Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shakotsav – London UK

લંડન ખાતે એસજીવીપી ગુરુકુલ પરિવાર દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન થયું.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંદુ ધર્મના દરેક ઉત્સવોને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના ભક્ત સુરાખાચરને ન્યાલ કરવા માટે લોયા ખાતે પ્રથમવાર શાકોત્સવ ઉજવ્યો હતો. ભગવાનની આ પાવનલીલાનું સ્મરણ કરીને સંપ્રદાય દ્વારા અનેક સ્થાનોમાં શાકોત્સવ ઉજવાતા રહે છે. હાલમાં જ ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી લંડન, યુકે ખાતે તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શાકોત્સવમાં ‘Celebration of Hinduism’ ની થીમ રાખવામાં આવી હતી.

શાકોત્સવના પ્રારંભે ઠાકોરજીના સામૈયા કરવામાં આવ્યા હતા. લંડનમાં વસતા નાના નાના બાળકોએ ઠાકોરજીને પુષ્પથી વધાવ્યા હતા અને બાલિકાઓએ કળશ મસ્તક પર ધારણ કરીને ભગવાનના પ્રેમથી વધામણા કર્યા હતા.

હનુમાનજી મહારાજના મંગલ સ્મરણ સાથે હનુમાન ચાલિસાનું ગાન થયા બાદ વૈદિક મંત્રોથી ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રીરાધાકૃષ્ણદેવ તથા ભગવાન શ્રીસીતારામજીનું પૂજન કરવામાં આવ્યું.

સ્વામીશ્રીની પ્રેરણાથી આ પ્રસંગે સંતો લંડન પધાર્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર – યુ.કે.ના ટ્રસ્ટી સભ્યો શશીકાંતભાઈ વેકરીયા, રવજીભાઈ હિરાણી, ગોવિંદભાઈ કેરાઈ, ગોવિંદભાઈ રાઘવાણીએ સંતોનું પૂજન કર્યું હતું. આ મહોત્સવને સફળ બનાવવા માટે લંડનમાં વસતા ૩૦ હિંદુ પરિવારે યજમાન તરીકે લાભ લીધો હતો.

શાકોત્સવના મંગલ પ્રારંભે શાસ્ત્રી સ્વામી શુકવલ્લભદાસજીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રારંભાયેલા શાકોત્સવનો સુંદર ઈતિહાસ કહ્યો હતો તથા સ્વામી ભક્તિવેદાંતદાસજીએ ‘હિંદુધર્મ’ના મહત્ત્વને સમજાવ્યું હતું.

લંડનમાં વસતા હિંદુ ભાઈ-બહેનોએ આવી રહેલા ‘પડકારોનો સામનો કેવી રીતે કરવો જોઈએ ?’ તે અંગે RSSના કાર્યકર્તા પ્રિતેનભાઈ પીઠડીયાએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

આ શાકોત્સવના પ્રસંગે ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભક્તજનોને રૂડા આશીર્વાદ પાઠવ્યાહતા. હિંદુ ધર્મ રીતિ તથા શાકોત્સવનું મહત્ત્વ સમજાવતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘હિંદુ પરિવારમાં વસતા ભાઈ-બહેનોના જીવન શાક જેવા હોવા જોઈએ. શાકમાં અનેક પ્રકારના મસાલા હોય. દરેક મસાલાના સ્વાદ જુદા હોય પરંતુ જ્યારે બધા જ મસાલા ઘીમાં ભળે અને એકરસ થાય ત્યારે શાકનો આનંદ આવતો હોય છે; એવી રીતે પરિવારના તમામ સભ્યોના સ્વભાવો અલગ અલગ હોય પરંતુ જ્યારે સ્નેહ અને સંપની ભાવનામાં એકરસ થાય ત્યારે પરિવારમાં રહેવાનો આનંદ આવતો હોય છે.’

વિશેષમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘શાક અને રોટલાનું વિશેષ મહત્ત્વ નથી. તે તો આપ સર્વે ઘરે પણ બનાવી શકો છો. શાકોત્સવનો આ જે આનંદ છે તે ભગવાનના સંબંધનો આનંદ છે. શાકોત્સવ સાથે રસરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય લીલા જોડાયેલી છે, તેનો દિવ્યાનંદ પ્રાપ્ત થાય છે.’

SGVP ગુરુકુલ દ્વારા સંચાલિત SGVP કન્યા ગુરુકુલ – દ્રોણેશ્વર, દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય તથા SGVP સદાવ્રતમાં લંડનના ભક્તોના અપૂર્વ યોગદાનને યાદ કરીને સ્વામીશ્રીએ લંડન નિવાસી ભક્તજનોને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે ડે.મેયર અંજનાબેન પટેલ, કાઉન્સિલર કાંતિભાઈ રાબડીયા, એશિયન ફાઉન્ડેશનના અગ્રણી વિનુભાઈ કોટેચા, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખશ્રી માવજીભાઈ વેકરીયા વગેરે આગેવાનો તથા લંડન, ઈસ્ટ લંડન, વુલ્વીચ, લેસ્ટર, બોલ્ટન, બાથ વગેરે વિવિધ વિસ્તારોથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સભાને અંતે શાકોત્સવનો આસ્વાદ માણીને સર્વે ભક્તોએ તૃપ્તિનો આનંદ અનુભવ્યો હતો.

આ મહોત્સવની તૈયારીમાં મહેશભાઈ વોરા, અજયભાઈ કાનાણી વગેરે SGVP ગુરુકુલ પરિવારના સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ પુરુષાર્થ કર્યો હતો. શાકોત્સવનું સભા સંચાલન સૂર્યકાંતભાઈ વરસાણી તથા વેલજીભાઈ વેકરીયાએ કર્યું હતું.

Achieved

Category

Tags