મુંબઇ પાસે આવેલ લોનાવાલા મુકામે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની સાનિધ્યમાં, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, શ્રી નવિનભાઇ દવે તથા ગોપાલભાઇ દવેના વિશાલ બંગલાની પરિસરમાં મુંબઇ, પુના, કલકત્તા,પનવેલ, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ઉના, નાઇરોબી, યુ.કે. વગેરે સ્થળેથી વિશાળ સંખ્યામાં હરિભકતોની હાજરીમાં ફેબ્રુઆરી ૪, ૨૦૧૨ ના રોજ ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો.
કાર્યક્રમની શરુઆત મુંબઇ શ્રીવલ્લભ સંગીત મહાવિદ્યાલયના શ્રી ચૈતન્યસ્વરુપદાસજી સ્વામી તથા શ્રી હસમુખભાઇ પાટડીયા અને ઘનશ્યામ ભગત દ્વારા નંદસંતોના કીર્તનોથી કરી હતી.કીર્તન આરાધના બાદ પૂજય આચાર્ય મહારાજશ્રીનું પૂજન શ્રી નવિનભાઇ દવે, ગોપાળભાઇ દવે, નરહરિભાઇ કોયા, ચંદુભાઇ કામળિયા, કાંતિભાઇ ગાંધી, ડી.કે.શાહ, રમુભાઇ દેશાઇ, રામકૃષ્ણભાઇ સોમૈયા, રવજીભાઇ હિરાણી (યુ.કે.), રામજીભાઇ વેકરિયા (નાઇરોબી) વગેરેએ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.સ્વાગત બાદ શ્રીહરિદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે લોયાના સુરાભકતના આગ્રહથી સ્વયં ૧૨ મણ ઘીમાં ૬૦ મણ રીંગણાનું શાક કરી રીંગણાંના શાકને શાકોત્સવમાં ફેરવી નાંખ્યો હતો.આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના કૃપાપાત્ર એવા અને ગુરુકુલ વિકાસમાં જેમનો સિંહ ફાળો રહેલ છે એવા ગાંધી પરિવાર, મેતલિયા પરિવાર, શાહ પરિવાર, દવે પરિવાર વગેરે પરિવારના વડિલો – વડવાઓની વાત કરી હતી.પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજે મૂળ સંપ્રદાયની પરંપરાને જાળવીને ગુરુકુલની સ્થાપના કરી છે. તેઓ સદૈવ સંપ્રદાયની મૂળ ગાદીને વફાદાર રહ્યા છે. તેના પગલે પગલે અમો શાસ્ત્રીજી મહારાજના કાર્યને આગળ ધપાવી રહ્યા છીએ. આદરણીય શ્રી નવિનભાઇને સંપત્તિ મળી છે અને તેને વાપરતા પણ આવડ્યું છે. સંપત્તિ મળવી એ પ્રારબ્ધ છે પણ તે મળ્યા પછી શાણપણ અને સમજણ આવવી એ સંતોની કૃપાનું ફળ છે. સંપત્તિ મળ્યા પછી છલકાઇ ન જવું એ નવિનભાઇનો આગવો ગુણ છે.આ પ્રસંગે ભાનુભાઇ પટેલે ભુલેશ્વર શ્રી સ્વામિનારાયણ મંદિરના વિકાસમાં પાયાથી માંડીને અત્યાર સુધીમાં જેમનો સિંહ ફાળો રહેલ છે એવા કલ્યાણજી કરમશી દામજી પરિવારને યાદ કરી તેમની ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યેની અને સંપ્રદાય પ્રત્યેની નિષ્ઠાની વિગતથી વાત કરી હતી.અંતમાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા પાસેના લોયા ગામે કરેલ શાકોત્સવનો વઘાર છેક લોનાવાલામાં પહોંચ્યો છે. ખરેખર આ શાકોત્સવ શિરમોડ રહ્યો છે. અહીં કલકત્તાથી માંડીને કાણેક નેસથી ભકતો પધાર્યા છે. ખરેખર નવિનભાઇની નિષ્ઠાને ધન્યવાદ છે. મુંબઇથી દૂર ઉત્તંગ પર્વત ઉપર લોનાવાલામાં આટલી વિશાળ સંખ્યામાં હરિભકતોને આમંત્રણ આપી લોયા શાકોત્સવની યાદ તાજી કરાવી છે. લોયાના શાકોત્સવમાં સુરાભકતની ભાવના ભરેલી હતી જયારે લોનાવાલાના શાકોત્સવમાં નવિનભાઇ દવેની ભાવના ભરેલી છે. ઘણા વખતથી સંપ્રદાયમાં શૂન્યાવકાશ વર્તતો હતો. તે પૂર્ણ કરવા અમો ગામડે ગામડે નાનામાં નાના હરિભકતોના આમંત્રણને માન આપી જઇએ છીએ. સત્સંગનો વધુને વધુ ઉત્કર્ષ થાય એ અમારો હેતુ છે. દેશ વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ હિન્દુ ધર્મનો પ્રચાર કરનાર શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંપ્રદાયનું ઘરેણું છે.આ પ્રસંગે ખાસ ગાદીવાળાં માતુશ્રી પણ શાકોત્સવમાં પધાર્યા હતા. તેમનું સ્વાગત નવિનભાઇના ધર્મપત્ની શ્રી મંજુબેન તથા તેમના સુપુત્ર ગોપાલભાઇના ધર્મપત્ની દેવાંશુબેને કર્યું હતું.આ પ્રસંગે રાજકોટથી પરશોત્તમભાઇ બોડા, સુરતથી ભીખાભાઇ સુતરીયા તથા મનસુખભાઇ શેલડીયા, જુનાગઢથી ધીરુભાઇ ગોહેલ, ધીરુભાઇ અસ્વાર, પુનાથી ભરતભાઇ પંડ્યા, મુંબઈથી મુકેશભાઇ ઉન્નડકટ, રાજાભાઇ લોહાણા, બળવંતભાઇ મેતલિયા, ચંદ્રકાન્તભાઇ મેતલિયા, પ્રવિણભાઇ કામળિયા, દિલ્હીથી યોગેશભાઇ ગાંધી, વિપુલભાઇ ગજેરા, મધુભાઇ દોંગા, પનવેલથી જયેશભાઇ સોનેતા વગેરે હાજર રહ્યા હતા.રોટલા ઘડવાની સેવા રાજકોટ મહિલા મંડળે તથા અન્ય બહેનોએ ઉપાડી હતી.સભાનું સંચાલન લક્ષ્મણભાઇ આદ્રોજાએ સંભાળ્યું હતું. આભાર વિધિ નવિનભાઇ દવે એ કરી હતી.
Picture Gallery