પરમ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સંતમંડળ તથા ભક્તજનોની સાથે કાશ્મીરની યાત્રા દરમિયાન દ્રાસ પધાર્યા હતા. કારગીલ યુદ્ધ વખતે દ્રાસ લડાઈનું મુખ્ય કેન્દ્ર હતું. અહીં પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બાત્રાએ ટાઈગર હીલ ઉપર વિજયધ્વજ ફરકાતી વખતે શહીદી વોરી હતી.
આ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની સ્મૃતિમાં કારગીલ વૉર મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૂજ્ય સ્વામીજી તથા ભક્તજનોએ દેશની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
દ્રાસમાં મોટા ભાગની વસ્તિ મુસ્લિમ છે. આ લાકો ભારત પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવે છે. એમને હિન્દુસ્તાની હોવાનું ગૌરવ છે. અહીંના મોટા ભાગના પરિવારોમાંથી યુવાનો સૈન્યમાં જોડાયેલા છે. ટાઈગરહિલ ઉપર દુશ્મનોની હાજરીની પ્રથમ જાણકારી પણ આ લોકોએ જ આપી હતી. તેમજ કારગીલ યુદ્ધ વખતે પણ અહીંના લોકોએ લશ્કરને ખૂબ મદદ કરી હતી અને આજે પણ કરી રહ્યા છે.
સ્વામીજી દ્રાસ પધાર્યા ત્યારે અહીંના આગેવાનો સ્વામીજીનાં દર્શને આવ્યા હતા. આ આગેવાનોએ જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમીતભાઈ શાહની બી.જે.પી. સરકારે લેહ-લદ્દાખને યુનિયન ટેરીટરી બનાવ્યા પછી અહીં સારો વિકાસ થઈ રહ્યો છે. ભારતભરમાંથી લોકો અહીં મુલાકાતે આવે એવી અમારી કામના છે.
સ્વામીજીએ કહ્યું હતું કે, આ વિસ્તારને અમે શહીદતીર્થ માનીએ છીએ. આ વિસ્તારની પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ વધતી રહે એવી અમારી શુભકામના છે.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજી સાથે રામસુખદાસજી સ્વામી, ભક્તવત્સલદાસજી સ્વામી, કે. વરસાણી (કે.સોલ્ટ, નાઈરોબી), દેવશીભાઈ વરસાણી, રવજીભાઈ હિરાણી વગેરે પણ જોડાયા હતા.