાંતિભાઇ ગાંધી, શ્રી વી.એસ.ગઢવી (કમિશ્નર રાજ્ય માહિતી), ડો.ડી.એમ.પટેલ (કુલપતિ ગુજરાત યુનિ.), ડો.જે.ડી.પટેલ (ડે.કલેકટર પ્રાન્ત દશક્રોઇ), શ્રી અરવિંદભાઇ ઠક્કર (કેરોસિન ડિલર્સ), શ્રી એ.જે.શાહ (જે.એલ.પી.સી.), શ્રી નરેશભાઇ દવે (ઇ-ટીવી), શેઠ શ્રી ચીમનલાલ અગ્રવાલજી, ઝાલાવાડીયા ત્રિકમભાઇ, ઝાલાવાડિયા ધનજીભાઇ, વાસુદેવભાઇ પટેલ, ગુણવંતભાઇ, પરશોત્તમ બોડા વગેરે મહાનુભાવો તથા અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, મુંબઈ વગેરે સ્થળોએથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Photo Gallery

Achieved

Category

Tags